તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
ગોંડલ રોડ પર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ધવલ ચૌહાણ ઝડપાયો
ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી. જે. ચૌધરીની સૂચના અને માલવીયાનગર જે.એમ. કૈલાની રાહબીરીમાં પીએસઆઇ કે.ડી. મારૂ અને ટીમની કાર્યવાહી: કેતનભાઇ શેખલીયા તથા સારંગભાઇ ઓગાણીયાની બાતમી

રાજકોટ: શહેરમાં કોઈપણ જાતની તબીબી ડિગ્રી વગર લોકોના આરોગ્ય અને શારીરિક સલામતી સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક બોગસ ડોકટર માલવીયાનગર પોલીસે પકડ્યો છે. શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૨) રાકેશ દેસાઇ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (દક્ષિણ વિભાગ) બી.જે.ચૌધરીએ આવા ડિગ્રી વગરના તબીબોને ઝડપી પાડવા આપેલી ખાસ સૂચનાના આધારે માલવીયાનગર પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી હતી.
માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.કૈલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. કે.ડી.મારૂ અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. કેતનભાઇ શેખલીયા તથા પો.હેડ કોન્સ. સારંગભાઇ ઓગાણીયાને બાતમી મળી હતી કે ગોંડલ રોડ જય ખોડિયાર મેઈન રોડ પીજીવીસીએલની બાજુમાં શીવ ક્લિનિક નામે ડિગ્રી વગર એક શખ્સ તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા ધવલ સુરેશભાઇ ચૌહાણ (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, શેરી નં. ૧૪, બ્લોક નં. ૧૮૮, રવિ પાનની બાજુમાં, રણુજા મંદિર પાસે, કોઠારીયા રોડ, રાજકોટ) નામના બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે.
પોલીસે ઘટનાસ્થળેથી અલગ-અલગ પ્રકારની એલોપેથિક દવાઓ તથા મેડિકલ તપાસણીને લગતા સાધનો સહિત કુલ રૂ. ૧૬,૪૮૪નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે મેડીકલ પ્રેક્ટીશનર્સ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૨૫ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.કૈલા, પી.એસ.આઈ કે.ડી.મારૂ, એ.એસ.આઇ. કેતનભાઇ શેખલીયા, પો.હેડ કોન્સ. અજયભાઈ વિકમા, પૃથ્વીરાજસિંહ ચુડાસમા, સારંગભાઇ ઓગાણીયા તેમજ પો.કોન્સ. મનીષભાઇ સોઢીયા અને અમરદિપસિંહ જાડેજા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
(10:08 AM IST)










