<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

ઇમિટેશનના કામના બહાને વેપારીએ પરિણીતાને ઘરે બોલાવી દેહ પીંખ્‍યો : ફોટા વાયરલ કરવાની ધમકી દઇ વારંવાર બળજબરી

પતિને મદદરૂપ થવા પરિણીતાએ ઇમિટેશનનું કામ ચાલુ કર્યુઃ કામ આપતો વેપારી તેણીના વ્‍હોટ્‍સએપ સ્‍ટેટસ લાઇક કરતો ને કહેતો-મારી પત્‍નિ બીજા સાથે ભાગી ગઇ છેઃ આવી વાતો કરવાની ના પાડી છતાં બહાના કરી મેસેજ-કોલ કરતો : એક વખત બળજબરી આચરી લીધા પછી ફોન કરી કહ્યું-હવે હું જેમ કહું તેમ કરવાનું, નહિતર તારા પતિને ફોટા મોકલીશઃ તેણીને બાથરૂમમાં પરાણે ન્‍હાવા મોકલી વિડીયો કોલ કરી તેનું પણ રેકોર્ડીંગ કરતોઃ છેલ્લે છુટાછેડા લઇ લેવા ધમકાવી અને તેણીના પતિને પણ ફોન કરી ધમકી દીધીઃ આજીડેમ પોલીસે રીન્‍કલ આંબલીયા સામે ગુનો નોંધ્‍યો

 

રાજકોટ તા. ૨૦: શહેરમાં દૂષ્‍કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં કોઠારીયામાં રહેતાં ઇમિટેશનના એક વેપારીએ એક પરિણીતાને પોતે ઇમિટેશનનું કામ આપતો હોઇ એક દિવસ ફોન કરી ઇમર્જન્‍સીમાં કામ આપવાનું છે, ઘરે આવી ઇમિટેશનનો માલ લઇ જાવ કહી પરિણીતાને ઘરે બોલાવી દરવાજો બંધ કરી બળજબરી આચરી લઇ બાદમાં તેના ફોટા પાડી લઇ વાયરલ કરવાની ધમકી દઇ સાતેક વખત દૂષ્‍કર્મ આચરી લેતાં અને છેલ્લે તેણીના પતિને ફોન કરી મારી દિકરી મરી ગઇ તેમાં તું અને તારી ઘરવાળી જવાબદાર છો, તું તારી ઘરવાળીને છુટાછેડા આપી દે નહિતર બધાને મારી નાંખીશ તેવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે ભોગ બનનાર ૩૪ વર્ષની પરિણીતાની ફરિયાદ પરથી કોઠારીયા ડાયમંડ પાર્ટી પ્‍લોટ નજીક સન પાર્કમાં રહેતાં રીન્‍કલ આંબલીયા નામના શખ્‍સ વિરૂધ્‍ધ ઇમિટેશનનું કામ ઇમર્જન્‍સીમાં આપવાનું છે તેમ કહી પોતાની ઘરે બોલાવી બળજબરી આચરી તેના ફોટા પાડી લઇ બાદમાં ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી સાતથી આઠ વખત દૂષ્‍કર્મ આચરી તેમજ તેણીને તેના પતિ સાથે છુટાછેડા લઇ લેવાનું દબાણ કરી છુટાછેડા નહિ લે તો તેણીના દિકરાને મારી નાંખશે તેવી ધમકી  આપ્‍યાનો ગુનો નોંધ્‍યો છે.

ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પંદર વર્ષ પહેલા મારા લગ્ન થયા છે અને મારે એક સંતાન છે. મારા પતિ પ્રાઇવેટ નોકરી કરતાં હોઇ ઘરમાં મદદરૂપ થવા માટે મેં ઘરે બેઠા ઇમિટેશનનું કામ ચાલુ કર્યુ હતું. શેરીમાં એક ભાઇ બીજા લોકોને આવુ કામ આપવા આવતાં હોઇ મેં પણ તેને કામ માટે પુછતાં તેણે પોતાનું નામ રીન્‍કલ આંબલીયા હોવાનું અને પોતે કોઠારીયા પાસે રહેતાં હોવાનું કહી ફોન નંબર દીધા હતાં. આ પછી ઇમિટેશનનું કામ આપવાનું ચાલુ કર્યુ હતું. ક્‍યારેક તે કહેતાં કે ઇમર્જન્‍સીમાં કામ દેવાનું છે અને પોતે બીજા કામમાં હોઇ ઘરે આવીને ઇમિટેશનનો માલ લઇ જાવ. જેથી હું તેની ઘરે જઇ કામ લઇ આવતી હતી. આ પછી અમારી વચ્‍ચે કામ બાબતે ફોનમાં વાતચીત થતી હતી, હું વ્‍હોટ્‍સએપમાં સ્‍ટેટસ મુકુ તો તેમાં તે કોમેન્‍ટ કરતો હતો. તેમજ તે તમારો ફોન લાગતો નથી તેમ કહી મને વ્‍હોટ્‍સએપ કોલ કરતો હતો. એક દિવસ તેણે મને ફોન કરીને કહેલું કે-મારી પત્‍નિ મને મુકીને બીજા જોડે ભાગી ગઇ છે, મારે એક દિકરી છે તેની હું સારસંભાળ રાખુ છું. મારી માતા સાથે રહુ છું. આ રીતે મને ઇમશોનલ વાતો કરી હતી. મેંતેને હું પરણેલી છું અને મારે પણ એક સંતાન છે તેમ કહી આવી વાતો ન કરવા કહ્યું હતું. પણ થોડા દિવસ પછી રીન્‍કલે મને ફોન કરી અરજન્‍ટ કામ આપવાનું છે, તમે ઘરે આવી ઇમિટેશનનો માલ લઇ જાવ તેમ કહેતાં હું તેના ઘરે ગઇ હતી.

 સાંજે ચારેક વાગ્‍યે હું ત્‍યાં પહોંચતા મને ઉપરના માળે રીન્‍કલે બોલાવી હતી અને તરત જ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને મને કહેલું કે મારા ઘરે કોઇ નથી. પછી ધમકી આપી હતી કે તું મારી સાથે વાતો કરે છે તેના બધા પ્રુફ મેં રાખયા છે, તારા પતિને હું હકિકત જણાવી દઇશ તેમ કહી મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. તે વખતે તેણે મારા નિર્વસ્‍ત્ર ફોટા પણ પાડી લીધા હતાં. મેં આજીજી કરતાં બાદમાં મને જવા દીધી હતી. ત્‍યારબાદ તે વારંવાર ફોન કરી કહેતો કે હું કહું તેમ તારે કરવું પડશે, નહિતર તારા ફોટા તારા પતિને મોકલી તારુ ઘર તોડાવી નાંખીશ, સમાજમાં બદનામ કરી દઇશ. તે મારા ઘરની તમામ માહિતી મેળવી મારા પતિ ઘરે ન હોય ત્‍યારે ફોન કરતો હતો.

તે મને પરાણે બાથરૂમમાં ન્‍હાવા મોકલી વિડીયો કોલ ચાલુ રખાવતો હતો અને તેનું વિડીયો રેકોર્ડિંગ પણ કરતો હતો, આ રેકોર્ડિંગ મને મોકલી બાદમાં ડીલીટ મારી દેતો હતો. તેમજ કહેતો હતો કે આ પ્રુફ મારી પાસે છે. આ પછી તે તેના ઘરે કોઇ ન હોય તો વ્‍હોટ્‍સએપ કોલ કરી મને તેના ઘરે બોલાવતો હતો. આ રીતે તેણે સાતથી આઠ વખત મારી સાથે બળજબરીથી સંબંધ બાંધી લીધો હતો. થોડા સમય પહેલા તેણે વ્‍હોટ્‍સએપ કોલ કરી કહેલું કે તું તારા ઘરવાળા સાથે છુટાછેડા લઇ લે, નહિતર હું તારા ફોટા-વિડીયો વાયરલ કરી દઇશ. પણ મેં તેને છુટાછેડા લેવાની ના પાડી હતી. જેથી તેણે મારા પતિને ફોન કરી ધમકી આપી હતી કે મારી દિકરી મરી ગઇ છે, તેની જવાબદાર તારી ઘરવાળી અને તું એમ બંને બનશો. જો તું તારી ઘરવાળીને છુટાછેડા નહિ આપ તો તને અને તારા પરિવારને મારી નાંખીશ.

આ પછી મારા પતિએ મને રિન્‍કલનો આવો ધમકી ભર્યો ફોન આવ્‍યાની વાત કરતાં મેં તેને સાચી હકિકત જણાવી હતી. ઘરસંસાર ચલાવવો હોઇ બદનામી ન થાય તેથી ફરિયાદ કરવાનું ટાળ્‍યું હતું. પણ પતિએ મને હિમ્‍મત આપતાં મેં અંતે ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં મહિલાએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ ડી. કે. ધાંધલાએ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(2:24 PM IST)