<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

રાજકોટમાં નવરાત્રિના પ્રથમ દિવસે જ વિવાદ: રેસકોર્સ અને ગરબા સ્થળો બહાર 'લવ જેહાદથી સાવધાન'ના પોસ્ટર લાગ્યા

હિન્દુ જાગરણ મંચ દ્વારા જનજાગૃતિના નામે બેનરો લગાવવામાં આવતાં ચર્ચા જાગી, અગાઉ પણ તિલક અને આઈડી કાર્ડથી પ્રવેશ અંગે કરાઈ હતી રજૂઆત

રાજકોટ: રંગીલા રાજકોટમાં શારદીય નવરાત્રિના પવિત્ર પર્વની પ્રારંભિક ઉજવણી વચ્ચે પ્રથમ નોરતે જ એક નવો ગરમાવો અને વિવાદ સામે આવ્યો છે. શહેરના પ્રખ્યાત રેસકોર્સ મેદાન સહિત વિવિધ અર્વાચીન અને પરંપરાગત ગરબા આયોજન સ્થળોની આસપાસ 'લવ જેહાદથી સાવધાન' લખેલા બેનરો અને પોસ્ટરો જોવા મળતાં ભારે ચર્ચા જાગી છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને નાગરિકોનું ધ્યાન આ પોસ્ટરો તરફ ખેંચાતા જ સમગ્ર શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
આ સમગ્ર મામલે હિન્દુ જાગરણ મંચના આગેવાન મંગેશ દેસાઈએ સંગઠનનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે સમાજમાં અને લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી જ આ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ગરબા મહોત્સવમાં ભાગ લેતા હોય છે, જેથી જનજાગૃતિના ભાગરૂપે સંગઠન દ્વારા આ સાવચેતીનો સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે.
હિન્દુ જાગરણ મંચના આગેવાને વધુમાં ઉમેર્યું હતું કે સરકાર પોતાની રીતે કામગીરી કરી રહી છે, પરંતુ કેટલીક બાબતોમાં કાયદાકીય મર્યાદાઓ હોવાના કારણે તમામ પ્રકારની કાર્યવાહી શક્ય બનતી નથી. આવી પરિસ્થિતિમાં સામાજિક સંગઠનોની જવાબદારી વધી જાય છે અને તેથી જ હિન્દુ જાગરણ મંચ દ્વારા લોકોમાં વિવેક અને સાવચેતી કેળવાય તે હેતુથી રાજકોટના મુખ્ય ગરબા સ્થળો ખાતે આ પોસ્ટરો પ્રદર્શિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજકોટમાં નવરાત્રિ દરમિયાન ગરબા આયોજન સ્થળોએ સુરક્ષા અને પ્રવેશ વ્યવસ્થાને લઈને ભૂતકાળમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા સક્રિય રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ સંગઠનો દ્વારા ગરબા સ્થળો પર પ્રવેશ કરનાર દરેક વ્યક્તિના ઓળખપત્રની કડક તપાસ કરવા અને માથા પર તિલક લગાવીને જ પ્રવેશ આપવા જેવી વિવિધ માંગણીઓ તંત્ર અને આયોજકો સમક્ષ મૂકવામાં આવી હતી. પ્રથમ નોરતે જ સામે આવેલા આ વિવાદ બાદ હવે પોલીસ પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

(4:05 PM IST)