તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
સ્વાગત કાર્યક્રમના કેસમાં બેદરકારી દાખવનાર ધોરાજી મામલતદારને ઝપટે લેતા કલેકટરઃ નોટીસ ફટકારતા ચર્ચા
અરજદારોને ધક્કો થતા ભાડૂ ચૂકવવા પણ આદેશઃ મહેસૂલી કર્મચારીઓમાં ફફડાટ

રાજકોટ, તા.૨૩: રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી ‘સ્વાગત કાર્યક્રમ'ના એક કેસમાં બેદરકારી દાખવવા બદલ ધોરાજીના મામલતદાર સામે કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્વાગત કાર્યક્રમ દરમિયાન બેજવાબદાર રવૈયો દાખવવા બદલ કલેકટર ડો. ઓમપ્રકાશ દ્વારા ધોરાજી મામલતદારને ‘કારણ દર્શાવો નોટિસ'ફટકારવામાં આવતા મહેસૂલી કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.ઉલ્લેખનીય છે કે,
પાંચેક મહિનામાં પહેલા ધોરાજી પાસેના એક ખેતરમાં ખેડૂતે પાણીના વહેણમાં ભૂંગળા નાંખી દેતા અન્ય ખેડૂતે અરજી કરી હતી જો કે આ બાબતે સ્વાગત કાર્યક્રમમાં કોઈ જ નિરાકરણ ના આવતા કલેકટર દ્વારા ધોરાજી મામલતદાર એચ.ડી.બારોટને નોટિસ ફટકારવામાં આવી છે. અને અરજદારને ધક્કો થતા તેનું ભાડું ચૂકવવા પણ આદેશ કર્યો છે.
આ કાર્યવાહીથી તાલુકા કક્ષાના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય જનતાના કામોમાં ઢીલ મૂકનાર કે સરકારી કાર્યક્રમો પ્રત્યે ઉદાસીનતા દાખવનાર મામલતદાર અને અન્ય મહેસૂલી કર્મચારીઓ માટે આ એક ચેતવણી સમાન ઘટના છે.
(2:59 PM IST)










