તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 4th June 2026
ફ્રીઝમાં ભરવાના ગેસનો બાટલો બ્લાસ્ટ થઇ માથામાં અથડાયોઃ ૧૬ વર્ષના વેઇટરનું મોત
રાજકોટ-ભાવનગર હાઇવે પર ઠાકરધણી હોટેલમાં બની વિચીત્ર ઘટના : મુળ રાજસ્થાનના ઉદેપુર પંથકનો અરવિંદસિંગ સાટકા કુટુંબી ભાઇઓ સાથે દસેક મહિનાથી અહિ કામ કરતો હતોઃ સીસીટીવી ફુટેજમાં ઘટના કેદ થઇ : સાત મહિના પહેલા જ આ બાળકના પિતાનું મૃત્યુ થયું હતું: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૪: રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલી ઠાકરધણી હોટેલ ખાતે વેઇટર તરીકે નોકરી કરતો મુળ રાજસ્થાન ઉદેપુર પંથકનો ૧૬ વર્ષનો બાળક હોટેલમાં કામ કરતો હતો ત્યારે નજીકમાં ફ્રીઝ પર રાખેલો ફ્રીઝના કમ્પ્રેશરમાં ભરવા માટેનો ગેસનો નાનો બાટલો અચાનક ધડાકા સાથે ફાટી ઉડીને આ વેઇટરના માથામાં અથડાતાં તે લોહીલુહાણ થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેને મૃત જાહેર કરાયો હતો.
જાણવા મળ્યા મુજબ ઠાકરધણી હોટેલ ખાતે વેઇટર તરીકે કામ કરતો અને ત્યાં જ રહેતો ઉદેપુરના સાટકા ગામનો વતની અરવિંદસિંગ પુનસિંગ સિસોદીયા (ઉ.વ.૧૬) ગઇકાલે હોટેલમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ડીપ ફ્રીઝની ઉપર રખાયેલો ફ્રીઝના ગેસનો બાટલો ફાટયો હતો અને ઉડીને બીજા કર્મચારીઓ સાથે અરવિંદસિંગ કામ કરતો હતો તેના માથામાં પાછળના ભાગે ધડાકા સાથે અથડાતાં અરવિંદસિંગ લોહીલુહાણ થઇ ઢળી પડયો હતો. બનાવને પગલે તેની સાથે જ કામ કરતાં કુટુંબી ભાઇઓ, બીજા કર્મચારીઓ એકઠા થઇ ગયા હતાં અને અરવિંદસિંગને હોટેલ માલિક સહિતે લોહીલુહાણ અને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો.
પરંતુ અહિ અરવિંદસિંગને તબિબે મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્પિટલચ ોકીના કેતનભાઇ પરમારે કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના એ. એન. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અરવિંદસિંગ બે ભાઇ, એક બહેનમાં નાનો હતો અને ગયા વર્ષે જ ધોરણ-૧૨ની પરિક્ષા આપી હતી. સાત મહિના પહેલા જ તેના પિતાનું બિમારીને લીધે અવસાન થયું હતું. અરવિંદસિંગના બે ભાઇઓ ઠાકરધણી હોટેલમાં નોકરી કરતાં હોઇ પોતે પણ થોડા મહિના પહેલા અહિ નોકરીએ આવ્યો હતો. દિકરાના મૃત્યુના સમાચાર મળતાં માતા, કાકા સહિતના સગા સંબંધીઓ રાજકોટ પહોંચ્યા હતાં. સીસીટીવી ફુટેજમાં કઇ રીતે ફ્રીઝના ગેસનો બાટલો ફાટીને માથામાં અરવિંદસિંગને લાગી ગયો હતો તે દ્રશ્ય દેખાયુ હતું.
(2:47 PM IST)










