તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
ઢાંઢણીમાં સવારે ગૂમ થયેલા મહેસાણાના યુવાનની ચેક ડેમમાંથી લાશ મળી આવી
મુળ મહેસાણાનો યુવાન અન્ય મજુરો સાથે ગ્રે વોટર પ્લાન્ટનું કામ કરવા આવ્યો હતોઃ ત્રણ બહેનનો એક જ ભાઇ હતો

રાજકોટ તા. ૭: ત્રંબા નજીક ઢાંઢણી ગામે ગ્રામ પંચાયત નજીક રહેતો રહેતો મુળ મહેસાણાનો શૈલેષભાઇ કેશાજીભાઇ ઠાકોર (ઉ.વ.૨૬) નામનો યુવાન સવારે નીકળી ગયા બાદ શોધખોળ થતાં તે ઢાંઢણી-ગઢકા વચ્ચે ચેકડેમમાં પડી ગયાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના તરવૈયાઓએ તેનો મૃતદેહ બહાર કાઢતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર શૈલેષભાઇ ત્રણ બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તેને સંતાનમાં બે દિકરીછ ે. પોતે આઠેક દિવસ પહેલા અહિ ગ્રે વોટર પ્લાન્ટનું કામ કરવા માટે આવ્યો હતો. સવારે તે હાલ જ્યાં રહે છે ત્યાંથી નીકળી જતાં તેની સાથે કામ કરતાં ચાર મજુરો તેને શોધતા હતાં. એ દરમિયાન તે ચેક ડેમ તરફ જતો હોવાનું સરપંચ છગનભાઇએ જોયું હોઇ તે તરફ તપાસ કરવા જતાં તેમાં પડી ગયાની જાણ થતાં સરપંચ છગનભાઇ સહિતના પહોંચ્યા હતાં અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જો કે શૈલેષભાઇનો મૃતદેહ મળી આવતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ યુવાન અગાઉ પણ આ રીતે નીકળી ગયો હતો. આઠેક દિવસ પહેલા તે અહિ મજુરો સાથે ગટરનું કામ કરવા આવ્યો હતો. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કોઠારીયા ફાયર સ્ટેશનના જયેશભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ વાસાણી, રવજીભાઇ સોલંકી, અજયભાઇ ઓળકીયા, અલ્પેશભાઇ ગોહેલ, સુનિલભાઇ સાપરાએ આ મૃતદેહ બહાર કાઢવાની કામગીરી કરી હતી.
(3:32 PM IST)










