<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

શહેરમાં આજથી વસતી ગણતરીની મહાતાલીમનો પ્રારંભઃ મનપાના ૧ હજાર જેટલા કર્મીઓ જોડાશે

૩ દિવસ તંત્રના તમામ સ્‍વિમિંગ પુલ બંધઃ આરોગ્‍ય અને જન્‍મ-મરણ જેવી શાખાઓના કર્મચારીઓ પણ ફરજ પરઃ ૧ જુનથી ઘરે-ઘરે જઈને થશે કામગીરી

રાજકોટ, તા.૧૮: શહેરમાં આગામી સમયમાં યોજાનારી વસતી ગણતરીની પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે આજથી વહીવટી તંત્ર દ્વારા સ્‍ટાફની સઘન તાલીમનો પ્રારંભ કરી દેવામાં આવ્‍યો છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આ સમગ્ર પ્રક્રિયામાં પ્રમુખ વસતી ગણતરી અધિકારી તરીકે મુખ્‍ય જવાબદારી સંભાળી રહ્યા છે. વસતી ગણતરી એ રાષ્‍ટ્રીય મહત્‍વનું અને કાયદાકીય રીતે અનિવાર્ય કાર્ય હોવાથી મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ જરૂરી સંસાધનો અને માનવબળ આ કામમાં લગાડી દેવામાં આવ્‍યું છે.

આજથી શરૂ થયેલી આ તાલીમ આગામી બુધવાર સુધી એટલે કે સતત ત્રણ દિવસ ચાલશે. સ્‍ટાફને યોગ્‍ય માર્ગદર્શન અને ટેકનિકલ ટ્રેનિંગ મળી રહે તે માટે શહેરના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પ્રમુખસ્‍વામી ઓડિટોરિયમ, અરવિંદભાઈ મણિયાર હોલ સહિત આ ત્રણેય સ્‍થળો પર અલગ-અલગ બેચમાં કર્મચારીઓને વસતી ગણતરીના ફોર્મ ભરવા, એપ્‍લિકેશનનો ઉપયોગ કરવો અને લોકો પાસેથી સચોટ માહિતી કઈ રીતે એકત્રિત કરવી તેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી રહી છે.

આ મહાઝુંબેશ માટે રાજકોટ મહાનગરપાલિકાના આશરે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા કર્મચારીઓનો સ્‍ટાફ ફાળવવામાં આવ્‍યો છે. આ પ્રક્રિયાને સુચારુ રૂપ આપવા માટે વોર્ડ ઓફિસર્સની આગેવાની હેઠળ ૨૦૦ થી ૨૫૦ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

આ ટીમોમાં માત્ર કોર્પોરેશનના જ નહીં, પરંતુ અન્‍ય સરકારી વિભાગોના કર્મચારીઓ તેમજ સરકારી શાળાના શિક્ષકોનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે.

તંત્ર દ્વારા આરોગ્‍ય શાખા, જન્‍મ-મરણ નોંધણી શાખા જેવી મહત્‍વની કચેરીઓમાંથી પણ કર્મચારીઓને વસતી ગણતરીની ફરજ સોંપવામાં આવી છે. સ્‍ટાફ રોકાયેલો હોવાને કારણે મહાનગરપાલિકાના સ્‍પોર્ટ્‍સ વિભાગ હેઠળ આવતા સ્‍વિમિંગ પુલો આજથી ત્રણ દિવસ માટે સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રૂટિન કામગીરી પર આંશિક અસર, પણ રાષ્‍ટ્રીય હિતમાં સહકાર જરૂરી વસતી ગણતરી માટે મોટા પાયે સ્‍ટાફ ડાયવર્ટ કરવામાં આવ્‍યો હોવાથી કોર્પોરેશનની અમુક રોજીંદી શાખાઓના કામકાજ પર આંશિક અસર જોવા મળી શકે છે. જોકે, વહીવટી તંત્રના જણાવ્‍યા અનુસાર, વસતી ગણતરી એ અત્‍યંત આવશ્‍યક અને ફરજિયાત પ્રક્રિયા હોવાથી નાગરિકોએ પણ આ બાબતમાં સહકાર આપવો જરૂરી છે. આવશ્‍યક સેવાઓ ખોરવાય નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

બુધવાર સુધી ચાલનારી આ તાલીમ પૂર્ણ થયા બાદ, તમામ કર્મચારીઓ ફિલ્‍ડ વર્ક માટે સજ્જ થઈ જશે. આગામી તાલીમ બાદ, ૧લી તારીખથી વસતી ગણતરી કરનારી ટીમો સત્તાવાર રીતે રાજકોટના તમામ વોર્ડમાં ઘરે-ઘરે જઈને ડેટા એકત્રિત કરવાનું કામ શરૂ કરશે. તંત્ર દ્વારા શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જ્‍યારે ગણતરીકારો તેમના ઘરે આવે ત્‍યારે તેમને સાચી અને પુરેપુરી માહિતી આપીને રાષ્‍ટ્રના આ મહત્‍વના કાર્યમાં પોતાનું યોગદાન આપે

(3:26 PM IST)