તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
તાર ફેન્સીંગ યોજનામાં ખેડુતહિતલક્ષી ફેરફારો આવકારદાયીઃ વિજય કોરાટ

રાજકોટ : ૨૯: રાજ્યના ખેડૂતોના હિતમાં ગુજરાતની ભાજપા સરકારના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમા઼ રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે ‘કાંટાળી તારની વાડની યોજના' એટલે કે, તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી સુધારા કરવા લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણયને કિસાન મોરચાના પ્રદેશમંત્રી વિજયભાઇ કોરાટે આવકદાયી ગણાવ્યો છે. આ નિર્ણય અનુસાર, અગાઉ તાર ફેન્સિંગ માટે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર રૂા.૨૦૦ અથવા ખર્ચના ૫૦ ટકા, બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી. હાલમાં માલ-મટીરીયલ્સના બજાર ભાવ અને મજૂરી ખર્ચ વધવાના કારણે સરેરાશ ખર્ચ વધુ થતો હોવાથી, ખેડૂતોનો આર્થિક બોજ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે પ્રતિ રનિંગ મીટર રૂા.૩૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦ ટકા મુજબ સહાય આપવામાં આવશે.
આ ઉપરાંત, અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછી બે હેકટર જમીનનું કલસ્ટર હોવું ફરજિયાત હતું, આ મર્યાદા ઘટાડીને હવે માત્ર એક હેકટર કરવામાં આવી છે. અગાઉ આ યોજના હેઠળ સહાય મેળવવા માટેની અરજી કરવા પોર્ટલ વર્ષમાં એક જ વાર ખુલ્લું મૂકવામાં આવતું હતું. પરંતુ, ચાલુ વર્ષે મહત્તમ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તે માટે જરૂર પડે બીજી વાર પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેમજ જરૂર પડશે તો રૂા.૨૪૦ કરોડ ઉપરાંત પણ વધારાના ભંડોળની વ્યવસ્થા કરીને ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે અને રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરૂં પાડવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી શ્રી વિજયભાઇ કોરાટ (મો.૯૮૯૮૭ ૦૦૦૫૦)એ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી, કૃષિમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઇ હીરપરાના આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.
(4:05 PM IST)










