News of Friday, 15th May 2026
ત્રણ વર્ષ જુના કોર્ટ કેસનો ખાર રાખી પિતા-પુત્ર પર હુમલોઃ પિતા ભીખાભાઇ મીરનો પગ ભાંગી ગયો
ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાન રાતે જમીને બહાર બેઠા હતાં ત્યારે હાજા જોગરાણા, તેજા, રામા, ખોડાએ લાકડી, ફરસી, તલવારના ઘા કર્યાઃ દિકરો વિશાલ અને ભાઇ દેવુભાઇ વચ્ચે પડતાં તેને પણ ઇજા : આજીડેમ પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો : હુમલા બાદ સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા ચાર શખ્સો ચારેય હુમલાખોરોને બેસાડીને ભાગી ગયા

રાજકોટ તા. ૧૫: શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમોં જૂના ઝઘડાનો ખાર રાખીને ચાર શખ્સોએ બોલેરો પીકઅપના ડ્રાઈવર અને તેમના ૨૧ વર્ષીય પુત્ર પર હિચકારો હુમલો કર્યો હતો. તલવાર, ફરસી અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે આવેલા શખ્સો જાહેરમાં આતંક મચાવી પિતા-પુત્રને લોહીલુહાણ કરી સ્કોર્પિયોમાં બેસી નાસી છૂટયા હતા.
જાણવા મળ્યા મુજબ શિતળાધારમાં રહેતાં ભીખાભાઇ નવલભાઇ મીર-ભરવાડ (ઉ.વ.૪૨) અને તેના પુત્ર વિશાલ ભીખાભાઇ મીર (ઉ.વ.૨૧) ઉપર રાતે સાડા નવેક વાગ્યે ઘર નજીક હતાં ત્યારે હાજા રામાભાઇ જોગરાણા, તેજા વશરામભાઇ જોગરાણા, રામા જોગરાણા અને ખોડા જોગરાણાએ ગેરકાયદે મંડળી રચી તલવાર, ફરસી, લાકડીથી હુમલો કરી આડેધડ ઘા ફટકારતાં ભીખાભાઇનો ડાબો પગ ભાંગી જતાં અને તેના દિકરાને માથા-શરીરે ઇજાઓ થતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે ભીખાભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. વચ્ચે પડેલા તેના મોટા ભાઇ દેવુભાઇને પણ લાકડીથી મુંઢ માર મારવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયા મુજબ રાત્રે સાડા નવેક વાગ્યે ભીખાભાઇ જમીને ઘર પાસે બાકડા પર બેઠા હતા. તે દરમિયાન અચાનક હાજા સહિતના ચાર શખ્સો આવ્યા હતાં. હુમલાખોરો પૈકી હાજાભાઈ જોગરાણાએ ભીખાભાઈના માથામાં તલવારનો ઘા ઝીંકી દીધો હતો, જ્યારે તેજા, રામા સહિતનાએ લાકડી અને ફરસી વડે આડેધડ માર માર્યો હતો. પિતા ભીખાભાઇ પર હુમલો થતો હોઇ નજીકમાં જ કરીયાણાની દુકાન ચલાવતો પુત્ર પુત્ર વિશાલ (ઉ.વ.૨૧) તેમને બચાવવા માટે વચ્ચે પડતાં તેના પર પણ હુમલાખોરો તૂટી પડ્યા હતા, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ટાંકા લેવા પડ્યા હતા.
ભીખાભાઈના જણાવ્યા અનુસાર આશરે ત્રણ વર્ષ પહેલા તેમના મોટાભાઈ નારણભાઈને આ શખ્સો સાથે ઝઘડો થયો હતો. જે બાબતે હાલ કોર્ટમાં કેસ ચાલુ છે. આ કેસનો ખાર રાખીને આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરૂ ઘડી આ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ભીખાભાઈના મોટાભાઈ દેવુભાઈ પણ વચ્ચે પડતા તેમને પગમાં લાકડીના ઘા મારી ઈજા પહોંચાડી હતી.
હુમલો કરવા આવેલા શખ્સો સાથે સ્કોર્પિયો કારમાં અન્ય ચાર અજાણ્યા માણસો પણ હતા, જેઓ હુમલા બાદ તમામને કારમાં બેસાડી નાસી છૂટયા હતા. ઈજાગ્રસ્ત ભીખાભાઈ અને પુત્ર વિશાલને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં તબીબોએ ભીખાભાઇના ડાબા પગમાં ફ્રેક્ચર થયું હોવાનું ખુલ્યું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એસ. એલ. ગોહિલ સહિતે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હોસ્પિટલના બિછાને રહેલા ઘાયલ પિતા-પુત્રના સગાઓએ એવુ પણ કહ્યું હતું કે વિશાલને કરિયાણાની દુકાન હોઇ ત્યાંથી આરોપીઓ ઉધારમાં માલસામાન લઇ જતાં હોય હવે ઉધાર આપવાની ના પાડતાં હુમલો થયો હતો. જો કે ફરિયાદમાં જુના કોર્ટ કેસને કારણે હુમલો થયાનું જણાવાયું હતું.
(3:33 PM IST)










