News of Thursday, 15th October 2026
જંગલેશ્વર તપાસનો બોંબ આવતા સપ્તાહે ફુટશે
સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ ‘મલાઇ-કાજુકતરી' ખાવાનો રિપોર્ટ કોને તારશે-કોને મારશે? ભારે ચર્ચા : જંગલેશ્વર ડિમોલિશન ફૂડ બિલ અંગે તપાસ સમિતિ બે દિવસમાં મ્યુનિ.કમિશનરને રિપોર્ટ સોંપશેઃ બે-ત્રણ અધિકારીઓ સામે પગલાં તોળાઈ રહ્યાં હોવાના સંકેત

રાજકોટ, તા. ૧૫: મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ભોજન, નાસ્તા, પાણીની બોટલ અને ફોટોગ્રાફી સહિતના ખર્ચનો વિવાદ ફરી ગરમાયો છે. સમગ્ર મામલે રચાયેલી છ અધિકારીઓની તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપી દીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. આ રિપોર્ટમાં કેટલાક અધિકારીઓની બેદરકારી કે નાણાકીય અનિયમિતતા અંગે નોંધ કરવામાં આવી હોવાની ચર્ચા વચ્ચે આ અઠવાડિયે મનપામાં મોટા ખુલાસા થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
જંગલેશ્વર વિસ્તારમાં આશરે સાત મહિના પહેલાં ૧૫ મીટરના ટી.પી. રોડ અને નદીના પટમાં આવેલા ૧૪૦૦થી વધુ ગેરકાયદે બાંધકામો દૂર કરવા મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ માટે કરાયેલા ભોજન-નાસ્તાના ખર્ચનું બિલ રૂ. ૨૭ લાખને પાર પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું. પાણીની બોટલ સહિતની કેટલીક વસ્તુઓ ઊંચા ભાવે ખરીદવામાં આવી હોવાના આક્ષેપો પણ થયા હતા.
રૂ. ૨૭ લાખની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી હતી
ડિમોલિશન ઓપરેશન બાદ ભોજન, નાસ્તા, પાણી, ફોટોગ્રાફી સહિતના જુદા-જુદા ખર્ચની રૂ. ૨૭ લાખથી વધુની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી હતી. જોકે, ટેન્ડર પ્રક્રિયાના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું જણાવી નવા શાસકોએ આ દરખાસ્ત નામંજૂર કરી હતી. પરિણામે આ ખર્ચની જવાબદારી હાલ સંબંધિત અધિકારીઓ માટે ગળાનું હાડકું બની હોવાનું મનપાના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
મોટા ભોજન ખર્ચ અને ટેન્ડર વિના થયેલી ખરીદી સામે કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ મેયરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરાવવાનો આગ્રહ કર્યો હતો. આ પગલે કમિશનર તુષાર સુમેરાએ ખાસ તપાસ સમિતિની રચના કરી હતી.
પ્રારંભમાં ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ તટસ્થ તપાસ માટે રાજ્ય સરકારના વર્ગ-૧ના અધિકારી અને પીજીવીસીએલના એમ.ડી.ને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ઉચ્ચ અધિકારીઓની બદલી થતાં સમિતિના અધ્યક્ષ પણ બદલાયા હતા. હાલ પીજીવીસીએલના એમ.ડી. ચુડાસમાના અધ્યક્ષસ્થાને ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર ભરત કાથરોટિયા, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજિયાણી અને ટેકનીકલ સિટી ઇજનેર પરેશ અઢિયા સહિત છ સભ્યોની સમિતિએ તપાસ પૂર્ણ કરી હોવાનું જાણવા મળે છે.
બે-ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની ચર્ચા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ દરમિયાન બિલોની ખરાઈ, ખરીદીના દર, ટેન્ડર પ્રક્રિયા, ખર્ચને મંજૂરી આપવાની સત્તા અને સંબંધિત અધિકારીઓની જવાબદારી સહિતના મુદ્દાઓ ચકાસવામાં આવ્યા છે. રેટ કોન્ટ્રાક્ટ મુજબ થયેલા વાજબી ખર્ચને મંજૂરી મળી શકે છે, જ્યારે નિયમભંગ અથવા બેદરકારી સાથે સંકળાયેલા ખર્ચ માટે જવાબદારી નક્કી થઈ શકે છે.
તપાસમાં બે-ત્રણ અધિકારીઓની ભૂમિકા સામે સવાલ ઊભા થયા હોવાની અને તેઓને કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે તેવી ચર્ચા મનપાના વહીવટી વર્તુળોમાં ચાલી રહી છે. જોકે, સત્તાવાર રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી કોઈ અધિકારીને દોષિત ઠેરવવો યોગ્ય ગણાશે નહીં.
હવે કમિશનરના નિર્ણય પર સૌની નજર
તપાસ સમિતિનો સત્તાવાર રિપોર્ટ મળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આગળની કાર્યવાહી નક્કી કરશે. કમિશનર રિપોર્ટ જાહેર કરે તો ડિમોલિશન દરમિયાન કેટલા લોકો માટે અને કેટલા દિવસ સુધી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, ખરીદી કયા ભાવે થઈ હતી અને ટેન્ડર વિના ખર્ચ કરવાની જવાબદારી કોની હતી તે સહિતની હકીકતો સામે આવી શકે છે.
તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ, બેદરકારી, બદઇરાદો કે નાણાકીય અનિયમિતતા જણાશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવાની શકયતા છે. બીજી તરફ, નિયમ મુજબ થયેલા ખર્ચ અંગે પણ રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવે તેવી અપેક્ષા છે. હવે કમિશનર આ રિપોર્ટ કયારે જાહેર કરે છે અને જવાબદારો સામે કેવાં પગલાં લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
(2:50 PM IST)










