<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં તબીબો અને સ્‍ટાફની સરાહનીય સેવાઃ બે દર્દીઓને મળી નવી જિંદગી

ત્રણ વર્ષની અસહ્ય પીડા બાદ ૫૬ વર્ષીય મુકેશભાઈ પટેલને મળી ચાલવાની નવી આશાઃ ઢાંકણી બદલવાનું જટિલ ઓપરેશન સફળ રહ્યું: બીજા કિસ્‍સામાં એકલવાયું જીવન જીવતા ૫૦ વર્ષીય વિક્રમભાઈ સોલંકીને સારવાર સાથે મળ્‍યો ‘માનવતાનો સહારો' તબીબી અધિક્ષક ડો. કમલસિંહ ડોડીયા, આરએમઓ-હેલ્‍પ ડેસ્‍કના સહાયક નોડલ ઓફિસર ડો. હર્ષદ દૂસરા, એચ.આર. મેનેજર ભાવનાબેન સોની અને હેલ્‍પ ડેસ્‍ક ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૧: દુઃખાવા વગર જીવવાની ક્ષણ જ્‍યારે માણસને પાછી મળે છે, ત્‍યારે એ માત્ર તબીબી સફળતા નથી રહેતી પરંતુ એક દર્દી માટે જીવનની નવી શરૂઆત બની જાય છે. આવો જ એક હૃદયસ્‍પર્શી કિસ્‍સો પી.ડી.યુ. સિવિલ હોસ્‍પિટલ રાજકોટ ખાતે સામે આવ્‍યો છે. જ્‍યાં ત્રણ વર્ષથી ગોઠણની તકલીફથી પીડાતા દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્‍યું છે. સત સેવા ગાંડા ની મોજ આશ્રમ (દેગામ, ખીરસરા) ખાતે રહેતા ૫૬ વર્ષીય મુકેશભાઈ બાબુભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી જમણા ગોઠણના અસહ્ય દુખાવા અને ચાલવાની મુશ્‍કેલીથી પીડાતા હતા. તેઓ તા. ૧૨-૦૯-૨૦૨૬ના રોજ પી.ડી.યુ. હોસ્‍પિટલ ખાતે દાખલ થયા હતા. જરૂરી તબીબી તપાસ બાદ ઓર્થોપેડિક  વિભાગ દ્વારા તેમના જમણા ગોઠણની ઢાંકણી બદલવાનું ઓપરેશન કરવાનો નિર્ણય લેવાયો હતો. તા. ૧૭-૦૯ના રોજ તબીબોની વિશેષ ટીમ દ્વારા આ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સર્જરી બાદ મુકેશભાઈ હવે દુખાવા વગર બેસી અને ચાલી શકે છે. ત્રણ વર્ષની પીડામાંથી રાહત મળતાં તેમના ચહેરા પર ખુશી અને રાહતની લાગણી જોવા મળી હતી. મુકેશભાઈની સફળ સારવારમાં ઓર્થોપેડિક  વિભાગના વડા ડો. નિકુંજ મારૂ, સહયોગી પ્રાધ્‍યાપક ડો. દીક્ષિત સવજીયાની, ડો. શ્રીપાલ દોશી અને ડો. કુલદીપ પરમાર, રેસિડેન્‍ટ તબિબો ડો. ચિરાગ વાઘેલા, ડો. ગણેશ ટાંક, ડો. વિરાજ પટેલ, ડો. મુક્‍તેશ મેહતા, ડો. સુરજ મિશ્રા, ડો. ધવલ, ડો. મિત પટેલ અને ડો. દેવ જેઠવા તેમજ સમગ્ર ર્નસિંગ સ્‍ટાફ અને વર્ગ-૪ના કર્મચારીઓએ મહત્‍વપુર્ણ યોગદાન આપ્‍યું હતું.

 તેમજ અન્‍ય કિસ્‍સામાં રાજકોટના રામનાથ મહાદેવ મંદિર ખાતે એકલવાયું જીવન વિતાવતા ૫૦ વર્ષીય વિક્રમભાઈ સોલંકી માટે પીડીયુ સિવિલ હોસ્‍પિટલ આવી જ એક આશાનું કિરણ સાબિત થઈ છે. નબળાઈ અને માથાના અસહ્ય દુખાવાની ફરિયાદ બાદ વિક્રમભાઈને તા. ૧૩-૯ના રોજ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે પીડીયુ સિવિલ હોસ્‍પિટલના મેડિસિન (દવા) વોર્ડ નં. ૧૦માં દાખલ કરવામાં આવ્‍યા હતા. પત્‍નિ અને દીકરી હોવા છતાં મનમાં અસંતોષ અને એકલાપણાનો અનુભવ કરતા વિક્રમભાઈને હોસ્‍પિટલની હેલ્‍પ ડેસ્‍ક ટીમે સંવેદનશીલતાથી સાંભળ્‍યા હતા. દવાઓની સાથે સાથે તેમને માનસિક હૂંફ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્‍યું હતું. પૂર્ણ સારવાર બાદ તબિયતમાં સુધારો આવતાં તા. ૧૯-૦૯-૨૦૨૬ના રોજ તેમને સન્‍માનપુર્વક ડિસ્‍ચાર્જ  કરવામાં આવ્‍યા હતા.

મેડિસિન વિભાગના વડા ડો.મનીષા પાંચાલ તથા રેસિડેન્‍ટ તબિબો ડૉ. ક્રિષ્‍ના, ડો. પ્રિયંકા, ડો. સાહીલ અને વોર્ડના ર્નસિંગ તથા વર્ગ-૪ના સ્‍ટાફે મહત્‍વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત દર્દીને સેવાકીય માર્ગદર્શન પુરૂ પાડવામાં તબીબી અધિક્ષક ડો. કામલસિંહ ડોડીયા, આરએમો તથા હેલ્‍પ ડેસ્‍કના સહાયક નોડલ ઓફિસર ડો. હર્ષદ દૂસરા, એચ.આર. મેનેજર ભાવનાબેન સોની અને હેલ્‍પ ડેસ્‍ક ટીમ સતત કાર્યરત રહી હતી.

(3:29 PM IST)