<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

રાજકોટમાં ભાજપનો ભવ્‍ય વિજય, વિકાસ, સુશાસન અને સંગઠનશક્‍તિ પર જનતાની મહોર : ઉદય કાનગડ

રાજકોટ તા. ૨૯ : રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્‍ય વિજય બદલ તમામ મતદાતાઓ,  કાર્યકર્તાઓ અને સમર્થકોનો જાહેર આભાર વ્‍યક્‍ત કરતાં ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવ્‍યું  કે સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ નોંધાવેલો ઐતિહાસિક વિજય માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ તે જનવિશ્વાસની ઊંડી છાપ છે.

શહેરના ૧ થી ૧૮ વોર્ડની કુલ ૭૨ બેઠકોમાંથી ભાજપે ૬૫ બેઠકો પર વિજય મેળવી પ્રચંડ બહુમતી સાથે રાજકીય દિશાને નવી દિશા આપી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્‍ય અને ઐતિહાસિક જીત મેળવીને એકવાર ફરી સાબિત કર્યું છે કે જનતા વિકાસ, પારદર્શિતા અને મજબૂત નેતળત્‍વ પર વિશ્વાસ મૂકે છે.

તેઓએ વધુમાં જણાવ્‍યુ કે આ જીતમાં માત્ર મતપેટીઓનો નિર્ણય નથી પરંતુ વિકાસ, પારદર્શિતા અને સુશાસનની નીતિઓ પ્રત્‍યે જનતાનો દ્રઢ વિશ્વાસ પ્રતિબિંબિત થાય છે. કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારોના સુવ્‍યવસ્‍થિત આયોજન, આધુનિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને નાગરિક સુવિધાઓએ રાજકોટને નવા વિકાસયુગ તરફ દોરી ગયું છે, અને એ જ માર્ગ પર જનતાએ ફરી એકવાર મોહર મારી છે.

ભારતીય જનતા પાર્ટી માત્ર એક રાજકીય સંગઠન નથી પરંતુ ‘રાષ્‍ટ્ર પ્રથમ'ની ભાવના સાથે કાર્યરત જનસેવાની સંસ્‍થા છે. ભારતીય જનતા પાર્ટી ‘સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ'ના મંત્ર સાથે કાર્યરત રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સમર્પણ ભારત માતાને છે, અને દેશના કરોડો લોકોના કલ્‍યાણ માટે છે. આ ભાવના માત્ર રાજકીય સૂત્ર નથી, પરંતુ દેશના ભવિષ્‍યને મજબૂત બનાવવાનો સંકલ્‍પ છે.

આ જીત પાછળ પાર્ટીના બૂથ લેવલથી શહેર સ્‍તર સુધીના કાર્યકર્તાઓની અથાગ મહેનત, નિષ્‍ઠા અને સંગઠનની મજબૂત રચના મુખ્‍ય આધારસ્‍તંભ બની છે. દિવસ-રાતની મહેનત અને એકતાએ આ વિજયને શકય બનાવ્‍યો છે. તેમ અંતમાં ઉદય કાનગડે જણાવ્‍યુ છે. 

(4:10 PM IST)