News of Friday, 4th September 2026
કોઠારીયા મેઇન રોડ પર વિવેકાનંદનગરમાં ‘તમારા ઘરમાં જૂગાર ચાલે છે' કહી બિલ્ડરના ઘરમાં ઘુસવાનો પ્રયાસ
રજાક સમા નામના શખ્સે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યુઃ ભક્તિનગર પોલીસે કેનીલભાઇ માંડલીયાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો

રાજકોટઃ શહેરના કોઠારીયા મેઇન રોડ પર આવેલી વિવેકાનંદનગર શેરીમાં રહેતા બિલ્ડરના ઘર પાસે આવી, તમારા ઘરે જુગાર ચાલે છે તેમ કહી બળજબરીથી ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી વિડીયો શૂટિંગ ઉતારનારા બે શખ્સો સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ વિવેકાનંદનગર શેરી નં. ૨/૪ના ખુણે સંદીપ વિદ્યાલય રોડ પર રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કેનીલભાઇ મુકેશભાઇ માંડલીયા (ઉ.વ. ૪૪) ગુરૂવારે તા. ૩ના રાતે પોણા દસેક વાગ્યાના સુમારે પોતાના મકાનના ડેલા પાસે ઊભા હતા. આ દરમિયાન બાઇક પર બે શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા.
બાઇક પરથી નીચે ઊતરેલા શખ્સે કેનીલભાઇ પાસે જઇને રાણાભાઇ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરીને તમારા ઘરે જુગાર ચાલે છે, રાણાભાઇ સાથે વાત કરી લા તેમ કહ્યું હતું. મકાનમાલિક કેનીલભાઇએ તેમને આવું કાંઇ નથી તેમ કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ઉશ્કેરાયેલા શખ્સે પોતાના મોબાઇલથી તેના ઘરનો વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું.
ત્યારબાદ મકાનમાલિકે ના પાડવા છતાં આ શખ્સોએ બળજબરીથી ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. આથી કેનીલભાઇએ પોલીસને જાણ કરી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ વી.એલ. રાઠોડે બિલ્ડર કેનીલભાઇ માંડલીયાની ફરિયાદ પરથી રજાક ખમીશાભાઇ સમા (ઉ.વ. ૪૨, ધંધો- મજૂરી, રહે. પ્રાણામી ચોક, શ્રદ્ધા સોસાયટી, કોઠારીયા રોડ) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
(11:19 AM IST)










