<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

રાજકોટના રેલનગરમાં બાંધકામ સાઇટ પાછળથી યુવકનો મૃતદેહ મળ્યો: હત્યા થયાનું ખુલ્યું: પ્ર.નગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

હત્યાનો ભોગ બનનાર યુવાન ઓરિસ્સાનો વતની: શકમંદોની પૂછપરછ: પરપ્રાંતીય યુવકની લાશ મળતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પોલીસની કાર્યવાહી

​રાજકોટ: ​શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપની સામે બાંધકામ સાઈટ પાછળથી આશરે ૩૫ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તબક્કે આ બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બે ત્રણ શકમંદોની અટકાયત કરી ઊંડી પૂછપરછ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, રેલનગરમાં બાંધકામ સાઈટ પાછળ એક યુવક મૃત હાલતમાં પડ્યો હોવાની માહિતી ૧૦૮ મારફત મળતાં જ પ્ર.નગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી નિરીક્ષણ હાથ ધર્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ઓરિસ્સાનો વતની હોવાનું અને આ વિસ્તારમાં મજૂરી કામ અર્થે તાજેતરમાં જ આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

​મૃતદેહના નિરીક્ષણ દરમિયાન શરીર પર પ્રાથમિક કોઈ ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા, પરંતુ જે સંજોગોમાં લાશ મળી આવી છે તે જોતાં બનાવ શંકાસ્પદ જણાતો હતો. પોલીસે કોઈ કચાસ ન રહે તે માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારબાદ આ ઘટના હત્યાની હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ૨ થી ૩ શકમંદોની શંકાના આધારે પૂછપરછ શરૂ કરી છે. પીઆઇ એમ.ડી. મકવાણા અને ડી. સ્ટાફ ટીમ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.એલ. ડામોર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

વધુ માહિતી મુજબ હત્યાનો ભોગ બનનાર મૂળ ઓરિસ્સાનો વતની દુ:ખીપ્રસાદ (ઉ.વ.૩૪) હોવાનું ખુલ્યું છે. પજવણી મામલે એમપીના ત્રણ શખ્સો રાજુ, પિંજુ, અજિત સાથે માથાકુટ થતા હત્યા થયાની પ્રાથમિક વિગતો ખુલી છે. હાલ ત્રણેયની પુછપરછ થઈ રહી છે. ગળું દબાવી ઉપરથી ફેંકી દીધાનું પણ ખુલ્યું હતું.

(9:03 PM IST)