<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

આઠ વર્ષની દિકરીની ખોટી વાતો કરતાં શખ્‍સોને ટપારતાં રામભવનના બંને હાથ ભાંગી નાંખ્‍યા!

રાજકોટના લોઠડા ગામનો બનાવઃ બિહાર અને રાજકોટના શખ્‍સોએ બેફામ ફટકારતાં મુળ યુપીનો યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૦: મારામારીના એક બનાવમાં યુવાનને ધોકા-પાઇપના ઘા ફટકારી બંને હાથ ભાંગી નાંખવામાં આવતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો છે. રાજકોટ-ભાવનગર હાઇવે પરના લોઠડા ગામે રહેતાં મુળ યુપીના યુવાન પર પાડોશમાં જ રહેતાં બિહારના અને રાજકોટના બે શખ્‍સોએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. યુપીના યુવાનની આઠ વર્ષની દિકરી બાબતે આ શખ્‍સો ખોટી વાતો કરતાં હોઇ તેને આવુ નહિ બોલવા સમજાવતાં હુમલો કરાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ લોઠડા ગામે શીવ મેન્‍યુફ્રેકચર કંપની નજીક ઓરડીમાં પરિવાર સાથે રહેતાં મુળ ઉત્તરપ્રદેશના રામભવન નન્‍હેલાલ પાસવાન (ઉ.વ.૩૦)ને તેની પત્‍નિએ રવિવારે રાતે સિવિલ હોસ્‍પિટલમાં બંને હાથમાં ઇજા થયેલી હાલતમાં ખસેડયો હતો. ઇમર્જન્‍સી વોર્ડમાં પ્રાથમિક પુછતાછમાં તે કંપનીમાં ચાલતી વખતે પડી ગયાની નોંધ કરાવાઇ હતી. તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસમાં આ મુજબની નોંધ કરાવી હતી.

જો કે ઓર્થોપેડિક વોર્ડમાં તબિબે રામભવનની તપાસ કરતાં બંને હાથની ઇજાઓ જોતાં તે મારકુટથી થયાનું જણાતાં વિશેષ પુછતાછ થતાં તેણે પોતાને પાડોશી બિહારના ઇન્‍દર અને રાજકોટના રમેશે મળી ધોકા-પાઇપથી ફટકાર્યાનું અને ડરી ગયો હોઇ જેથી પડી ગયાનું ખોટુ કહ્યાનું કબુલતાં ઓર્થોપેડિક વોર્ડના સ્‍ટાફે હોસ્‍પિટલ ચોકીમાં જાણ કરી હતી. રામભવને જણાવ્‍યું હતું કે હું મારા પત્‍નિ, એક દિકરી, બે દિકરા સાથે લોઠડામાં રહુ છું અને કંપનીમાં મોટરની બોડી બનાવવાનું મજૂરી કામ કરુ છું. મારી બાજુની ઓરડીમાં બિહારનો ઇન્‍દર અને રાજકોટનો રમેશ રહે છે. આ બંને મારી આઠ વર્ષની દિકરી બાબતે ખોટી વાતો કરતાં હોઇ મેં અને મારા પત્‍નિએ અગાઉ તેને આવી વાતો ન કરવા સમજાવ્‍યા હતાં. રવિવારે રાતે ફરીથી આ બાબતે બોલાચાલી થતાં આ બંનેએ ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો. જેના કારણે મારા બંને હાથ ભાંગી ગયા છે. તેમ વધુમાં રામભવને કહેતાં આજીડેમ પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

(2:09 PM IST)