News of Monday, 1st June 2026
વસતિ ગણતરીઃ ૨૭૧૧ ગણતરીદારો પહેલા એરિયાની ઓળખ કરશેઃ બાદમાં ઘરે-ઘરે મુલાકાત
૪૬ સુપરવાઇઝર્સ દ્વારા નિરિક્ષણ-સંકલનઃ એડી.સેન્સસ ઓફીસર સુશીલ પરમારનું સુપરવીઝન

રાજકોટ, તા.૧: વસ્તીગણતરી-૨૦૨૭ અન્વયે રાજકોટ જિલ્લામાં આજથી ૧ જૂનથી હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ઓપરેશન (એચ.એલ.ઓ.)ની કામગીરી શરૂ થઈ છે. જે અંતર્ગત જિલ્લાના તાલીમબદ્ધ ગણતરીદારોએ ફિલ્ડમાં જઈને પોતાની કામગીરી શરૂ કરી છે.
જિલ્લા કલેક્ટરશ્રી તથા પ્રિન્સિપલ સેન્સસ ઓફિસરશ્રી ડો. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ, એડિ. ડિસ્ટ્રીક્ટ સેન્સસ ઓફિસર શ્રી સુશીલ પરમારના માર્ગદર્શન અને નોડલ ઓફિસર સમીર રાવલના સંકલનમાં એચ.એલ.ઓ.ની કામગીરીનો પ્રારંભ થયો છે.
અધિક જિલ્લા વસ્તી ગણતરી અધિકારીની કચેરી તરફથી મળેલી વિગતો મુજબ, ગણતરીદારો સૌથી પહેલા પોતાને ફાળવાયેલા વિસ્તારમાં જઈને એરિયાની ઓળખ કરીને ઘરોનું નંબરિંગ કરશે.
એ પછી ઘરે-ઘરે જઈને વિગતો એકત્રિત કરશે તથા સેલ્ફ એન્યુમરેશનની વિગતોની ખરાઈ કરશે.
જિલ્લામાં ૧૧ તાલુકા, છ નગરપાલિકા તથા એક ઔદ્યોગિક નોટિફાઈ એરિયામાં કુલ ૨૭૧૧ ગણતરીદારો દ્વારા હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની કામગીરી કરવામાં આવશે.
જ્યારે ૪૪૬ સુપરવાઇઝર્સ ગણતરીદારો સાથે સંકલનમાં રહી સમગ્ર કામગીરીનું નિરિક્ષણ કરશે. દરમિયાન ૨૭૧ ગણતરીદારો તથા ૪૮ સુપરવાઇઝર્સ રિઝર્વ રાખવામાં આવ્યા છે.
(3:41 PM IST)










