તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 18th September 2026
બ્યુટી પાર્લર સંચાલીકા ગીતાબેન વાજાની ક્રુર હત્યાનો ભેદ હજુ અકબંધઃ રહસ્ય ઉકેલવા મહેનત યથાવત
પોલીસે હત્યાનો ભોગ બનનારના પતિ, પુત્ર અને અમદાવાદ રહેતાં અંગત પરિચીતની વિસ્તૃત પુછતાછ કરીઃ ચોરી-લૂંટના ઇરાદે તો હત્યા નથી થઇ ને? તેની પણ તપાસ : પિતા સાથે સલૂનમાં અલગ રહેતો પુત્ર આશિષ રાતે મમ્મી ગીતાબેન પાસેથી ટીફીન લઇ ગયોઃ સવારે મમ્મી ડેલી ખોલતી ન હોઇ વંડી ઠેંકી અંદર તપાસ કરવા ગયો ત્યારે લાશ મળી'તી

રાજકોટ તા. ૧૮: શહેરના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ બાપા સિતારામનગરમાં બ્યુટી પાર્લર સંચાલીકા ગીતાબેન કિશોરભાઇ વાજાની ક્રુર હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી. યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એલસીબી ઝોન-૨ની ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. પોલીસે હત્યાનો ભોગ બનનારના પુત્ર, પતિ તેમજ અમદાવાદ રહેતાં તેણીના અંગત પરિચીતની પુછતાછ કરી છે. પરંતુ હાલ ભેદ ઉકેલાય તેવી કોઇ દિશા મળી નથી. લૂંટના ઇરાદે તો કોઇએ હત્યા કરી નથી ને? તે એંગલ પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
હત્યાની આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે હત્યાનો ભોગ બનેલા ગીતાબેનના પતિ કિશોરભાઇ રવજીભાઇ વાજા-વાળંદ (ઉ.વ.૫૦-રહે. બાપાસીતારામ પાર્ક પ્લો ટ નં.૮૩, મટુકી રેસ્ટોરન્ટની પાછળ મધુરમ ઓટો ગેરેજની બાજુમાં કાલાવડ રોડ, મુળ મોટા કાદલીયારા ગામ પાદરમાં તા. વંથલી જી. જુનાગઢ)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કિશોરભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું છેલ્લા પાંચેક દિવસથી રાજકોટ ખાતે મારા પત્નિ ગીતા તથા દિકરા સાથે રહેવા આવ્યો છ અને વાળંદ કામ કરુ છું. સંતાનમાં બે દિકરા જેમા મોટો દિકરો આશીષ (ઉ.વ.૩૫) તથા નાનો દિકરો જીતુ (ઉ.વ.૩૦) છે. જીતુના લગ્ન નીશાબેન સાથે થયેલ છે અને તે પત્નિ સાથે વડોદરા ખાતે રહે છે. મકાન રાજેશભાઇ શીંગાળાએ મારા દિકરા જીતુને રહેવા માટે આપેલ છે. મકાનનું લાઇટબીલ રા જેશભાઇ શીંગાળાના નામે આવે છે. મારા પત્નિ ગીતા બ્યુટીપાર્લરનું કામ કરતાં હતાં. તેની દુકાન વિમલનગર પુષ્કર ધામ મેઇન રોડ રાજકોટ ખાતે આવેલ છે. જે બ્યુટીપાર્લરના નામની મને ખબર નથી.
હું ૧૬મી તારીખે કાલાવડ રોડ ઉપર પટેલ સ્ટીલ નામની દુકાનની ઉપરના ભાગે આવેલ નેચરલ એન્ડ નેચર હેર સલુન ખાતે રાત્રીના આશરે દસેક વાગ્યે હતો. આ વખતે મારો દિકરો આશિષ ઘરે મારી પત્નિ પાસેથી ટીફીન લેવા ગયો હતો. તે વીસેક મીનીટ પછી ટીફીન લઇ આવ્યો હતો. અમે બાપ-દિકરો દૂકાનમાં જ રહેતાં હોઇ અહિ જ જમ્યા હતાં. પછી દિકરો નીચે પાન ફાકી ખાઇ થોડીવારમાં પાછો આવતાં અમે સુઇ ગયા હતાં. ૧૭મીએ ગુરૂવારે સવારે સાડા નવેક વાગ્યે મારો દિકરો આશીષ જાગીને અમારા રહેણાંક મકાન ખાતે ટીફીન આપવા માટે ગયેલ હતો અને હું સલુન ખાતે હતો. ત્યારે થોડીવારમાં મારો દિકરો પાછો આવી ગયો હતો.
આશિષે મને કહ્યું હતું કે- હું ઘરે ગયેલ ત્યારે ડેલી અંદરથી બંધ હોઇ ખખડાવવા છતાં મમ્મીએ ન ખોલતાં હું બાજુના મકાનમાંથી સીડી ચડી અમારી અગાસી ઉપર જઈ સીડીથી નીચે જઇ જોતાં ઘરનો દરવાજો ખુલ્લો હતો અને દરવાજાની સામે પડેલ ખાનાવાળા લાકડાના ટેબલ પાસે મારા મમ્મી લોહીલુહાણ હાલતમાં હોલમાં પડેલા હતાં. તે કાંઈ બોલતા ન હતા જેથી મે ડેલી અંદરના ભાગેથી ખોલી હતી અનું તુરંત ભાગીને અહિ પાછો આવ્યો છું. તેમ દિકરા આશિષે કહેતાં અમે બંને ફરી અમારા મકાને ગયા હતાં. જયાં મારા પત્નિના ગળા, દાઢી પર તિક્ષ્ણ હથીયારના ઘા દેખાયા હતાં. ૧૦૮ બોલાવી હતી. પણ તેના ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી. કોઇએ પણ ઘરમાં પ્રવેશી મારા પત્નિની હત્યા કરી હતી. તેમ વધુમાં કિશોરભાઇએ જણાવ્યું હતું. પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. એન. સ્યોરા, ડી. સ્ટાફ ટીમ, ડીસીબી પીઆઇ એમ. એલ. ડામોર અને તેમની ટીમ તેમજ એલસીબી પીએસઆઇ એસ. વી. ચુડાસમા અને ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યા છે.
(2:40 PM IST)










