News of Wednesday, 29th July 2026
નંદનવન આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડ રિન્યુઅલમાં ધાંધિયાઃ નાગરિકોનો હોબાળો
સિનિયર સિટિઝન્સને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાની ફરજ, સ્ટાફના વર્તન સામે રોષઃ સર્વર ડાઉન અને ટેકનિકલ એરરના કારણે કામકાજ ખોરવાયું

રાજકોટ,તા.૨૯: શહેરના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં. ૯માં રૈયા ચોકડી-નાણાવટી ચોક નજીક આવેલી નંદનવન સોસાયટીના મ્યુનિસિપલ આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાર્ડ રિન્યુઅલની કામગીરીમાં ભારે અવ્યવસ્થાના કારણે બુધવારે નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સવારે કેન્દ્ર ખુલતા પહેલાંથી જ મોટી સંખ્યામાં અરજદારો લાઇનમાં ઊભા હોવા છતાં કલાકો સુધી વારો ન આવતાં ખાસ કરીને સિનિયર સિટિઝન્સને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અરજદારોના જણાવ્યા મુજબ, બે-બે કલાક સુધી રાહ જોવા છતાં કામગીરી ધીમી ગતિએ ચાલે છે અને આરોગ્ય કેન્દ્ર તરફથી એક દિવસમાં મહત્તમ ૨૫ આયુષ્યમાન કાર્ડનું જ રિન્યુઅલ કરવામાં આવશે તેવી જાણ કરવામાં આવે છે. બીજી તરફ વારંવાર સર્વર ડાઉન થવાની તેમજ ટેકનિકલ એરરના કારણે કામગીરી વધુ વિલંબિત બનતી હોવાથી કયારેક ૨૫ કાર્ડનું લક્ષ્યાંક પણ પૂર્ણ થઈ શકતો નથી.
નાગરિકોએ સ્ટાફના ઉદ્ધત વાણી, વર્તન અને વ્યવહાર અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. આરોગ્ય કેન્દ્રમાં પૂરતી વ્યવસ્થા અને ઝડપી કામગીરી સુનિヘતિ કરવાની માંગ સાથે ટૂંક સમયમાં કોર્પોરેટરો, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
(2:50 PM IST)










