<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

રાજકોટના રૂખડિયા પરામાં યુવાનની ક્રૂર હત્યા : મિત્ર ચા પીવાના બહાને બોલાવી ગયા બાદ બે શખ્સો ઘર પાસે લોહીલુહાણ હાલતમાં લાશ ફેંકી ફરાર : જુઓ વિડીયો

છરીના ઘા ઝીંકી કલરકામ કરતા ૨૩ વર્ષીય ઉમંગ જાખેલીયાની હત્યાથી ચકચાર : રોકડ રકમ અને સોનાની ચેન લૂંટી લીધાનો પરિવારનો આક્ષેપ : પ્ર.નગર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ : રંગિલા રાજકોટ શહેરમાં ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના રૂખડિયા પરા વિસ્તારમાં રહેતા અને કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવાનની તેના જ મિત્ર અને અન્ય શખ્સોએ મળીને છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

 

 ચા પીવાના બહાને ઘરેથી બોલાવી ગયા બાદ બેભાન હાલતમાં ફેંકી ગયા:

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, રૂખડિયા કોલોની ચામુંડા પાન પાસે, જગાભાઈના ખાડામાં રહેતો ઉમંગ જગદીશભાઈ જાખેલીયા (ઉંમર વર્ષ ૨૩) નામનો યુવાન બપોરે પોતાના ઘરે હતો. આ સમયે બપોરે અઢી વાગ્યાના સુમારે તેનો મિત્ર નબીર જુસબભાઈ નગામણા તેને ચા પીવાના બહાને ઘરેથી બોલાવી ગયો હતો. ત્યારબાદ મોડી સાંજે આસિફ અને એક અજાણ્યો શખ્સ ઉમંગને બેભાન અને લોહીલુહાણ હાલતમાં તેના ઘર પાસે ફેંકીને બાઈક પર ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઉમંગને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

 

 છરીના ઘા મળતાં પોલીસ હરકતમાં, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે:

યુવાનના શરીર પર છરીના ઘાના નિશાન મળી આવતાં આ સ્પષ્ટપણે હત્યાનો કિસ્સો હોવાનું ખુલ્યું હતું. બનાવની જાણ થતાં જ પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ એમ.ડી.મકવાણા સહિતનો પોલીસ કાફલો તપાસ માટે દોડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ડીસીપી રાકેશ દેસાઈ અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

 

 લૂંટના ઈરાદે હત્યા કરાયાનો પરિવારનો આક્ષેપ:

મૃતક ઉમંગ બે ભાઈ અને બે બહેનોમાં બીજા નંબરનો હતો અને પોતાના પિતા સાથે કલરકામની મજૂરી કરીને પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ઉમંગ પાસે કલરકામના ઓર્ડરની રોકડ રકમ હતી અને તેણે ગળામાં સોનાનો ચેન પહેર્યો હતો, જે બંને ગાયબ છે. પરિવારજનોએ નબીર સહિતના તમામ આરોપીઓને ત્વરિત ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. હાલમાં પોલીસ દ્વારા આ હત્યા નાણાંની લેતી-દેતી બાબતે થઈ છે કે કોઈ અંગત અદાવતમાં, તે દિશામાં ઘેરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

(8:45 PM IST)