તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
વસતિ ગણતરીઃ રાજકોટ કલેકટર તંત્ર દ્વારા ૩૫૦૦થી વધૂ શિક્ષકો-BLO ના ઓર્ડરોઃ ૧ જૂનથી ઘરયાદીનો તબકકે
લોકોને ૩૪ પ્રશ્નો પૂછાશેઃ ઇન્ટરનેટ-સ્માર્ટફોન-પીવા માટે બોટલ-ખોરાકના કયા મૂખ્ય ધાન્ય વિગેરે આવરી લેવાયા

રાજકોટ, તા.૧૪: રાજ્ય સહિત સમગ્ર દેશમાં વસ્તી ગણતરી ૨૦૨૭ની કામગીરી હાથ ધરવા માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે. આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયા બે મહત્વપૂર્ણ તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે, આ મહાઅભિયાનમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, જેથી ગણતરી વધુ પારદર્શક અને ઝડપી બને કલેકટર તંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં ૩૪૭૬ શિક્ષકોન-કર્મચારીઓને વસ્તી ગણતરી માટે ઓર્ડર અપાયા છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ રાજકોટ જિલ્લાની વસ્તી લગભગ ૩૮ લાખ (કુલ ૩૮,૦૪,૫૫૮) હતી. શહેરી વિસ્તારમાં વળદ્ધિને કારણે હાલમાં વસ્તી વધુ હોવાનો અંદાજ છે. ૮૦૦ વ્યક્તિઓ પર એક કર્મચારીના ધોરણે જિલ્લામાં સેંકડો ગણતરીદારો અને સુપરવાઇઝરોની જરૂર પડશે, જેમાં શિક્ષકો મુખ્ય ભૂમિકા ભજવશે.
આગામી ૧ જૂનથી ૩૦ જૂન સુધી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો અમલમાં આવશે. આ તબક્કા દરમિયાન મુખ્યત્વે ‘ઘરયાદી' અને મકાન ગણતરીની કામગીરી કરવામાં આવશે. આ પ્રક્રિયામાં કુલ ૩૪ જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં લોકોના જીવનધોરણને સ્પર્શતી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. નાગરિકોને તેમના ઘરમાં ઇન્ટરનેટની સુવિધા, સ્માર્ટફોનનો વપરાશ, પીવા માટે બોટલ વોટરનો ઉપયોગ છે કે કેમ, તેમજ ખોરાકમાં લેવાતા મુખ્ય ધાન્ય કયા છે - તેવા પાયાના પ્રશ્નો પૂછીને વિગતવાર ડેટાબેઝ તૈયાર કરાશે.
આ વખતે વસતિ ગણતરીની પ્રક્રિયામાં ટેક્રોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકાર દ્વારા પ્રથમ વખત નાગરિકોને પોતાની માહિતી જાતે નોંધાવવાની તક આપવામાં આવી છે. ૧૭ મેથી ૩૧ મે દરમિયાન ‘સેલ્ફ એન્યુમેરેશન' પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં નાગરિકો ઓનલાઈન માધ્યમથી પોતાની વિગતો સ્વયં ભરી શકશે. જે લોકો આ સમયગાળા દરમિયાન માહિતી નોંધાવશે નહીં, તેમના ઘરે ૧ જૂનથી ગણતરીકારો રૂબરૂ મુલાકાત લેશે.
(2:35 PM IST)










