<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

શહેર કોંગ્રેસ દ્વારા દશેરા પર્વે પ્રતિકાત્‍મક રાવણના પૂતળાનું દહન : લોકશાહીની રક્ષા માટે સંકલ્‍પ

રાજકોટ : શહેર કોંગ્રેસ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે લોકશાહીના હિતમાં, બંધારણીય મૂલ્‍યોની રક્ષા અને દેશના ઉજ્જવળ ભવિષ્‍યના સંકલ્‍પ સાથે જ્ઞાનેશ કુમારના પ્રતિકરૂપે રાવણરૂપી પૂતળાનું દહન કરવામાં આવ્‍યું હતું. દશેરાએ અસત્‍ય પર સત્‍ય અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક છે. આ પર્વના સંદેશને આગળ ધપાવીને લોકશાહીની રક્ષા, મતાધિકારની સુરક્ષા અને જનતાના જનમતનું સન્‍માન જળવાઈ રહે તે હેતુથી આ પ્રતિકાત્‍મક વિરોધ કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે, દશેરા આપણને અન્‍યાય અને અસત્‍ય સામે લડવાની પ્રેરણા આપે છે. આજે દેશની લોકશાહી, બંધારણીય મૂલ્‍યો અને નાગરિકોના મતાધિકારની રક્ષા કરવી એ આપણી સૌની જવાબદારી છે. લોકશાહી માત્ર ચૂંટણી પૂરતી સીમિત નથી, પરંતુ તે જનતાના વિશ્વાસ અને દરેક નાગરિકના મતના સન્‍માન પર ટકેલી છે. જો જનતાના મતના અધિકાર અને લોકશાહીની પવિત્રતા સામે સવાલો ઊભા થાય, તો ચૂપ રહેવાને બદલે લોકશાહી માર્ગે અવાજ ઉઠાવવો જરૂરી છે. દેશનું ભવિષ્‍ય સુરક્ષિત રાખવા માટે બંધારણની ભાવનાનું જતન કરવું અને લોકશાહીની સંસ્‍થાઓની નિષ્‍પક્ષતા જાળવવી અનિવાર્ય છે. આ પ્રતિકાત્‍મક પૂતળાદહન દ્વારા સ્‍પષ્ટ સંદેશ આપવામાં આવેલ કે લોકશાહી સાથે કોઈ સમાધાન નહીં, મતાધિકાર સાથે કોઈ સમાધાન નહીં અને બંધારણીય મૂલ્‍યો સાથે કોઈ સમાધાન નહીં. દેશનું ભવિષ્‍ય જનતાના હાથમાં સુરક્ષિત રહે અને દરેક નાગરિકના મતનું સન્‍માન જળવાય તે માટે અમારો સંઘર્ષ સતત ચાલુ રહેશે. આ કાર્યક્રમ દ્વારા લોકશાહીની રક્ષા, મતાધિકારના જતન અને દેશના લોકતાંત્રિક ભવિષ્‍યને સુરક્ષિત રાખવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. ડો.રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ નીતિન ભંડેરી, વૈશાલી શીંદે, રવિ જીતીયા, જયદીપ મયાત્રા, હિરલ રાઠોડ, કરીના કુરેશી, હાજીભાઈ ઓડીયા, દીપેન ભગદેવ, રસિકભાઈ ભટ્ટ, નરેન્‍દ્ર પટેલ, ભાવેશ વાઘેલા, સોહિલ ઝરીયા, કુણાલ ચૌહાણ, સિકંદરભાઈ ડાકોરા, રાજુ ચાવડા, આર્યન કુરેશી, સુનિલભાઈ ભગત, દેવરાતસિંહ જાડેજા, મન ખાચરીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:19 PM IST)