<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

કલેકટર આક્રમકઃ લોઠડામાં સર્વે બાદ ૩૦૦ દુકાનદારો કારખાનેદારોને જમીનો ખાલી કરવા મામલતદારની નોટીસો

હાઇવેની બંને બાજુ સરકારી જમીન ઉપર દબાણોઃ આખરી નોટીસ અને જવાબો બાદ મેગા ડીમોલીશનની તૈયારીઓ : આજ સવારથી દબાણ શાખાના નાયબ મામલતદાર ભૂમી લાવડીયા-જોષી અને તેમની ટીમો દ્વારા લોઠડામાં કાર્યવાહી શરૂ

 

રાજકોટ, તા. ૪: રાજકોટ કલેકટર આક્રમક બન્‍યા છે, વર્ષોથી કરોડોની સરકારી જમીન ઉપર ૩૦૦ જેટલા દુકાનો-કારખાના ઉભા થઇ જતા કલેકટરની સૂચના બાદ તાલુકા મામલતદાર મકવાણા દ્વારા કડક વલણ અપનાવીને લોઠડા ગામની કિંમતી સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્‍જો જમાવીને બેઠેલા આશરે ૩૦૦ જેટલા દબાણકર્તાઓને આખરી ચેતવણી આપતી નોટિસો ફટકારવામાં આવતા સમગ્ર પંથકના ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્‍યાપી ગયો છે.

આજે સવારથી દબાણના નાયબ મામલતદાર ભૂમી લાવડીયા, જોષી અને તેમની ટીમ દ્વારા લોઠડા દોડી જઇ નોટીસો ફટકારવામાં આવી રહી છે. હાઇવેથી બંને બાજુએ જબરા દબાણો ઉભા થઇ ગયાનું બહાર આવ્‍યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લોઠડા ગામના સર્વે નંબરની સરકારી જમીનો પર લાંબા સમયથી કેટલાંક તત્‍વો દ્વારા પાકા અને કાચા બાંધકામો તેમજ વ્‍યાવસાયિક હેતુ માટે ગેરકાયદેસર કબ્‍જો કરી લેવામાં આવ્‍યો હોવાની ફરિયાદો ઉઠી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને રાજકોટ તાલુકા મામલતદાર શ્રી મકવાણા અને તેમની ટીમ દ્વારા સ્‍થળ તપાસ કરીને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્‍યો હતો. આ સર્વે દરમિયાન સામે આવ્‍યું કે ૩૦૦થી વધુ આસામીઓએ સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને જમીન દબાવી રાખી છે.

મામલતદાર કચેરી દ્વારા ઇસ્‍યુ કરાયેલી નોટિસમાં તમામ ૩૦૦ દબાણકર્તાઓને સ્‍પષ્ટ આદેશ આપવામાં આવ્‍યો છે કે, તેઓ નિયત સમયમર્યાદામાં પોતાના કાગળો રજૂ કરે અથવા તો સરકારી જમીન પરથી પોતાના ગેરકાયદેસર બાંધકામો સ્‍વેચ્‍છાએ અને પોતાના ખર્ચે દૂર કરી લે. જો આપેલા સમયગાળામાં આ દબાણો હટાવવામાં નહીં આવે, તો તાલુકા વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે રાખીને ‘મેગા ડિમોલિશન' હાથ ધરવામાં આવશે અને તમામ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આ સાથે જ દબાણ હટાવવાનો તમામ ખર્ચ પણ દબાણકર્તાઓ પાસેથી જ વસૂલવામાં આવશે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે.

(2:48 PM IST)