હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં ‘ઓલ સ્ટાર્સ બાસ્કેટબોલ લીગ-૨૦૨૬'નો પ્રારંભ.
૧૦ ટીમોએ લીધો ભાગ : ખેલાડીઓની પરેડ : ટ્રોફીનું અનાવરણ : મહાનુભાવોની ઉપસ્થિતિ

રાજકોટ : રાજકોટ જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘ઓલ સ્ટાર્સ બાસ્કેટબોલ લીગ-૨૦૨૬'ની ઉદ્ધાટન વિધિ RMC ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો છે. કાર્યક્રમના ઉદ્ધાટન પૂર્વે તમામ ૧૦ ટીમોના ખેલાડીઓની ભવ્ય પરેડ યોજાઈ હતી. દરેક ટીમના ખેલાડીઓએ ઉત્સાહભેર પરેડમાં ભાગ લઈને ટીમ ભાવના, શિસ્ત, એકતા અને રમતગમત પ્રત્યેનો જુસ્સો પ્રદર્શિત કર્યો હતો. સમારોહમાં રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકામાં પક્ષના નેતા શ્રી હિરેન ખીમાણીયા, સેન્ટ પૉલ્સ સ્કૂલના આચાર્ય ફાધર જેમ્સ, કોર્પોરેટર શ્રી દર્શનભાઈ પેંગ્યાતર અને રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ શ્રી કૌશિક ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ જિલ્લા બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ શ્રી વિક્રમ જૈન, સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના શ્રી રાજદીપસિંહ જાડેજા, રાજકોટ ચેસ ક્લબના શ્રી વિશાલ સોલંકી અને શ્રી અગ્રવાલ, વોલીબોલ એસોસિએશનના શ્રી અમીશ મહેતા તથા વેસ્ટર્ન રેલવે સ્ટાફ એસોસિએશનના અધ્યક્ષ શ્રી હિરેન મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટના આયોજનને રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશ પીપલિયા તથા રાજકોટ મહાનગરપાલિકાની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી મનીષ ભટ્ટ તરફથી પણ સહયોગ અને પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું. તેમના સહયોગથી રમતગમતને પ્રોત્સાહન આપવા અને યુવા ખેલાડીઓને યોગ્ય મંચ પૂરો પાડવાના આ પ્રયાસને વધુ બળ મળ્યું હતું. ઓલ સ્ટાર્સ ક્લબ દ્વારા તેમના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શ્રી મૌલિકભાઈ મોકરિયાએ ટુર્નામેન્ટના આયોજનમાં માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો. તેમના માર્ગદર્શન, પ્રોત્સાહન અને સહકારથી ટુર્નામેન્ટને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ મદદ મળી હતી. ઓલ સ્ટાર્સ ક્લબ દ્વારા તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સંયુક્ત રીતે ટુર્નામેન્ટનું ઉદ્ધાટન કર્યું હતું અને ‘ઓલ સ્ટાર્સ બાસ્કેટબોલ લીગ-૨૦૨૬'ની ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. વિવિધ રમતગમત સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને શોભા આપી હતી. બાસ્કેટબોલની રમતને પ્રોત્સાહન આપવા, યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે મંચ પૂરું પાડવા તથા રમતગમતમાં શિસ્ત, ટીમવર્ક અને ખેલદિલીની ભાવના વિકસાવવાના હેતુથી આ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ દ્વારા રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના યુવા ખેલાડીઓને બાસ્કેટબોલ ક્ષેત્રે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળશે. રમતગમતના વિકાસ સાથે યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, આત્મવિશ્વાસ, શિસ્ત અને સહકારની ભાવના વિકસે તે પણ આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે. ‘ઓલ સ્ટાર્સ બાસ્કેટબોલ લીગ-૨૦૨૬'ને સફળ બનાવવા માટે ઓલ સ્ટાર્સ ક્લબની સમગ્ર ટીમે અથાગ મહેનત, સમર્પણ અને ટીમવર્ક સાથે કામગીરી કરી હતી. આયોજનથી લઈને વ્યવસ્થાઓ સુધીની વિવિધ જવાબદારીઓ નિભાવીને તમામ સભ્યોએ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
આયોજનમાં રાજકોટ ડીસ્ટ્રીકટ બાસ્કેટબોલ એસોસિએશનના શ્રી દેવાંગ માંકડ - પ્રમુખ, શ્રી ટેરેન્સ ફર્નાન્ડિસ - વરિષ્ઠ ઉપપ્રમુખ, શ્રી બેન્જામિન ગોમ્સ - ઉપપ્રમુખ, શ્રી જિગ્નેશ ભાયાણી - ઉપપ્રમુખ, શ્રી બિપિન વ્યાસ - માનદ મંત્રી, શ્રી મનોજ વર્ગીસ - સહમંત્રી, શ્રી જ્હોન થોમસ - માનદ ખજાનચી, શ્રી દિવ્યરાજ જાડેજા - આયોજન મંત્રી, શ્રી જૈમિન જોશી, શ્રી સૌરભ ડાંગર, શ્રી નિખિલ ધામેચા, શ્રી જયદીપ કુકડિયાનું વિશેષ યોગદાન રહ્યું હતું. (૩૬.૯)










