<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

કોંગ્રેસ તરફ મતદાન થયું જ નથી એમ સમજી ઉમેદવાર પ્રિતેશ ચાવડીયાના ૮ કાર્યકરોનો ભાજપના આગેવાન સહિત પર હુમલો

વોર્ડ નં. ૧૪ના લક્ષ્મીવાડી મેઇન રોડ પરના ગીરનારા સોની સમાજની વાડીના મતદાન મથકમાં મતદાન પુરૂ થયા બાદ જામી પડી : ભાજપના ઉમેદવાર અરૂણાબેન સોનીના ચુંટણી એજન્‍ટ, બક્ષીપંચ મોરચાના પુર્વ શહેર મંત્રી વિપુલભાઇ માખેલા મતદાનનો આંકડો જોવા ગયા ત્‍યારે અજાણ્‍યા ત્રણ શખ્‍સોએ ડખ્‍ખો કર્યોઃ પછી બહાર રોડ પર ટોળકી રચી હુમલોઃ વિપુલભાઇને બચાવવા વચ્‍ચે પડેલા તેમના મોટા ભાઇ અનિલભાઇ, ભત્રીજા રૂદ્ર, કાર્યકર અમિતભાઇને ઢીકા-પાટુ, હાથમાં પહેરેલા કડાથી મારકુટઃ ભક્‍તિનગર પીઆઇ જયદિપસિંહ સરવૈયા, નિલેષભાઇ, નરેન્‍દ્રભાઇએ ગુનો નોંધ્‍યોઃ પીએસઆઇ ગોહિલે તપાસ હાથ ધરી : બંટી ચાવડીયા, રાજન ચાવડીયા, આશિષ ચાવડીયા, હિરેન ચાવડીયા, કલ્‍પેશ ચાવડીયા, કાનીયો ચાવડીયા, જીજ્ઞેશ ચાવડીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ થયો

તસ્‍વીરમાં ભાજપ આગેવાન વિપુલભાઇ માખેચા હોસ્‍પિટલમાં દાખલ થયા ત્‍યારે ફરિયાદ નોંધવા પહોંચેલી પોલીસ ટીમ, સાથે વિજયભાઇ બોરીચા અને ઘટના સ્‍થળે પહોંચેલા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ નજરે પડે છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૨૭: શહેરમાં ગઇકાલે મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં એકાદ બે છમકલાને બાદ કરતાં શાંતિપુર્ણ મતદાન થયું હતું. જો કે વોર્ડ ન. ૧૪ના લક્ષ્મીવાડી મેઇન રોડ પર ગીરનારા સોની સમાજની વાડીના મતદાન મથક પર સાંજે છએક વાગ્‍યે મતદાન પુરૂ થયા બાદ ભાજપના આ વોર્ડના મહિલા ઉમેદવારના ચુંટણી એજન્‍ટ અને તેમના ભાઇ, ભત્રીજા તેમજ કાર્યકર પર કોંગ્રેસના ઉમેદવારના આઠ જેટલા કાર્યકરોએ ટોળકી રચી હુમલો કરી ઢીકાપાટુ, હાથમાં પહેરેલા કડાથી બેફામ માર મારતાં દેકારો મચી ગયો હતો. ઘટનાને પગલે ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતાં. આ બનાવમાં રાયોટીંગનો ગુનો નોંધ્‍યો છે. આ મતદાન મથકમાં કોંગ્રેસ તરફ મતદાન થયું જ નથી એવું સમજી આ હુમલો કરવામાં આવ્‍યો હતો.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે લક્ષ્મીવાડી મેઇન રોડ પર ચામુંડા કૃપા ખાતે રહેતાં અને મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં વોર્ડ નં. ૧૪માં ભાજપ પક્ષના ચુંટણી એજન્‍ટ તરીકે કામ કરતાં વિપુલભાઇ રામજીભાઇ માખેલા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી સન્‍ની ચાવડીયા, રાજન ચાવડીયા, બંટી ચાવડીયા, આશિષ ચાવડીયા, હિરેન ચાવડીયા, જીજ્ઞેશ ચાવડીયા, કલ્‍પેશ ચાવડીયા અને કાનીયો ચાવડીયા વ્રિૂધ્‍ધ ગેરકાયદે મંડળી રચી વિપુલભાઇ, તેમના ભાઇ તેમજ ભત્રીજા અને કાર્યકર પર હુમલો કરી ઢીકાપાુટનો માર મારી તેમજ હાથમાં પહેરેલા કડાથી માર મારી વિખોડીયા ભરી ઇજા પહોંચાડી હોવાનો ગુનો દાખલ થયો છે.

વિપુલભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ખેતી કરી ગુજરાન ચલાવુ છું. અગાઉ હું ભાજપ બક્ષીપંચ મોરચાના શહેર મંત્રીનો હોદ્દો ધરાવતો હતો. હાલમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. ૧૪માં ચુંટણી સંયોજન તરીકે હોદ્દો ધરાવતો હતો. સાથે આ વોર્ડના ભાજપના ઉમેદવાર અરૂણાબેન સોનીના ચુંટણી એજન્‍ટની જવાબદારી પણ પક્ષ દ્વારા મને સોંપવામાં આવી હતી. રવિવારે ૨૬મીએ મતદાન હોઇ વોર્ડ નં. ૧૪માં હું ભાજપ ઉમેદવાર અરૂણાબેનના ચુંટણી એજન્‍ટ તરીકે  વોર્ડ નં. ૧૪ના મતદાન મથક પૈકીના લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલા ગીરનારી  સોની સમાજની વાડી ખાતેના મતદાન મથક ખાતે હજાર હતો. આ મતદાન મથક મારા ઘરની બરાબર સામે જ આવેલુ છે. ત્‍યાં સાંજે છ પહેલા હું ઉમેદવારના એજન્‍ટ તરીકે મતદાન મથકમાં કેટલા ટકા મતદાન થયું છે? તેના આંકડા લેવા અંદર ગયો હતો.

મતદાનનો સમય પુરો થઇ ગયો હોઇ અને પોલીંગ સ્‍ટાફના લોકો ઇવીએમ શીલ કરવાની  કામગીરી કરી રહ્યા હતાં અને મતદાનનો આંકડો કાઢતા હતાં. આ વખતે અજાણ્‍યા માણસો મતદાન મથકની અંદર આવતાં ત્‍યાં હાજર મહિલા પોલીસ કર્મચારીએ   આ માણસો તથા મને બહાર જવાનું કહ્યું હતું. આ વખતે આ અજાણ્‍યા માણસોએ મારી સાથે બોલાચાલી કરી હતી અને ઝઘડો કરી મારો કાંઠલો પકડયો હતો. આ પછી મતદાન મથકની બહાર રોડ પર આ ત્રણ ચાર અજાણ્‍યા માણસો તેમજ તેની સાથે બંટી ચાવડીયા, રાજન ચાવડીયા, આશિષ ચાવડીયા, હિરેન ચાવડીયા, કલ્‍પેશ ચાવડીયા અને કાનીયો ચાવડીયા તેમજ સન્‍ની અને જીજ્ઞેશ ચાવડીયા પણ હતાં. આ આઠેય લક્ષ્મીવાડી, કેવડાવાડી આસપાસ રહેતાં હોઇ હું બધાને સારી રીતે ઓળખતો હતો.

આ લોકોએ સાથે મળી મારા પર હુમલો કરી દીધો હતો. જેમાં બંટીએ મને ડોક પર વિખોડીયા ભરી લીધા હતાં અને જમણા ખભે કડાથી માર માર્યો હતો. રાજન અને બીજાએ મુંઢ માર માર્યો હતો. મેં રાડારાડી કરી દેકારો કરતાં મારા મોટા ભાઇ અનીલભાઇ માખેલા આવી ગયા હતાં, તેમજ મારો ભત્રીજો રૂદ્ર અનિલભાઇ (ઉ.વ.૧૯) પણ મને બચાવવા દોડી આવતાં આ બધાએ મારા ભાઇ, ભત્રીજા ઉપર પણ હુમલો કર્યો હતો. ભત્રીજા રૂદ્રને કોઇએ માથામાં જમણી બાજુ હાથમાં પહેરેલુ કડુ મારી દીધુ હતું. આ બધા આડેધડ મને, મારા ભાઇ અને ભત્રીજાને ઢીકાપાટુ મારવા માંડયા હતાં. મારા ભાઇ અનિલભાઇને પણ આ માણસોએ નાક પર વિખોડીયા ભરી લઇ પીઠમાં અને શરીરે કડાથી ઢીકાપાટુનથી માર માર્યો હતો.

આ વખતે અમારા એક કાર્યકર અમિતભાઇ બાવળેચા જે સોશીયલ મિડીયાનું કામ સંભાળે છે તે વચ્‍ચે પડતાં તેમને પણ આ બધો મુંઢ માર મારી કાન પાછળ વિખોડીયા ભરી લીધા હતાં. દેકારો થતાં પાર્ટીના બીજા માણસો, લોકો ભોગ થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. મને તથા મારા ભાઇ, ભત્રીજા, કાર્યકરને મધુરમ્‌ હોસ્‍પિટલે લઇ જવામાં આવતાં સારવાર અપાઇ હતી. અહિ બધા સંપુર્ણ ભાનમાં છે.

વિપુલભાઇ માખેલાએ વધુમાં જણાવ્‍યું હતું કે આ માથાકુટનું કારણ એવુ છે કે મનપાની ચુંટણીમાં વોર્ડ નં. ૧૪માં ભાજપના ઉમેદવાર અરૂણાબેન સોનીનો હું ચુંટણી એજન્‍ટ હતો. આ વોર્ડમાં કોંગ્રેસ પક્ષમાંથી પ્રિતેશ ચાવડીયા ઉમેદવાર હોઇ કોંગ્રેસ ઉમેદવારના કાર્યકરોને એમ હતું કે વોર્ડ નં. ૧૪માં સોની સમાજની વાડીના મતદાન મથકમાં કોંગ્રેસ તરફ મતદાન થયું જ નથી. આવું સમજીને ઉમેદવાર પ્રિતેશ ચાવડીયાના કાર્યકરો સન્‍ની, રાજન, બંટી, આશિષ, હિરેન, જીજ્ઞેશ, કલ્‍પેશ, કાનીયો એમ બધાએ મળી મારા પર હુમલો કરી માર માર્યો હતો. તેમજ વચ્‍ચે પડેલા મારા ભાઇ, ભત્રીજા, કાર્યકર અમિતભાઇને પણ ઢીકા-પાટુ અને હાથના કડાથી માર માર્યો હતો. પીઆઇ જયદિપસિંહ પરમારની રાહબરીમાં એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્‍સ. નરેન્‍દ્રભાઇ આહિર સહિતે ગુનો દાખલ કરતાં વધુ તપાસ પીએસઆઇ એસ. એચ. ગોહિલે હાથ ધરી છે. આ બનાવને પગલે ડીસીપી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ ઘટના સ્‍થળે દોડી ગયા હતાં. 

(2:12 PM IST)