તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
જનરલ બોર્ડ પહેલાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગરીબોના ૧૬૩ આવાસ રદ કેમ? લાભાર્થીઓની પસંદગીમાં ગેરરીતિની શંકાના આધારે મેયરે આવાસ ફાળવણી રદ કરતાં વિવાદનો આક્ષેપઃ પ્લે કાર્ડ સાથે દેખાવો

રાજકોટ : મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસે આવાસ કૌભાંડ સહિતના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી શાસક પક્ષ સામે મોરચો માંડ્યો હતો. કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેટરો હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે મનપા કચેરીએ પહોંચ્યા હતા અને ગરીબોને ફાળવવામાં આવતા આવાસમાં ભ્રષ્ટાચાર બંધ કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ ‘ગરીબોના આવાસમાં ગોટાળા કરનારને જવાબ આપો' જેવા બેનરો દર્શાવી શાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસી કોર્પોરેટરો ઇબ્રાહિમ સોરા અને દીપ્તિબેન સોલંકી સહિતના વિપક્ષી નગરસેવકોએ આવાસ કૌભાંડ તેમજ અન્ય મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો.
મહાનગરપાલિકાની આવાસ યોજનામાં લાભાર્થીઓની પસંદગી અને આવાસ ફાળવણીમાં ગેરરીતિ થઈ હોવાની શંકાના આધારે મેયર ડો. નેહલ શુક્લ દ્વારા ૧૬૩ આવાસની ફાળવણી રદ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ સમગ્ર મામલે મોટો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે, જો ફાળવણીમાં ગેરરીતિ થઈ હતી તો તેની જવાબદારી કોની છે? માત્ર ગરીબ લાભાર્થીઓના આવાસ રદ કરી દેવાથી તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, વર્ષોથી આવાસની રાહ જોતા ગરીબ પરિવારોએ જરૂરી પુરાવા અને દસ્તાવેજો રજૂ કર્યા બાદ યોજનામાં અરજી કરી હતી. આમ છતાં ગેરરીતિની શંકા ઊભી થતાં એકસાથે ૧૬૩ આવાસ રદ કરી દેવાયા છે. જો ફાળવણી પ્રક્રિયામાં તંત્રની ભૂલ હોય તો તેનો ભોગ લાભાર્થીઓને શા માટે બનાવવામાં આવે છે? તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો હતો.
(4:07 PM IST)










