News of Thursday, 30th April 2026
સોરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સીટી બસ રોંગ સાઇડમાં ધસી આવીઃ છાત્રાને ફ્રેકચર
એરપોર્ટ ફાટક નજીક રહેતી ઇશિતા ગઢેચા બહેનપણીના ટુવ્હીલરમાં બેસી ઘરે જવા નીકળી ત્યારે બનાવઃ પગમાં પ્લાસ્ટીક સર્જરી કરાવવી પડીઃ એક મહિનાના આરામ બાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૩૦: ગઇકાલે જ મોટી ટાંકી ચોકમાં સીટી બસ અને સ્કૂલ વેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યાં સીટી બસે સર્જેલા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના પગ પર સિટી બસનું વ્હીલ ફરી વળતાં ગંભીર ઇજા થઇ છે.એક મહિનાના બેડ રેસ્ટ અને ઓપરેશન બાદ વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એરપોર્ટ ફાટક પાસે શ્રી સદ્દગુરૂ પાર્ક, આશીર્વાદ પાર્ક બ્લોક નં. ૨૦માં રહેતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં એમ.એ. સેમેસ્ટર-૨માં અભ્યાસ કરતી ઈશીતા કમલેશભાઈ ગઢેચા (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે સીટી બસ નં. જીજે૦૩બીઝેડ-૪૦૭૬ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયા મુજબ ઇશિતા ૬-૪-૨૬ના રોજ પોતાની બહેનપણી પ્રિયંકા સાથે કોલેજ છૂટયા બાદ ઈલેક્ટ્રિક બાઈક પર ઘરે જઈ રહી હતી. સાંજે પાંચ વાગ્યા આસપાસ યુનિવર્સિટી કેમ્પસમાં આંકડાશાષા ભવન પાસે પહોંચતા સામેથી રોંગ સાઈડમાં આવતી સિટી બસે તેમને અડફેટે લીધા હતા.
ફરિયાદમાં જણાવાયા મુજબ વિદ્યાર્થીનીઓ બસ જોઈને ઉભી રહી ગઈ હોવા છતાં બસ ચાલકે ઈશીતાના જમણા પગ પર બસનું ટાયર ચડાવી દીધું હતું. આ અકસ્માતમાં ઈશીતાને પંજામાં ફેક્ચર થયું હતું અને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફતે રૈયા રોડ પરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ જણાવ્યું હતું કે ઈજા ગંભીર હોવાથી પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. ઈશીતાના સાથળની ચામડી લઈ પગના પંજા પર પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. ૧૦ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ તેને રજા અપાઈ હતી, પરંતુ એક મહિનાના બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી હતી.
તેણીની પરીક્ષાઓ ચાલુ હોવાથી અને તબિયત નાદુરસ્ત હોવાને કારણે તુરંત ફરિયાદ થઈ શકી નહોતી. હવે તબિયતમાં સુધારો થતા ઈશીતાએ તેના પિતા કમલેશભાઈ સાથે પોલીસ મથકે પહોંચી બેદરકાર બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. ગાંધીગ્રામ-૨ પોલીસના પીએસઆઈ એચ. એમ. ચાવડાએ પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરી છે.
(2:55 PM IST)










