તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
કલબ યુવી રાસોત્સવઃ ૧૦ હજાર ખેલૈયાઓ મેદાન ગજવશે
ખેલૈયાઓને કયુઆરકોડથી જ ગ્રાઉન્ડમાં એન્ટ્રીઃ સેલ્ફીઝોન આકર્ષણ જમાવશે દીકરીઓની કાપડ ઉપર 'કંકુ' થાય સમાન હસ્તછાપ લેવાશે, જે ઉમિયાધામ સિદસર મોકલાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રની નં.૧ એવોર્ડ વિજેતા અને ઉમિયાધામ સિદસર પ્રેરિત કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવને દર વર્ષની જેમ આ વર્ષે આયોજનને નવા રંગ-રૂપ સાથે વધુ ભવ્ય બનાવવામાં આવ્યું છે.
૧૫૦ ફૂટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટ સામે ૩૦,૦૦૦થી વધુ ખેલૈયાઓની ક્ષમતા ધરાવતા વિશાળ ગ્રાઉન્ડમાં આ મહોત્સવ યોજાશે. અહીં ૧૦ હજારથી વધુ ખેલૈયાઓનો કાફલો ગરબે રમશે. સમગ્ર આયોજન પારિવારિક, સંસ્કારી, સુરક્ષિત અને ભકિતસભર માહોલમાં રહેશે. ખેલૈયાઓની સુરક્ષા માટે ટ્રાફિક મુકત પાર્કિગ વ્યવસ્થા અને વિશાળ ગ્રાઉન્ડની સુવિધા ઉભી કરાઈ છે.
ખેલૈયાઓની એન્ટ્રી માટે ફ્રેશ ડિઝાઇનર રજીસ્ટ્રેશન પાસ ફરજીયાત રહેશે. આ વર્ષે નવું આકર્ષણ જગદંબા સ્વરૂપ દીકરીઓની કાપડ ઉપર કંકુ થાપ સમાન હસ્તછાપ લેવામાં આવશે. સાથે જ મહિલા સંગઠન સમિતિની ૫૦૦ બહેનો દ્વારા મહારાસનું ભવ્ય આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત આકર્ષક મેઈન ગેટ, ફેન્સી એલઈડી સ્ક્રીન, ૧૦ હજાર વોટની સાઉન્ડ સિસ્ટમ અને લાઈટીંગ મુખ્ય આકર્ષણ રહેશે. આ મહોત્સવનો શુભારંભ મૌલેશભાઈ ઉકાણીના હસ્તે થશે. મોઢાલા ગ્રુપ દ્વારા તમામ ખેલૈયાઓનું મેડલથી સન્માન કરવામાં આવશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો સર્વશ્રી બિપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, મુન્નાભાઈ ઘેટીયા, ડો.કલ્પેશભાઈ ઉકાણી અને મીડિયા કો-ઓડીનેટર રજની ગોલ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:47 PM IST)










