<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

સરધારમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હટાવવા અંગે વિવાદ ઘેરાયોઃ દલિત સમાજમાં રોષ

પતિત પાવન સ્‍વામી સામે કડક કાર્યવાહીની માંગ સાથે આગામી ૨૯મીએ રાજકોટ કલેક્‍ટરને આવેદન અપાશેઃ તા.૧૮/૦૭/૨૦૨૬ના રોજ પ્રતિમા હટાવી કચરામાં ફેંકી દીધાનો આક્ષેપ

રાજકોટ,તા.૨૧: રાજકોટ નજીક આવેલા સરધાર ગામે સર્વે નં. ૧૩ માં સરકારી ખરાબાની જમીનમાં દલિત સમાજ દ્વારા સ્‍થાપિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હટાવવા અને અપમાનીત કરવા અંગે સરધાર સ્‍વામિનારાયણ મંદિરના પતિત પાવન સ્‍વામી તથા અસામાજિક તત્‍વો સામે ભારે રોષ ફાટી નીકળ્‍યો છે. આ અંગે ડો. બી. આર. આંબેડકર ટ્રસ્‍ટ (સૂચિત) ના ટ્રસ્‍ટીઓ દ્વારા ગંભીર આક્ષેપો સાથે સમગ્ર મામલે આંદોલન અને કલેક્‍ટરશ્રીને આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, સરધારમાં સરકારી જમીન હડપ કરવા માટે સ્‍વામિનારાયણ મંદિર ટ્રસ્‍ટ દ્વારા અગાઉ ગેરકાયદેસર કમ્‍પાઉન્‍ડ કરવામાં આવ્‍યું હતું, જે મામલતદાર દ્વારા નોટીસ આપી તોડી પાડવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બે એકર જમીન ઉપર સ્‍થપાયેલ બુદ્ધ વિહાર તોડી પાડવામાં આવેલ અને ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને ઢાંકીને તેના ટુકડા કરી જમીનમાં દાટી દેવામાં આવી હતી. આ ઘટનામાં પતિત પાવન સ્‍વામી સામે એફ઼આઈ.આર. નોંધાતા તેઓ ભાગી ગયા હતા. ત્‍યારબાદ અન્‍ય સ્‍વામી દ્વારા આજીડેમ પોલીસ સ્‍ટેશન ખાતે માફીપત્ર આપીને તે જ સ્‍થળે નવી પ્રતિમા સ્‍થાપિત કરવામાં આવી હતી. તેમ ટ્રસ્‍ટના આગેવાનોએ જણાવ્‍યું હતું.ે જોકે, તારીખ ૧૮/૦૭/૨૦૨૬ ની મધ્‍યરાત્રિએ અસામાજિક તત્‍વો દ્વારા આ નવી પ્રતિમાને પણ સ્‍થળ પરથી ઉપાડીને કચરા ફેંકી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. ઘટનાની જાણ થતાં રાજકોટ પોલીસ કમિશનરશ્રીની સૂચનાથી ડોગ સ્‍ક્‍વોડ અને ફોરેન્‍સિક લેબની ટીમ સ્‍થળ પર પહોંચી હતી અને પ્રતિમાને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવ્‍યું હતું. દલિત સમાજનો આરોપ છે કે અસામાજિક તત્‍વો દ્વારા દલિતોને ડરાવી-ધમકાવી ત્‍યાં જતા અટકાવવામાં આવે છે અને પોલીસની હાજરીમાં જ અન્‍યાય થઈ રહ્યો છે.

દલિત સમાજ અને ટ્રસ્‍ટની મુખ્‍ય માંગણીઓ આ મુજબ છે. ૧. રાષ્ટ્રદ્રોહનો ગુનોઃ સમાજમાં વર્ગવિગ્રહ ઉભો કરનાર મુખ્‍ય સૂત્રધાર પતિત પાવન સ્‍વામી સામે નોંધાયેલ એફ઼આઈ.આર. અંતર્ગત જિલ્‍લા ફેર કરવા અને રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવો. ૨. પુનઃ સ્‍થાપનાઃ જે સ્‍થળેથી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હટાવવામાં આવી છે, તે જ મૂળ જગ્‍યાએ પ્રતિમાની પુનઃ સ્‍થાપના કરવી. ૩.પોલીસ અધિકારી સામે કાર્યવાહીઃ આજીડેમ પી.આઈ. એચ. એન. પટેલ સામે જાતિવાદી માનસિકતા ધરાવવા અને બુટલેગરો તથા અસામાજિક તત્‍વોને આશ્રય આપવાના આક્ષેપ સાથે તેમને સસ્‍પેન્‍ડ કરી તેમની સંપત્તિની તપાસ કરવી. ૪.કોલ ડિટેલ અને નાર્કો ટેસ્‍ટઃ પતિત પાવન સ્‍વામી, સંબંધિત પોલીસ અધિકારીઓ અને બુટલેગરો વચ્‍ચેના છેલ્‍લા મહિનાના કોલ ડિટેલ્‍સ તથા લાઈવ ડિટેક્‍ટીવ (નાર્કો/લાઈ ડિટેક્‍ટર) ટેસ્‍ટ કરવામાં આવે. ૫.લાભો રદ કરવાઃ પ્રતિમા હટાવવાના ષડયંત્રમાં સામેલ તત્‍વોને અનુસૂચિત જાતિની યાદીમાંથી બાદ કરી તમામ સરકારી સહાય બંધ કરવી. આ અંગે ડો. બી. આર. આંબેડકર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓએ જણાવ્‍યું છે કે, તેઓ આગામી તારીખ ૨૯/૦૭/૨૦૨૬ ને બુધવારે બપોરે ૧૨:૩૦ વાર્ગ્‍યેં રાજકોટ કલેક્‍ટરશ્રીને આવેદનપત્ર આપી યોગ્‍ય તપાસ અને કાર્યવાહીની માંગ કરશે. જો સરકાર દ્વારા યોગ્‍ય પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર રાજ્‍યમાં કાનૂની અને શાંતિપૂર્ણ રીતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્‍ચારવામાં આવી છે.

 તસ્‍વીરમાં સંસ્‍થાના આગેવાનો સર્વશ્રી માવજીભાઈ જીવણભાઈ પરમાર, વાઘેલા જલ્‍પેશભાઈ, રઘુરામ કે.યાદવ, પરમાર હમીર, પરમાર મીલન, રમેશભાઈ ડયા, વિનોદભાઈ મકવાણા, મકવાણા મહેશ, મકવાણા રાજેશ, ચંદુભાઈ મકવાણા, તેજાભાઈ પરમાર, મહેશ ગોવિંદભાઈ, ચાવડા પ્રવિણભાઈ, બાબુભાઈ,  દિનેશભાઈ મકવાણા, દિનેશભાઈ પડાયા નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(2:17 PM IST)