તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
સોમવારથી રાજકોટ જીલ્લામાં ૩૪૭૬ કર્મચારીઓ દ્વારા વસતિ ગણતરીઃ પ્રથમ તબકકામાં ૩૪ પ્રશ્નો પૂછવામાં આવશે
૮૦૦ નાગરીકો દીઠ એક કર્મચારી ફાળવાયાઃ સેલ્ફ એન્યુમેરેશનનો કાલે છેલ્લો દિવસઃ ઢગલાબંધ સુપરવાઇઝરોની નિમણુંક

રાજકોટઃ તા.૩૦, રાજ્ય સહિત સમગ્ર દેશમાં આગામી ‘વસ્તી ગણતરી ૨૦૨૭' ની કામગીરી હાથ ધરવા માટે પ્રશાસન દ્વારા કમર કસી લેવામાં આવી છે. આ મહાઅભિયાનમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે જેથી સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બની શકે. રાજકોટ જિલ્લામાં પણ તંત્ર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે, જેના ભાગરૂપે જિલ્લામાં ૩૪૭૬ જેટલા શિક્ષકો અને અન્ય કર્મચારીઓને કામગીરીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.
સોમવારથી તા.૩૦ જુન સુધી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો અમલમાં આવશે. આ તબક્કા દરમિયાન મુખ્યત્વે ‘ઘરયાદી' (હાઉસ લિસ્ટિંગ) અને મકાન ગણતરીની કામગીરી કરવામાં આવશે. આ પ્રક્રિયામાં કુલ ૩૪ જેટલા પશ્નો પૂછવામાં આવશે.આ વખતના પશ્નોમાં લોકોના જીવનધોરણને સ્પર્શતી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નાગરિકોને તેમના ઘરમાં ઇન્ટરનેટની સુવિધા છે કે કેમ, સ્માર્ટફોનનો વપરાશ, પીવા માટે બોટલ વોટર (પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર) નો ઉપયોગ તેમજ ખોરાકમાં લેવાતા મુખ્ય ધાન્ય કયા છે- તેવા પાયાના પ્રશ્નો પૂછીને એક વિગતવાર અને આધુનિક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.
ટેક્રોલોજીનો વ્યાપક ઉપયોગઃ નાગરિકો માટે ‘સેલ્ફ એન્યુમેરેશન'ની સુવિધા
આ વખતે વસ્તી ગણતરીમાં સરકાર દ્વારા ઐતિહાસિક ફેરફાર કરતા પ્રથમ વખત નાગરિકોને પોતાની માહિતી જાતે નોંધાવવાની તક આપવામાં આવી છે. ૧૭ મેથી ૩૧ મે દરમિયાન ‘સેલ્ફ એન્યુમેરેશન' (સ્વ-ગણતરી) પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં નાગરિકો ઓનલાઈન માધ્યમથી ઘરબેઠા પોતાની વિગતો સ્વયં ભરી શકશે. જે લોકો આ નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓનલાઈન માહિતી નોંધાવશે નહીં, માત્ર તેમના જ ઘરે ૧ જૂનથી ગણતરીકારો રૂબરૂ મુલાકાત લેશે.
૮૦૦ વ્યક્તિએ એક કર્મચારીની ફાળવણી
નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ રાજકોટ જિલ્લાની વસ્તી કુલ ૩૮ લાખથી વધુ નોંધાઈ હતી. છેલ્લા એક દાયકામાં શહેરી વિસ્તારમાં થયેલા વિકાસ અને વળદ્ધિને કારણે હાલમાં આ વસ્તીના આંકડામાં નોંધપાત્ર વધારો થયો હોવાનો અંદાજ છે. નિયમાનુસાર ૮૦૦ વ્યક્તિઓ પર એક કર્મચારીના ધોરણે જિલ્લામાં સેંકડો ગણતરીદારો અને સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવશે.
(4:07 PM IST)










