તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
જંગલેશ્વર ડિમોલીશનના ખર્ચની તપાસ કમિટીના અધ્યક્ષ બદલાયા!
હવે પીજીવીસીએલના એમડી તથા ઇન્ચાર્જ ડેપ્યુટી કેતન જોશીને સોંપાઈ તપાસની કમાનઃ વધુ તટસ્થ તપાસ માટે ફેરબદલ કરતા કમિશનર

રાજકોટ, તા. ૩: જંગલેશ્વર ડિમોલીશન દરમિયાન થયેલા કરોડો રૂપિયાના ખર્ચ મુદ્દે રાજકીય તથા વહીવટી તંત્રમાં ભારે ચર્ચા વચ્ચે તપાસ સમિતિની અધ્યક્ષ બદલાવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીએ ફૂડ સપ્લાયનું રૂ. ૨૭.૨૦ લાખનું બિલ ટેન્ડર પ્રક્રિયા વિના ખર્ચ કરાયો હોવાનું કારણ આપી નામંજૂર કર્યા બાદ સમગ્ર મામલો વધુ ગરમાયો હતો. ત્યારબાદ મેયર ડો. નેહલ શુક્લાની સૂચનાથી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પાંચ સભ્યોની ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી જગ્યાએ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તથા કોર્પોરેશનના ઇન્ચાર્જ ડીએમસી કેતન જોશીને જવાબદારી સોંપવામાં આવી છે.
જંગલેશ્વર ડિમોલીશન દરમિયાન ત્રણ કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ થયો હોવાની વિગતો સામે આવી રહી છે. તેમાં ફૂડ સપ્લાય, પાણીની બોટલો, મંડપ, વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી સહિતના અનેક ખર્ચમાં નિયમોનું પાલન થયું છે કે નહીં તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સૌથી વધુ ચર્ચામાં આવેલું રૂ. ૨૭.૨૦ લાખનું ફૂડ સપ્લાય બિલ સ્ટેન્ડિંગ કમિટીએ સ્પષ્ટ કારણોસર ફગાવી દીધું હતું. કમિટીએ નોંધ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયા વિના ખર્ચ કરવામાં આવ્યો હોવાથી તે મંજૂર કરી શકાય તેમ નથી. ત્યારથી સમગ્ર ખર્ચની પારદર્શિતા અને અધિકારીઓની ભૂમિકા અંગે સવાલો ઉઠી રહ્યા છે.
મેયર ડો. નેહલ શુક્લાએ સમગ્ર ખર્ચ અને કામગીરીની તલસ્પર્શી તપાસ માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. તેના આધારે પાંચ સભ્યોની તપાસ સમિતિ રચવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ તરીકે ડીએમસી ચેતન નંદાણીની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે સભ્યોમાં ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી, આસી. કમિશનર ભરત કાથરોટિયા તથા ઇસ્ટ ઝોનના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર પરેશ અઢિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મનપાના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ હવે પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તથા ઇન્ચાર્જ ડીએમસી કેતન જોશીને તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને ઝડપથી તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે
(3:41 PM IST)










