<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ ન. ૧૫માં આચારસંહિતાનો ભંગ: થોરાળા પોલીસે ગુનો નોંધ્યો પ્રતિબંધિત ત્રિજ્યામાં પ્રચાર સાહિત્ય સાથે બેસનાર કોંગ્રેસ ઉમેદવાર મકબુલ દાઉદાણી સહિત 5 ઝડપાયા

એસીપી ક્રાઇમ ભરત બસિયા, એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીઆઇ એસ.પી. સોઢા, પીએસઆઇ ડોબરીયા અને ટીમની કાર્યવાહી ઝેરોક્ષ મશીન અને ડેમો ઇ.વી.એમ. સહિતનું સાહિત્ય જપ્ત

​રાજકોટ: શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના મતદાન દરમિયાન આચારસંહિતાના કડક અમલ વચ્ચે જાહેરનામા ભંગની ઘટના સામે આવી છે. વોર્ડ નં. 15માં ફરજ પર તૈનાત ઝોનલ ઓફિસર મયુરભાઈ નટવરલાલ ભાલીયા અને તેમની ટીમ જ્યારે ઇકો ગાડીમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે સવારે આશરે સવા નવ વાગ્યાના અરસામાં લાખાજીરાજ સોસાયટી સ્થિત શ્રી છત્રપતિ શિવાજી પ્રાથમિક શાળા પાસે મતદાન મથકની બિલકુલ નજીક કેટલાક શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, મતદાન મથકની 100 મીટરની પ્રતિબંધિત ત્રિજ્યામાં કોંગ્રેસના ઉમેદવાર મકબુલભાઈ હબીબભાઈ દાઉદાણી અને તેમના સમર્થકો મંડપ નાખીને ચૂંટણીલક્ષી પ્રવૃત્તિ કરી રહ્યા હતા.

​ઝોનલ અધિકારીની ટીમે ઘટનાસ્થળે તપાસ કરતા આશ્ચર્યજનક વિગતો સામે આવી હતી. ઉમેદવાર અને તેમના માણસો પાસે એક કાળા કલરનું પ્રિન્ટર (ઝેરોક્ષ મશીન), ઇ.વી.એમ. મશીનના ડેમો માટેના પૂંઠા કે જેના પર ઉમેદવારના નામ લખેલા હતા, તેમજ રાજ્ય ચૂંટણી આયોગની વર્ષ 2026ની પુરવણી યાદીની બુકો અને મતદારોને આપવાની કાપલીઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ મતદાન મથકની મર્યાદામાં આવા સાહિત્ય સાથે બેસવા પર સદંતર પ્રતિબંધ હોવા છતાં, આ શખ્સો પાસે કોઈ પણ પ્રકારની અધિકૃત પાસ કે પરમીટ નહોતી.

​આ મામલે ઝોનલ ઓફિસર મયુરભાઈ ભાલીયાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી એસીપી ક્રાઇમ ભરત બી. બસિયા, એસઓજી પીઆઈ સંજયસિંહ જાડેજા તેમજ પીઆઇ એસ. પી. સોઢા અને તેમની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. પકડાયેલા શખ્સોમાં ઉમેદવાર મકબુલભાઈ દાઉદાણી ઉપરાંત આરિફભાઈ સંધી, વસીમખાન લુવાણી, હુશેનભાઈ પિંજાશ અને ઇરફાનખાન બ્લોચનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અને નિયમોના ભંગ બદલ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(7:14 PM IST)