<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ખેડૂતોના હક માટે રાજકોટમાં કોંગ્રેસના ધરણાં

ભાજપ સરકારની ખેડૂતવિરોધી નીતિઓ સામે અમિત ચાવડાના આકરા પ્રહારો : ખેડૂતોનાં દેવા માફ કરો, પાકના પોષણક્ષમ ભાવ અને પૂરતું વળતર આપો : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત સૌરાષ્ટ્રના કોંગ્રેસી આગેવાનોની હાજરીમાં ખેડૂત અધિકાર આંદોલન

કોંગ્રેસના ધારણાઃ ખેડૂતોના હક માટે રાજકોટમાં પણ આજે શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત અધિકાર આંદોલન અંતગર્ત ત્રિકોણબાગ ખાતે ધારણા કરવામાં આવ્‍યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આગેવાની હેઠળ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા તેમજ લલિતભાઇ કગથરા, લલિતભાઇ વસોયા, ગાયત્રીબા વાઘેલા, મહેશભાઇ રાજપૂત, હિતેષભાઇ વોરા, સંજય અજૂડીયા, શહેનાજબેન બાબી, અજીતભાઇ વાંક, વશરામભાઇ સાગઠીયા, સહિતના આગેવાનો જોડાયા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૩૦: ગુજરાતના ખેડૂતોના હક અને અધિકારની લડાઈને વધુ મજબૂત બનાવવા રાજકોટ શહેર અને જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ‘ખેડૂત અધિકાર આંદોલન' અંતર્ગત ધરણા કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત સૌરાષ્ટ્ર-કચ્‍છના કોંગ્રેસી આગેવાનોની ઉપસ્‍થિતિમાં ભાજપ સરકારની ખેડૂત, ખેતી અને ગામડાં વિરોધી નીતિઓ સામે વિરોધ વ્‍યક્‍ત કરી ખેડૂતોના પ્રશ્નોનો તાત્‍કાલિક ઉકેલ લાવવા માગ કરવામાં આવી હતી.

કોંગ્રેસે જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્‍યું હતું, પરંતુ ખેડૂતોની આવક બમણી થવાને બદલે ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે. બિયારણ, ખાતર, ડીઝલ, વીજળી, મજૂરી અને સિચાઈના ખર્ચમાં વધારાથી ખેડૂતોની આર્થિક સ્‍થિતિ કથળી રહી છે. પાકના પૂરતા ભાવ મળતા નથી અને કુદરતી આફતોના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે. આવક બમણી કરવાના વચનનું શું થયું અને ખેડૂતોને તેમની મહેનતનું યોગ્‍ય વળતર ક્‍યારે મળશે તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્‍યો હતો.

કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે એક તરફ કુદરતનો માર અને બીજી તરફ સરકારની ખેડૂતવિરોધી નીતિઓના કારણે જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે. ખેડૂતો દેશનું પેટ ભરે છે, પરંતુ પોતાનું ગુજરાન ચલાવવા સંઘર્ષ કરી રહ્યા છે. સરકાર માત્ર જાહેરાતો કરવાને બદલે ખેડૂતોને વાસ્‍તવિક રાહત આપે તે જરૂરી છે.

ગુજરાતમાં વરસાદની અછત અને કુદરતી આફતોથી થયેલા નુકસાન સામે સરકારની સહાયનાં ધોરણો અપૂરતાં હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસે જણાવ્‍યું હતું કે એસડીઆરએફના નિયમો મુજબ હેક્‍ટરદીઠ રૂ. ૮,૫૦૦ અને વધુમાં વધુ બે હેક્‍ટરની મર્યાદામાં સહાયની જોગવાઈ ખેડૂતોના વાસ્‍તવિક નુકસાનની ભરપાઈ કરવા પૂરતી નથી. ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે ત્‍યારે સહાયનાં ધોરણોમાં વધારો કરવો જરૂરી છે. સરકાર માત્ર દુષ્‍કાળ જાહેર કરીને જવાબદારીમાંથી છટકી શકે નહીં. ખેડૂતોના નુકસાનનું વાસ્‍તવિક મૂલ્‍યાંકન કરી સમયસર મહત્તમ સહાય આપવી જોઈએ.

ધરણા દરમિયાન કોંગ્રેસે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર સમક્ષ અનેક સવાલો ઉઠાવ્‍યા હતા. ખેડૂતોની આવક બમણી કરવાના વચનનું શું થયું? ખેતીનો વધતો ખર્ચ ઘટાડવા સરકાર પાસે શું યોજના છે? પાક નિષ્‍ફળ જતાં અને કુદરતી આફતોમાં પૂરતું વળતર સમયસર કેમ મળતું નથી? બિયારણ, ખાતર, ડીઝલ અને વીજળીના વધતા ખર્ચમાંથી રાહત ક્‍યારે મળશે? ખેડૂતોનાં દેવા માફ કરવા સરકાર તૈયાર છે? પાકના પોષણક્ષમ ભાવ અને બજારની અનિヘતિતાથી રક્ષણ માટે શું પગલાં લેવાશે? સિચાઈ, વીજળી અને પાણીની પૂરતી સુવિધા ક્‍યારે મળશે? લઘુતમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી ક્‍યારે અપાશે? ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાયા બાદ ભવિષ્‍યમાં ખેડૂતો સાથે સંવાદ કરીને જ નિર્ણયો લેવાની ખાતરી કોણ આપશે? ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સમયમર્યાદા નક્કી કરીને જવાબદારી કોણ સ્‍વીકારશે? તેવા સવાલો કરવામાં આવ્‍યા હતા.

દુષ્‍કાળ જાહેર કરવા, સંપૂર્ણ દેવા માફી, પાક વીમો અને સહાય વધારવા સહિત છ મુખ્‍ય માગણીઓ કોંગ્રેસે સરકાર સમક્ષ છ મુખ્‍ય માગણીઓ રજૂ કરી હતી. વરસાદની અછત અને ખેતીના ગંભીર નુકસાનવાળા તમામ પાત્ર વિસ્‍તારોને તાત્‍કાલિક દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા, કુદરતી આફતો અને પાકના નુકસાનથી આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોનાં બેન્‍કો તથા સહકારી સંસ્‍થાઓનાં દેવા સંપૂર્ણપણે માફ કરવા, ખેડૂતોની જમીનમાંથી પસાર થતી વીજલાઇનો અને ખેતરોમાં ઊભા કરાતા વીજ થાંભલાઓથી થતી નુકસાનીનું યોગ્‍ય વળતર ચૂકવવા, પાક નિષ્‍ફળ જવાના કિસ્‍સામાં પાક વીમાની પ્રક્રિયા ઝડપી બનાવી સમયસર વળતર આપવા, ખેડૂતોને હેરાન કરતી ખોટી જમીન માપણીઓની તપાસ કરી ખોટી સાબિત થતી માપણીઓ રદ કરવા તથા દુષ્‍કાળ સહાયનાં ધોરણોમાં વધારો કરવાની માગ કરવામાં આવી હતી.

આ ઉપરાંત અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્‍ધ કરાવવા, રોજગારીનાં કામો શરૂ કરવા, પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરવા તથા પશુપાલન માટે જળાશયોમાં પાણીની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાની પણ માગ કરવામાં આવી હતી.

કોંગ્રેસે જણાવ્‍યું હતું કે ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્‍ય જનતાના પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો છતાં સંતોષકારક ઉકેલ આવ્‍યો નથી. ખેડૂતોના પ્રશ્નો રસ્‍તાથી લઈને વિધાનસભા સુધી ઉઠાવવામાં આવ્‍યા છે. ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ, દેવામાંથી રાહત, કુદરતી આફતો સામે આર્થિક સુરક્ષા અને ખેતી માટે જરૂરી પાયાની સુવિધાઓ મળવી જોઈએ. ખેડૂતને દયા નહીં, ન્‍યાય જોઈ..

(2:46 PM IST)