તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
મનપાના બજેટના તમામ પ્રોજેકટ સમયસર પૂર્ણ કરો અને ચોમાસા પૂર્વે પ્રજાના પ્રશ્નો ઉકેલો
નવનિયુકત પદાધિકારીઓની અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ૩ કલાક સમીક્ષા બેઠક ચાલી : મેયર નેહર શુકલની કડક ટકોર


ચાલુ નાણાકીય વર્ષના વિકાસ કાર્યો, પ્રગતિશીલ યોજનાઓની સમીક્ષા અને પાણી ભરાવા જેવી ચોમાસા પૂર્વની સમસ્યાઓની તાત્કાલિક નિરાકરણ માટે અધિકારીઓ-કર્મચારીઓને સખત સૂચનો આપવામાં આવી : ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષ નેતા હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા તથા ઇન્ચાર્જ મ્યુ. કમિશનર અંનદુ સુેરેશ ગોવિંદ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મેયર નેહલ શુક્લાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દક્ષાબેન વસાણી, ડેપ્યુ. પક્ષ નેતા હિરેન ખીમાણીયા, દંડક સંજય રાણા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત મનપાના ઇન્ચાર્જ મ્યુનિ. કમિશનર અનંદુ, સુરેશ ગોવિંદ, ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી શહેરના વિકાસકાર્યો અને કામગીરી અંગે વિસ્તળત ચર્ચા કરી હતી.
બેઠક દરમિયાન ચાલુ નાણાકીય વર્ષના બજેટ હેઠળ હાથ ધરાયેલા તમામ વિકાસ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મેયર નેહલ શુક્લાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે બજેટમાં સમાવિષ્ટ તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવામાં આવે અને કોઈપણ પ્રકારની બેદરકારી કે વિલંબ સહન કરવામાં આવશે નહીં.
આ બેઠકમાં શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની પ્રગતિ અંગે વિભાગવાર અહેવાલ લેવામાં આવ્યો હતો. ખાસ કરીને રસ્તા, ગટર, પાણી પુરવઠો, સફાઈ અને અન્ય નાગરિક સુવિધાઓને લગતી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મેયરે જણાવ્યું હતું કે શહેરના નાગરિકોને મૂળભૂત સુવિધાઓ સમયસર અને અસરકારક રીતે મળી રહે તે માટે અધિકારીઓએ જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.
ચોમાસાની ઋતુ નજીક આવતી હોવાને કારણે બેઠકમાં પ્રિ-મોન્સૂન કામગીરીને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ, ડ્રેનેજ વ્યવસ્થાની સ્થિતિ, ગટર સફાઈ અને પાણી નિકાલની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મેયર સહિતના પદાધિકારીઓએ અધિકારીઓને સૂચના આપી હતી કે ચોમાસા પહેલા જે તે વિસ્તારોમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજન સાથે કામગીરી હાથ ધરવામાં આવે.
બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓએ પણ શહેરના વિકાસકાર્યોમાં વધુ ગતિ લાવવા, લોકોની ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા અને દરેક વિભાગ વચ્ચે વધુ સારી સંકલન વ્યવસ્થા જાળવવા પર ભાર મૂકયો હતો. સાથે સાથે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રજાલક્ષી અભિગમ અપનાવી શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં કોઈ ખામી ન રહે તે માટે સતત સતર્ક રહેવાની ટકોર પણ કરવામાં આવી હતી.
રાજકોટ મનપાની આ બેઠકને શહેરના વિકાસ, પ્રોજેક્ટની ગતિ અને ચોમાસા પૂર્વેની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં મનપા દ્વારા વિવિધ વિભાગોની કામગીરી પર સતત નજર રાખી નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો વધુ વેગવાન બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(3:30 PM IST)










