News of Friday, 31st July 2026
કોંગ્રેસે ન્યુસન્સ પોઈન્ટમાંથી કચરાના ગંજ ઉપાડયા
રાજકોટમાં ૧૧૦૦ કરોડના ટીપરવાન કોન્ટ્રેક્ટ આપવા છતાં કચરાના ઠેરઠેર ગંજઃ ગજેન્દ્રસિંહ ઝાલા

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા, ગજેન્દ્રસિંહ ઝાલા જણાવે છે કે વોર્ડ નંબર ૬ માં આવેલ શ્રી રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ, સંત કબીર રોડ મેહુલ નગર ખાતે પ્રજાપતિ વાડીની સામેની શેરીમાં કચરાના ગંજ અને ઉકરડા જેટલા કચરાના ઢગલા જોવા મળે છે. સ્વચ્છ ભારત અભિયાન નું સપનું રોળાયું હોય તેવું જણાતા કોંગ્રેસ અગ્રણીએ તાત્કાલિક સ્થળ પરથી રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ફરિયાદ નંબર ૨૬૩૧૧૧૩૮ થી ફરિયાદ કરી સેનેટરી ઇન્સ્પેક્ટરને આ બાબતે સાફ-સફાઈ કરવા અપીલ કરી અને વોર્ડ ઓફિસે રૂબરૂ જઈને ફરીયાદ કરતાંની સાથે તાત્કાલિક સાફ-સફાઈ કરી કચરો ઉપાડી લેવામાં આવ્યો હતો. જે કાંઈ થોડો ઘણો હશે તે સવારે દૂર કરવામાં આવશે અહીં નિયમિત કચરો ઉપાડી લેવાશે તેવી ખાતરી આપવામાં આવી છે. આ ન્યુસન્સ પોઈન્ટ છે ત્યાં લોકો કચરો અવારનવાર ઠાલવી જાય છે. તેમ પણ શ્રી ઝાલા જણાવે છે.
જે સ્થળે કચરો હતો તે સ્થળે અધિકારીના જણાવ્યા મુજબ સાફ-સફાઈ કરવા છતાં થોડી વારમાં જ લોકો ત્યાં કચરાના ઢગલા કરી દેતા હોય છે.
જે પગલે ન્યુસન્સ પોઇન્ટ દૂર થતો નથી અને આજુબાજુમાં રહેતા આસામીઓને પરેશાની ભોગવવી પડે છે. ગત ટર્મમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નો ટીપરવાનનો ૧૧૦૦ કરોડના કોન્ટ્રાક્ટ આપી દેવાયા પછી પણ ડોર ટુ ડોર કચરો લેવાતો ન હોય કે આ રીતે કચરો ફેંકી જતા હોય તો ફેંકનારા આસામીઓની સામે દંડનીય કાર્યવાહી થવી જોઈએ અને શહેરમાં જે સ્થળે આ પ્રકારના ન્યુસન્સ પોઈન્ટ છે ત્યાં દેખાય તે પ્રકારે કચરો ના ઠાલવે એ પ્રકારના ચેતવણી અંગેના સાઈન બોર્ડ લગાવવા જોઈએ. ગમે તે કારણે આવા ન્યુસન્સ પોઈન્ટ બંધ થતા નથી અને દિનપ્રતિદિન આવા ન્યુસન્સ પોઈન્ટમાં વધારો એટલા માટે થાય છે કે તંત્ર કડકાઈથી કામ લેતું નથી બેદરકારી અને લાપરવાહી દાખવનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ તેમ પણ કોંગ્રેસ અગ્રણીએ જણાવ્યું છે. તેમણે મોકલેલ તસ્વીરમાં ન્યુસન્સ પોઇન્ટમાં દેખાતા કચરાના ગંજ અને રજૂઆત બાદ કરવામાં આવેલી સાફ-સફાઈની તસ્વીરો જોવા મળે છે.
(2:36 PM IST)










