તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
સેરેબ્રલ પાલ્સી ચાઇલ્ડ સાહિલ પારેખની હિમ્મતને દાદ : રમત-ગમત અને અભ્યાસમાં અવ્વલ
ડોકટરોએ આ બાળક કાયમ પથારીવશ રહેશે તેવુ કહી દીધુ છતા માતા દિપ્તીબેન અને પિતા હિતેશભાઇ હિંમત ન હાર્યાઃ મહેનત કરી અને સારા પરિણામો મળવા લાગ્યા : જે પ્રવૃત્તિ સામાન્ય બાળક કરે તે બધી જ પ્રવૃત્તિ આજે સાહિલ પણ કરી શકે છે

રાજકોટ તા. ૧૨ : તાજેતરમાં જાહેર થયેલ ધોરણ ૧૦ના પરીણામોમાં એક સેરેબ્રલ પાલ્સી બાળક સાહિલ હિતેશભાઇ પારેખે પણ ઉતીર્ણ થઇ દુનિયાને બતાવી દીધુ છે કે જો હિંમત દાખવો તો સારા પરિણામો અચુક મળે જ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સાહિલના માતા દિપ્તીબેને જણાવ્યુ હતુ કે સાહિલનો જન્મ થયો ત્યારે ઓકસીજન ન મળવાથી રડયો ન હતો. બાદમાં ડાયગ્નોસીસ થતા તે સેરેબ્રલ પાલ્સી (સી.પી.) ચાઇલ્ડ હોવાની ખબર પડી હતી. એટલુ જ નહીં ડોકટરોએ તો એવુ કહી દીધુ હતુ કે આ બાળક કાયમ માટે પથારીવશ જ રહેશે.
પરંતુ સાહિલના માતા દિપ્તીબેન અને પિતા હિતેશભાઇ હિમ્મત હાર્યા નહોતા. તેઓએ સાહિલ ચાર વર્ષનો થતા પ્લે હાઉસમાં સામાન્ય બાળકોની સાથે મોકલવાનું શરૂ કર્યુ. ધીરે ધીરે એલ.કે.જી., એચ.કે.જી. એમ પોતાની ધગશથી જ સાહિલ આગળ વધતો ગયો. આ રીતે અક્ષર એજયુકેશન ટ્રસ્ટની શ્રી જય સોમનાથ વિદ્યાલયમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યુ. બાદમાં સીસ્ટર નીવેદીતા સ્કુલમાં અભ્યાસ ચાલુ કર્યો અને હાલ ધોરણ ૧૦ની પરીક્ષા લહીયાની મદદ વગર પોતે જાતે જ પેપરો લખીને ઉતીર્ણ કરી બતાવી છે.
જાતે હરીફરી શકતો નથી. વ્હીલચેરની મદદ લેવી પડે છે. છતા એક સામાન્ય બાળક જે પ્રવૃતિ કરે તે બધી જ પ્રવૃત્તિ સાહીલ કરે છે. એટલુ જ નહીં રમત ગમતમાં પણ સાહિલ ઉત્સાહભેર ભાગ લ્યે છે. શૈક્ષણિક પ્રવાસમાં પણ જોડાય છે.
જીલ્લા કક્ષાએ તથા રાજયકક્ષાએ સ્પે. મહાકુંભમાં ગોળા ફેકંક અને ચક્રફેંકમાં ભાગ લઇ ચુકયો છે. રાજયકક્ષાએ પણ નડીયાદ સુધી રમી આવ્યો અને પ્રથમ તથા બીજો ક્રમ બન્ને રમતોમાં મેળવ્યો હતો.
સાહિલના પિતા હિતેશભાઇ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ કરે છે. માતા પિતાની હુંફના કારણે જ સાહિલ સતત આગળ વધતો રહ્યો છે. જો કે શારીરિક ક્ષમતામાં આ જે સુધારો થઇ રહ્યો છે તે ફીજીયોથેરાપી કસરતના કારણે થઇ રહ્યાનું દીપ્તીબેને કબુલ્યુ હતુ.
સાહિલની ફીઝીયોથેરાપી પહેલા કે. કે. શેઠ, શ્રી માં શારદા ફીઝીયોથેરાપી સેન્ટર, વોકહાર્ટ હોસ્પિટલમાં ચાલતી હતી. હવે આન્વીશ્રીકી ફીઝીયોથેરાપી સેન્ટરમાં સારવાર ચાલે છે.
દીપ્તીબેન કહે છે કે અમે દીવાળીના વેકેશનમાં ફરવા જઇએ તો પણ સાહિલને વ્હીલચેર સાથે લઇ જઇએ છીએ. જેથી તેને એકલુ ન લાગે અને તેની માનસીકતામાં સુધારો આવે. આજે પરિણામ સામે જ છે કે સાહિલ ધીરે ધીરે સામાન્ય બાળકો કરી શકે તે બધી પ્રવૃત્તિ કરતો થઇ ગયો છે. જેની અમને અનહદ ખુશી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સાહિલના મમ્મી દીપ્તીબેન પારેખ (મો.૯૪૨૮૨ ૩૧૯૭૬), વચ્ચે સાહિલ અને બાજુમાં સોનલબેન વાછાણી તથા રાજેશભાઇ ભાતેલીયા નજરે પડે છે.
(2:15 PM IST)










