<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

માલિયાસણ પાસે ટ્રક પાછળ બોલેરો ધડાકાભેર અથડાઇ ફસાઇ ગઇઃ મનિષભાઇ રાઠોડનું મોત

ફાયર બ્રિગેડની ટીમે ઠાઠામાં ફસાયેલી બોલેરો પીકઅપ અલગ કરીઃ ટ્રક ચાલક કાલાવડના અશોકસિંહ રાવતની ફરિયાદ પરથી મૃતક સામે કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યો

 

રાજકોટ તા. ૧: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર માલિયાસણ ગામ નજીક એક બોલેરો પીકઅપ વાન આગળ જતાં ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી જતાં બોલેરો પીકઅપના ચાલકનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્‍યું હતું. અકસ્‍માત એટલો જોરદાર હતો કે પીકઅપ વાન ટ્રકના પાછળના ઠાઠામાં ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી.

કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી વિગતો અનુસાર મુળ રાજસ્‍થાનના અને હાલ જામનગરના કાલાવડ ખાતે રહીને ડ્રાઇવિંગ કરતા અશોકસિંહ શ્રીનેનુસિંહ રાવત (ઉ.વ. ૩૧)  કંપનીનો ટ્રક જીજે૧૨બીવાય-૬૯૦૮ લઈને અમદાવાદ ગયા હતા. અમદાવાદ ખાતે ટ્રકનું રિપેરિંગ કામ કરાવીને તેઓ પોતાના મિત્રો સંતોષસિંહ અને જસવંતસિંહ સાથે કાલાવાડ તરફ પરત ફરી રહ્યા હતા. આજે વહેલી સવારે આશરે છએક વાગ્‍યાની આસપાસ જ્‍યારે તેમનો ટ્રક માલિયાસણ ગામથી થોડે આગળ, જય દ્વારકાધીશ હોટેલથી આગળ ચાંદની નોનવેજ હોટેલ પાસે ડબલ ટ્રેક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્‍યારે અચાનક પાછળના ભાગે જોરદાર અવાજ આવ્‍યો હતો.

ધડાકો સંભળાતા જ ટ્રક ચાલક અશોકસિંહે ગાડી રોડની એક બાજુ ઊભી રાખીને પાછળ જઈને જોયું તો એક બોલેરો પીકઅપ નંબર જીજે૦૩સીયુ-૪૩૦૨ તેમના ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ભટકાઈ ગઈ હતી. અકસ્‍માત બાદ પીકઅપ વાન ટ્રક સાથે એવી રીતે ફસાઈ ગઈ હતી કે આસપાસના લોકોની સલાહથી ટ્રકને થોડો આગળ લેવાનો પ્રયાસ કરવા છતાં પણ પીકઅપ ગાડી અલગ થઈ શકી નહોતી.

ઘટનાની જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ, ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ અને રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બોલેરો પીકઅપને ટ્રકના પાછળના ઠાઠામાંથી અલગ કરી હતી. જો કે અકસ્‍માત એટલો ગંભીર હતો કે બોલેરો પીકઅપના ડ્રાઇવરનો ચહેરો અને માથાનો ભાગ સંપૂર્ણપણે છૂંદાઈ ગયો હતો અને શરીરે તેમજ પગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું. ૧૦૮ના તબીબોએ તપાસ કરીને ચાલકને મળત જાહેર કર્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે મળતક બોલેરો પીકઅપ ચાલકનું નામ મનીષભાઈ વિજયભાઈ રાઠોડ છે. ટ્રક ચાલક અશોકસિંહ રાવતની ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ એ. બી. ઝાલાએ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે મળતકના પરિવારજનોને જાણ કરી વધુ તપાસ યથાવત રાખી હતી. 

(2:46 PM IST)