તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
સોની બજારમાં અલગ અલગ ચાર જગ્યાએથી બીએસએનએલનો કોપર વાયર કાપી જવાયો
૨૫ જેટલા વેપારીઓના લેન્ડલાઇન ફોન ઠપ્પ થઇ જતાં બનાવની જાણ થઇઃ બીએસએનએલની ફ્રેન્ચાઇઝી ધરાવતાં વેપારી નિશીથભાઇ ગોસલીયાની એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૦: શહેરના સોની બજાર વિસ્તારમાં સરકારી ટેલિકોમ કંપની બીએસએનલના અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ કેબલ વાયરો કાપીને ચોરી જવામાં આવતાં ફરિયાદ થઇ છે. કોઇ અંદાજ ૪૬૦ મીટર લાંબો કોપર વાયર ચોરી ગયું હતું. આ વાયર કપાવાના કારણે સોની બજારના અગ્રણી વેપારીઓના ૨૫ જેટલા લેન્ડલાઇન ફોન એકાએક ઠપ્પ થઈ ગયા હતા.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે રેસકોર્સ રીંગ રોડ પર આવેલા આદિનાથ ટાવરમાં રહેતા અને સોની બજાર બોધાણી શેરી પાસે સુવિધા ટેલીફોન એક્સચેન્જ નામની બીએસએનએલની ફ્રેન્ચાઈઝી ધરાવતા નિશીથભાઈ જતીનભાઈ ગોસલીયા (ઉ.વ. ૬૫)ની ફરિયાદ નોંધી છે. ફરિયાદ મુજબ તા. ૧૨ના સવારે નિશીથભાઈ પોતાની ઓફિસે હાજર હતા ત્યારે ગરાસીયા શેરી અને સોની બજાર વિસ્તારના વેપારી ગ્રાહકોના એકસાથે ફોન આવ્યા હતા કે તેમના લેન્ડલાઇન ફોન બંધ થઈ ગયા છે. આશરે ૨૫ જેટલા ગ્રાહકોની એકસરખી ફરિયાદ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.
ગ્રાહકોની વ્યાપક ફરિયાદના પગલે નિશીથભાઈએ તેમની કંપનીના લાઇનમેન સંજયભાઈ લીંબાભાઈ ડેરવાળીયાને તપાસ કરવા માટે મોકલ્યા હતા. લાઇનમેને જૂની ગરાસીયા શેરીમાં આવેલા ગીરીરાજ ચેમ્બરમાં જઈને ટેલિફોનના મુખ્ય ડી.પી. બોક્સની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ડી.પી. બોક્સમાં રહેલા ટેલિફોન કેબલ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કપાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ આજુબાજુના ટેલિફોનના થાંભલા અને લાઈનો ચકાસતા મોટા પાયે વાયર કાપવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતું.
ફ્રેન્ચાઈઝીના સ્ટાફ દ્વારા સોની બજારના જુદા-જુદા વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે તસ્કરોએ કોઠારીયા નાકાથી ગોલ્ડન માર્કેટ સુધી૨૦ પેરનો આશરે ૫૦ મીટર વાયર. ખત્રીવાડ વિસ્તારમાં૨૦ પેરનો ૫૦ મીટર અને ૫૦ પેરનો ૬૦ મીટર વાયર અને સીલ્વર માર્કેટ વિસ્તારમાં૨૦ પેરનો આશરે ૩૦૦ મીટર કોપર વાયર ગાયબ હતો. આમ કુલ ૨૩ હજારનો કોપર વાયર કાપીને ચોરી જવાયો હતો. પીએસઆઇ આર. એમ. બરાડીયાએ ગુનો નોંધતા આગળની તપાસ હેડકોન્સ. સંજયભાઇ ચોૈહાણે હાથ ધરી છે.
(3:43 PM IST)










