તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
રાજકોટ વોર્ડ નં. ૧૨માં કોંગ્રેસનો હુંકાર
ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવીશું સંજયભાઈ અજુડિયા, કમલેશ કોઠીવાર, ઉર્વશીબા જાડેજા અને ડો. કોમલ પટેલની સક્ષમ પેનલ મેદાનર્માં

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં વોર્ડ નં. ૧૨ ખાતે કોંગ્રેસ પક્ષે એક મજબૂત, શિક્ષિત અને અનુભવી પેનલ મેદાનમાં ઉતારી છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા ચાર ઉમેદવારો ラ સંજયભાઈ અજુડિયા, કમલેશ કોઠીવાર, ઉર્વશીબા જાડેજા અને ડો. કોમલ પટેલ દ્વારા વોર્ડના દરેક વિસ્તારમાં ઘરે-ઘરે જઈને લોકસંપર્ક સાધી રહ્યા છે. આ પેનલનો મુખ્ય એજન્ડા માત્ર સત્તા મેળવવાનો નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી વોર્ડમાં જે વહીવટી ખામીઓ અને ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે, તેને દૂર કરી પારદર્શક અને લોકાભિમુખ શાસન લાવવાનો છે.
ઉમેદવારોની ઓળખ અંગે વાત કરીએ તો, સંજયભાઈ અજુડિયા છેલ્લા ૩૨ વર્ષથી જાહેર જીવનમાં સક્રિય છે. ગ્રાઉન્ડ લેવલના કાર્યકર તરીકેની તેમની ઓળખ અને સામાન્ય લોકોના દુઃખમાં સહભાગી થવાની તેમની કાર્યપદ્ધતિ વોર્ડમાં સુપરિચિત છે. તેમની સાથે કમલેશ કોઠીવાર (એડવોકેટ) પણ એક મજબૂત ઉમેદવાર છે, જેઓ ૨૫ વર્ષથી જાહેર જીવનમાં હોવા ઉપરાંત કાયદાકીય જ્ઞાન અને વિદ્યાર્થી નેતા તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ વોર્ડની પાયાની સુવિધાઓ જેવા કે ટ્રાફિકની સમસ્યા, ડ્રેનેજ અને પીવાના પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે અત્યંત કટિબદ્ધ છે.
મહિલા પ્રતિનિધિત્વની વાત કરીએ તો, ઉર્વશીબા કનકસિંહ જાડેજા (એમ.એ.) પૂર્વ કોર્પોરેટર તરીકે કરેલા સેવાકાર્યોના આધારે ફરી મેદાનમાં છે. તેઓ મહિલાઓના હિત અને વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત રહે છે. આ સાથે ડો. કોમલ પટેલ જેવા શિક્ષિત અને પ્રોફેશનલ ઉમેદવારનું જોડાણ આ પેનલને વધુ મજબૂત બનાવે છે. ડો. પટેલ માત્ર શિક્ષણવિદ જ નથી, પરંતુ સામાજિક કાર્યકર તરીકે મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે વૈશ્વિક સ્તરે માન્યતા મેળવી ચૂકયા છે. તેમની શૈક્ષણિક અને વ્યવસાયિક કુશળતાનો લાભ હવે વોર્ડના વિકાસમાં મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આ ચારેય ઉમેદવારોનો એક જ સુર છે કે અત્યાર સુધી જનતાએ જે અસુવિધાઓ ભોગવી છે, તેનો અંત લાવવો છે. ટ્રાફિક અને સ્વચ્છતા જેવી પાયાની સમસ્યાઓ ઉકેલીને વોર્ડને આદર્શ બનાવવાનું સપનું છે. કોંગ્રેસની આ શિક્ષિત અને યુવા પેનલને વોર્ડ નં. ૧૨ના મતદારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
તસ્વીરમાં વોર્ડ નં. ૧રના કોંગ્રેસના ઉમેદવારો કમલેશ કોઠીવાર, સંજયભાઇ અજુડીયા, ઉર્વશીબા જાડેજા, ડૉ. કોમલબેન પટેલ સાથે અશ્વિનભાઇ બકુત્રા, અજિતભાઇ વાંક, જગદીશભાઇ સખીયા, હાર્દિકભાઇ બેચરા (વોર્ડ પ્રમુખ), કનકસિંહ જાડેજા, વિરલભાઇ ફળદુ અને દિપભાઇ ઓડેદરા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:01 PM IST)










