News of Wednesday, 18th November 2026
વેકેશનમાં ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને બોલાવતી મોદી-કલ્યાણ સ્કૂલ સામે કોંગ્રેસનું હલ્લાબોલ
કલ્યાણ સ્કૂલ અને અંબિકા ટાઉનશીપની મોદી સ્કૂલમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું: રોહિતસિંહ રાજપૂત

રાજકોટ, તા. ૧૮: રાજ્ય સરકારના શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હોવા છતાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વેકેશન દરમિયાન પણ ધોરણ ૧૦ અને ૧૨ સિવાયના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ મુદ્દે અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી હોવા છતાં કેટલીક શાળાઓ દ્વારા વેકેશનના નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાથી આજે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા કલ્યાણ સ્કૂલ અને અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલી મોદી સ્કૂલ ખાતે પહોંચીને ચાલતું શૈક્ષણિક કાર્ય બંધ કરાવવામાં આવ્યું હતું.
કલ્યાણ સ્કૂલમાં ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન દરમિયાન શાળાએ બોલાવી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હોવાની ફરિયાદ મળતાં કોંગ્રેસના વિદ્યાર્થી ઙ્કતિનિધિઓ શાળાએ પહોંચ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ શાળામાં હાજર હોવાનું સામે આવતાં તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલી મોદી સ્કૂલ ખાતે કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા ત્યારે શાળાના મહિલા આચાર્ય સાથે રકઝક થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારીને ફોન કરી આચાર્ય સાથે વાત કરાવી હતી. જોકે, આચાર્ય દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને માત્ર ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ જ શાળામાં હાજર હોવાની જાણ કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરોએ શાળાના ઉપરના માળે જઈ તપાસ કરતાં ધોરણ ૧૧ના છ વર્ગો એટલે કે ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.
શાળા સંચાલકોની અભ્યાસક્રમ પૂર્ણ કરવાની દોડમાં વિદ્યાર્થીઓનું વેકેશન છીનવી લેવાનો કોઈને અધિકાર નથી. વિદ્યાર્થીઓના અધિકારો માટે લડવું અમારી જવાબદારી છે અને આ જવાબદારી નિભાવવામાં અમે કોઈપણ શાળા સંચાલકની વગ કે દબાણ સામે ઝૂકવાના નથી. જિલ્લા શિક્ષણાધિકારી તાત્કાલિક સ્થળ તપાસ કરાવી જવાબદાર શાળાઓ સામે કાર્યવાહી કરે, અન્યથા આગામી દિવસોમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે
(2:57 PM IST)










