<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

શ્રીરામ પાર્કના ૯૨ વર્ષિય હરસુખલાલ ઠાકરના મૃતદેહની ભુલથી બીજા મૃતકના સગાએ અંતિમવિધી કરી નાંખી!

ઓૈદિચ્‍ય ખરેડી બ્રાહ્મણ સમાજના અગ્રણી, સમાજ સેવી અને શાળા નં. ૫૬ના પુર્વ આચાર્યનું ૨૮મીએ અવસાન થતાં અમેરિકાથી બહેન આવવાના હોઇ મૃતદેહ કોલ્‍ડ રૂમમાં રખાયો હતોઃ આજે પાર્થિવ દેહ લેવા ગયા ત્‍યારે ત્‍યાં હતો જ નહિ! મુંબઇના એક વયોવૃધ્‍ધે પોતાના સ્‍વજનનો મૃતદેહ કોલ્‍ડરૂમમાં રખાવ્‍યો હતોઃ ઉતાવળે કોઇએ ખરાઇ વગર મૃતદેહ સોંપી દીધોઃ અંતિમવિધીની તૈયારી કરી રહેલો ઠાકર પરિવાર દુઃખી થઇ ગયોઃ આમ છતાં જેણે પણ ભુલ કરી હોઇ તેને ક્ષમા આપી બીજીવાર આવું ન થાય તે જોવા ટકોર કરીઃ પોલીસને પણ જાણ કરી

તસ્‍વીમાં હરસુખલાલ ઠાકરનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો તથા તેમના દુઃખી થઇ ગયેલા પરિવારજનો જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૩૦: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલ ખાતેના પોસ્‍ટમોર્ટમ પાસે કોલ્‍ડ રૂમ ખાતે રાખવામાં આવેલી બ્રાહ્મણ સમાજના અગ્રણી સમાજસેવી અને પ્રાથમિક શાળાના પુર્વ આચાર્ય તેમજ વર્ષો સુધી સંઘના સેવક રહેલા વૃધ્‍ધના મૃતદેહને અન્‍ય એક મૃતકના સગા પોતાના સ્‍વજનનો મૃતદેહ સમજી હોસ્‍પિટલ ખાતેથી જ અંતિમ ક્રિયા માટે લઇ ગયા બાદ અગ્નિદાહ આપી દેતાં આજે પોતાના સ્‍વજનનો મૃતદેહ લેવા પહોંચેલા બ્રાહ્મણ વૃધ્‍ધના પરિવારજનોમાં હડકંપ મચી ગયો હતો. જો કે આમ છતાં સ્‍વજનોએ કોઇની પણ ઉપર આ મામલે કાર્યવાહી નહિ કરવા અને બીજી વખત આવું ન થાય તેનું ધ્‍યાન રાખવા તંત્રવાહકોને અરજ કરી હતી. મૃતકના બહેન અમેરિકાથી આવવાના હોઇ જેથી મૃતદેહ કોલ્‍ડરૂમમાં રખાયો હતો. આજે એક તરફ ઘરેથી અંતિમયાત્રા કાઢવાની તૈયારી થઇ હતી તો બીજી તરફ હોસ્‍પિટલના કોલ્‍ડ રૂમ ખાતેથી મૃતદેહની અંતિમવિધી થઇ ગયાની ખબર પડી હતી.

જાણવા મળ્‍યા મુજબ નાના મવા શ્રી રામ પાર્કમાં રહેતાં રાજકોટના ઓૈદિચ્‍ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી, રાજકોટ પ્રાથમિક શાળા નંબર ૫૬ના પુર્વ આચાર્ય અને સમાજસેવી ૯૨ વર્ષીય હરસુખલાલ શાંતિલાલ ઠાકર ઘરમાં અચાનક પડી જતાં તેમના થાપાના ભાગે ફ્રેક્‍ચર થયું હતું. જેથી પરિવારજનોએ તેમને સારવાર અર્થે દોશી હોસ્‍પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્‍પિટલમાં સફળ ઓપરેશન બાદ તેમની તબિયતમાં સુધારો આવ્‍યો હતો, પરંતુ બાદમાં ઉંમરના કારણે અચાનક તબિયત લથડતાં તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્‍યા હતાં. પણ ૨૮મીએ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

સદ્દગત વયોવૃધ્‍ધ હરસુખલાલ ઠાકરના બહેન વર્ષાબેન અમેરિકા રહેતાં હોવાથી તેઓ ભાઇના અંતિમ દર્શન કરી શકે તે હેતુથી પરિવારજનોએ મળતદેહને દોશી હોસ્‍પિટલથી સિવિલ હોસ્‍પિટલ ખાતે પોસ્‍ટમોર્ટમ રૂમના કોલ્‍ડ સ્‍ટોરેજ ખાતે રાખ્‍યો હતો. પણ આજે બુધવારે સવારે જ્‍યારે વર્ષાબેન અમેરિકાથી રાજકોટ આવી પહોંચ્‍યા, ત્‍યારે હસમુખભાલ ઠાકરના પાર્થીવ દેહને અંતિમ સંસ્‍કાર માટે હોસ્‍પિટલ ખાતેથી ઘરે લઇ આવવા તેમના સૌથી મોટા પુત્ર ઉમેશચંદ્ર હરસુખલાલ ઠાકર તથા અન્‍ય ભાઈઓ જરૂરી કાગળો અને ડોકયુમેન્‍ટ્‍સ લઈને સિવિલ હોસ્‍પિટલના કોલ્‍ડ રૂમ ખાતે પહોંચ્‍યા હતાં.

પરંતુ અહિ પહોંચ્‍યા ત્‍યારે તેમને ખબર પડી કે હરસુખલાલ ઠાકરનો મળતદેહ ત્‍યાં હતો જ નહીં. તપાસ કરતાં સામે આવ્‍યું કે, ગઈકાલે જ કોઈ અન્‍ય વ્‍યક્‍તિ કે પક્ષના લોકો આવ્‍યા હતા અને પોતાના સ્‍વજનનો મૃતદેહ લઇ જવાને બદલે હસમુખલાલ ઠાકર પોતાના સ્‍વજન છે એમ સમજી હોસ્‍પિટલ ખાતેથી નનામી તૈયાર કરી સ્‍મશાનગૃહે લઇ જઇ અગ્નિદાહ આપી દીધો હતો. એ મૃતકના સગા મુંબઇના વયોવૃધ્‍ધ હતાં. કદાચ પોતાની વયને કારણે તે સ્‍વજનને ઓળખી ન શક્‍યા કે પછી મૃતદેહ સોંપનાર કોઇએ ઉતાવળે મૃતદેહ સોંપી નનામી તૈયાર કરાવી દેતાં આમ બન્‍યું? તેની કોઇને ખબર નથી.

 આ ઘટના બારામાં મીડિયા સાથેની વાતચીતમાં હરસુખલાલ ઠાકરના મોટા પુત્ર ઉમેશચંદ્ર ઠાકરે અત્‍યંત દુઃખ અને અફસોસ સાથે જણાવ્‍યું હતું કે ૅઅમે ૬ ભાઈઓ ઉમેશચંદ્ર, હર્ષદભાઈ, બિપિનભાઈ, હિતેશભાઈ, મુકેશભાઈ, શૈલેષભાઈ અને બહેન વર્ષાબેન સહિત ૪૦થી વધુ સભ્‍યોનો મોટો પરિવાર ધરાવીએ છીએ. પિતાજીએ આખી જિંદગી સમાજસેવા કરી અને ૯૨ વર્ષનું આયુષ્‍ય ભોગવીને વિદાય લીધી, છતાં આટલો મોટો પરિવાર હોવા છતાં અમે પિતાની અંતિમ યાત્રા ન કરી શકયા અને તેમને મુખાગ્નિ ન આપી શકયા, એ વાતનો અમને જિંદગીભર ભારે અફસોસ રહેશે.ૅ

આટલી મોટી ઘટના બની હોવા છતાં, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સંસ્‍કારો અને બ્રાહ્મણ પરિવારના ઘડતરના કારણે ઉમેશચંદ્ર ઠાકરે કોઈ પર આરોપ-પ્રત્‍યારોપ કે કાનુની કાર્યવાહી કરવાના બદલે ઈશ્વરની મરજી માનીને તંત્રને અપીલ કરી છે કે ઓળખ વગર બોડી ન આપવી જોઇએ. હોસ્‍પિટલ, સબઘર કે કોલ્‍ડરૂમની જવાબદારી સંભાળનારાઓએ માત્ર એક-બે ચાદર જોઈને નહીં, પરંતુ સ્‍વજનો પાસે મળતદેહની સંપુર્ણ અને ચોક્કસ ઓળખ કરાવીને જ કબ્‍જો સોંપવો જોઈએ. તેમણે કહ્યું હતું કે આ મામલે કોઈ કર્મચારી કે અધિકારી સામે બદલાની ભાવનાથી નહીં, પરંતુ ભવિષ્‍યમાં બીજા કોઈ અજ્ઞાની કે શિક્ષિત પરિવાર સાથે આવી હૃદયદ્રાવક ઘટના ન બને તે માટે સિસ્‍ટમમાં સતર્કતા લાવવી જરૂરી છે. આ કોઇની સામે પણ પગલા લેવામાં ન આવે તે જોવા પણ તેમણે અપીલ કરી હતી

(3:51 PM IST)