News of Friday, 27th November 2026
બાળ લગ્ન સમાજનું ગંભીર દૂષણઃ વર કન્યાના માતા-પિતા જ નહીં પરંતુ લગ્ન કરાવનાર કે પ્રત્યક્ષ-પરોક્ષ સહાય કરનાર પણ સજાને પાત્ર
નાગરિકો, સામાજીક આગેવાનો, ગ્રામજનો સક્રિય સહયોગ આપેઃ કલેકટરની અપીલ

રાજકોટ, તા. ૨૭: ભારત સરકાર દ્વારા ગત તા.૨૧ ઓક્ટોબરથી ૧૦૦ દિવસીય ‘‘બાળલગ્ન-મુક્ત ભારત અભિયાન''નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં જનજાગળતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. યુનાઇટેડ નેશન્સ (UN) દ્વારા તા. ૨૭ નવેમ્બરને આજના દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય બાળલગ્ન વિરોધી દિવસ'' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિશેષ દિવસ નિમિત્તે તા. આજરોજ રાજકોટ જિલ્લાના ગામોમાં વિશેષ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામજનોને બાળ લગ્ન અટકાવવા અંગેના સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ અભિયાન સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે જિલ્લાના તમામ નાગરિકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, બાળલગ્ન એ સમાજનું એક ગંભીર દૂષણ છે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તથા સારા સ્વાસ્થ્ય માટે તેને અટકાવવું અત્યંત જરૂરી છે. ‘‘બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ-૨૦૦૬'' મુજબ લગ્ન માટે દીકરીની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને દીકરાની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ હોવી ફરજિયાત છે. નિર્ધારિત વયમર્યાદા કરતાં ઓછી ઉંમરે થતા લગ્ન કાયદેસરનો ગુનો બને છે.
કલેકટરશ્રીએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, જો કોઈ પણ સ્થળે બાળલગ્ન થાય તો માત્ર વર-કન્યાના માતા-પિતા જ નહીં, પરંતુ લગ્ન કરાવનાર પંડિત, મૌલવી કે અન્ય ધર્મગુરુઓ તેમજ આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયતા કરનાર તમામ વ્યક્તિઓ કાયદા હેઠળ સજા અને દંડને પાત્ર બને છે.
રાજકોટ જિલ્લો સાચા અર્થમાં ‘‘બાળલગ્ન મુક્ત જિલ્લો'' બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ ઉમદા કાર્યમાં તમામ નાગરિકો, સામાજિક આગેવાનો અને ગ્રામજનો પોતાનો સક્રિય સહયોગ આપે અને કયાંય પણ બાળ લગ્ન થતા જણાય તો તેને અટકાવવામાં મદદરૂપ બને તેવી અપીલ જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવી હતી.
(2:36 PM IST)










