News of Friday, 26th June 2026
શહેરના પનીર અને મલાઇ ઉત્પાદકો પર આરોગ્ય વિભાગનો સપાટોઃ ત્રણ ડેરી સીલ
પનીર, મલાઈ સહિત ચાર સેમ્પલ લેવામાં આવ્યાઃ ૫૦૦ કિલો ફૂગવાળી મલાઈનો નાશઃ ત્રણ પેઢી પાસેથી રૂ.૧૫ હજાર વહીવટી ચાર્જ વસૂલાયો

રાજકોટ તા.૨૬: મનપાના આરોગ્ય વિભાગે શહેરમાં પનીર અને ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન તેમજ વિતરણ કરતી પેઢીઓ પર વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરી કડક કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન ત્રણ ડેરીના પરિસર સીલ કરવામાં આવ્યા હતા, ચાર ફોર્મલ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અંદાજે રૂ.૧.૭૫ લાખ કિંમતની ૫૦૦ કિલોગ્રામ ફૂગવાળી લૂઝ મલાઈનો એસડબલ્યુએમ વાહન મારફતે નાશ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગે લાતી પ્લોટ સ્થિત ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સમાંથી લૂઝ પનીરનો સેમ્પલ લઈ રૂ.૫ હજારનો વહીવટી દંડ ફટકાર્યો હતો તેમજ પેઢીને સીલ કરી હતી. જ્યારે ૧૫૦ ફૂટ રિંગ રોડ સ્થિત શ્રીરામ ડેરીમાંથી મલાઈ અને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અહીંથી ૫૦૦ કિલોગ્રામ ફૂગવાળી મલાઈનો નાશ કરી રૂ.૫ હજારનો દંડ વસૂલાયો હતો અને પેઢી સીલ કરવામાં આવી હતી. ઉપરાંત કોઠારિયા મેઈન રોડ પર આવેલી શ્યામ ડેરી પ્રોડક્ટમાંથી પનીર એનાલોગનો સેમ્પલ લઈ રૂ.૫ હજારનો દંડ ફટકારી પેઢી સીલ કરવામાં આવી હતી.
ત્રણેય પેઢીઓમાંથી કુલ ચાર ફોર્મલ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ કુલ રૂ.૧૫ હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. સેમ્પલના રિપોર્ટ મળ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત શહેરના વિવિધ ઝોનમાં પણ આરોગ્ય વિભાગે ડેરી અને ખાદ્ય પદાર્થોના વેચાણકારો સામે ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં સેન્ટ્રલ ઝોનમાં ૧૬ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત રેલવે જંકશન સામેના વિસ્તારમાં ૧૬ પેઢીઓની તપાસ દરમિયાન પાંચ પેઢીમાંથી કુલ ૪૭ કિલોગ્રામ અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. એક પેઢીને હાઈજિન અને સ્ટોરેજની ખામી અંગે નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ કુલ રૂ.૧૧,૭૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.વેસ્ટ ઝોનમાં ૭૪ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો. જેમાં સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં ૧૦ પેઢીઓની તપાસ દરમિયાન ચાર પેઢીમાંથી કુલ ૭૪ કિલોગ્રામ અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. પાંચ પેઢીને હાઈજિન અને સ્ટોરેજની ખામીઓ બદલ નોટિસ આપવામાં આવી હતી અને કુલ રૂ.૧૧ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ઈસ્ટ ઝોનમાં પણ કાર્યવાહી કરી જામનગર રોડ શેઠનગર ગેટ પાસે ૧૨ પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ પેઢીમાંથી કુલ ૧૫ કિલોગ્રામ અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે શહેરભરમાં આવી તપાસ અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.
(3:24 PM IST)










