તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
માલીયાસણ ચોકડી પાસે સવા લાખનો દારૂ ભરેલી રિક્ષા સાથે દિનેશ ઉર્ફે ભોલીયો ઝડપાયો
કુવાડવા રોડ પોલીસના બાતમીના આધારે દરોડા આજીડેમ પોલીસ, ક્રાઇમ બ્રાંચ, ભકિતનગર અને પ્ર.નગર પોલીસના અન્ય પાંચ સ્થળે દરોડાઃ ચારને દારૂ તેમજ બીયર સાથે દબોચી લીધા

રાજકોટ, તા. ૩: સાતમ-આઠમના તહેવારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ધોંસ બોલાવી છે. માલીયાસણ ચોકડી નજીકથી કુવાડવા રોડ પોલીસે સવા લાખના દારૂ ભરેલી રિક્ષા સાથે એકને ઝડપી લીધો હતો. જયારે અન્ય પાંચ દરોડામાં ૪ શખ્સોને દારૂ-ચપલા સાથે ઝડપી લીઇ કાર્યવાહી કરી હતી.
કુવાડવા રોડ પોલીસના એએસઆઇ ખોડુભા જાડેજા, કોન્સ્ટેબલ જયદીપભાઇ ધોળકીયા સહિતના સ્ટાફે માલીયાસણ ચોકડીથી સોખડા બાયપાસ રોડ ઉપર દરોડો પાડી રિક્ષામાં દારૂનો જથ્થો લઇને નિકળેલા દિનેશ ઉર્ફે ભોલીયો લાલજીભાઇ ડાભી (ઉ.વ.૩૦ રહે.વિજયપ્લોટ, ગોંડલ રોડ)ને પકડી રૂા.૧.૨૨ લાખની કિંમતના વિદેશી દારૂની બોટલો, બીયરના ટીન અને ચપલા સાથે પકડી દારૂ ઉપરાંત રિક્ષા અને ફોન મળી કુલ રૂા.૧.૭૭ લાખનો મુદામાલ કબ્જે કરી તેની પુછતાછ શરૂ કરી છે.
બીજા દરોડામાં આજીડેમ પોલીસના હેડકોન્સ. આકાશભાઇ સોલંકી, કોન્સ્ટેબલ ભાવેશભાઇ ગઢવી સહિતના સ્ટાફે શહેરની ભાગોળે ભીચરી જતા રોડ પર પ્રદ્યુમન પાર્ક ઝુ સામે પાર્કિંગમાંથી વનરાજ ઉર્ફે વેના જેરામભાઇ રાઠોડ (ઉ.વ.૨૬ રહે. બેડીપરા શ્રમજીવી સોસાયટી, ભાવનગર રોડ)ને રૂા.૧૨,૬૭૨ની કિંમતની વિદેશી દારૂની ૪૮ બોટલ સાથે પકડી લીધો હતો.
ત્રીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ સબાડ, દિપકભાઇ ડાંગર, કોન્સ્ટેબલ જીલુભાઇ ગરચર સહિતના સ્ટાફે સંત કબીર રોડ પર કનકનગરમાં બગીચા સામે રહેતાં પરસોતમ ઉર્ફે ગુગો જાદવભાઇ કુમારખાણીયા (ઉ.વ.૪ર)ના મકાનમાં દરોડો પાડી રૂા. ૮૬૪૦ ની કિંમતની દારૂની ૪૮ બોટલ સાથે તેને ઝડપી લીધો હતો.
ચોથા દરોડામાં ભકિતનગર પોલીસના હેડકોન્સ. મયુરદાન બાટી, કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાદવ સહિતે ગીતાનગર શેરી નં. પ પાસેથી વેપારી નીરજ અરવિંદભાઇ ગોહેલ (ઉ.વ.૩૩ રહે. શ્રધ્ધા પાર્ક શેરી નં. ૧, ડી-માર્ટ પાસે)ને રૂા. ૧ર૦૦ના દારૂના ચપલા સાથે પકડી લીધો હતો.
પાંચમાં દરોડામાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એન.પી.કુગશીયા, કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર સહિત હોસ્પિટલ ચોકથી જામનગર તરફ જતા રસ્તેથી નિલેશ ઘનશ્યામભાઇ સોરઠીયા (ઉ.વ. ૨૯, રહે માનસરોવર શેરી નં.૨, માડાડુંગર પાસે)ને દારૂના એક ચપલા સાથે પકડી લીધો હતો.
છઠ્ઠા દરોડામાં રાજકોટ નજીક રતનપર ગામે હાઇવે પર પાનની દુકાનમાંથી કુવાડવા રોડ પોલીસના જમાદાર લક્ષ્મણભાઇ મહાજન સહિતના સ્ટાફે કારમાંથી બીયરનું ટીન મળી કુલ રૂા.૩,૦૦,૨૫૦નો મુદામાલ કબ્જે કરી ચાલકની શોધખોળ કરી છે
(2:42 PM IST)










