<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

સરધારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અન્‍ય સ્‍થળે ખસેડાતા વિવાદઃ કલેકટરને આવેદન

અનૂસૂચિત જાતિ અધીકાર આંદોલનના અગ્રણીઓ એડી. કલેકટર પાસે દોડી આવ્‍યા.. આમા સંડોવાયેલા સામે કડક પગલા ભરોઃ તંત્ર જમીન વેચવા માંગતું હોય તો અમે લેવા તૈયાર છીએ.. જો માંગણી નહિ સંતોષાય તો ૧૫ ઓગસ્‍ટે આશ્ચર્યજનક કાર્યક્રમ

 

રાજકોટ, તા.૨૯: રાજકોટ શહેરના ભાગોળે આવેલ સરધાર ખાતે એક સંસ્‍થા દ્વારા ફરી એક વખત ડોક્‍ટર બાબા સાહેબની પ્રતિમાથી અન્‍ય જગ્‍યાએ ખેસેડી નાખતા ફરી વિવાદ સર્જાયો છે. ડો. બાબાસાહેબ આંબેડકરની સ્‍થાપિત જગ્‍યાએથી પ્રતિમાઓ ઉખાડીદુર કરનારાઓ સામે દેશદ્રોહ સહિતની કલમ હેઠળ તાત્‍કાલિક કાર્યવાહી કરવા માટે ‘અનુસૂચિત જાતિ અધિકાર આંદોલન, રાજકોટ' દ્વારા મુખ્‍યમંત્રી, કલેક્‍ટર તથા પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આંદોલનના અગ્રણીઓના જણાવ્‍યા મુજબ, ડો. બાબાસાહેબ આંબેડકરના વ્‍યક્‍તિત્‍વ અને રાષ્‍ટ્રીય ભાવના વિશે સૌ કોઈ જાણે છે, પરંતુ મહામાનવ માટે હજુ પણ સમાજના ઘણા લોકોને નફરત છે. સરધાર સ્‍વામિનારાયણ મંદિરની બાજુમાં સર્વે નં. ૧૩ માં સરકારી જગ્‍યામાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્‍થાપિત હતી.

અમારી રજૂઆત છે કે આમાં સંડોવાયેલા પતિતપાવન, બુટલેગરો અને સરકારી અધિકારીઓ વિરુદ્ધ તાત્‍કાલિક દેશદ્રોહ અને અન્‍ય કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી જોઈએ, જેથી આવા તત્‍વોને જાણ થાય કે દેશ ભારતના સંવિધાનથી ચાલે છે. તેમજ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા જે જગ્‍યા ઉપરથી ખસેડવામાં આવેલ છે તે સરકારી જગ્‍યા ઉપર પુનઃસ્‍થાપિત કરવામાં આવે. તે બે એકર જગ્‍યા અન્‍ય કોઈને વેચાણથી આપવામાં ન આવે. જો સરકાર સરધાર સર્વે નં. ૧૩ ની આ બે એકર જગ્‍યા વહેંચવા માંગતી હોય તો અમોને ડો. બી. આર. આંબેડકર બૌદ્ધ વિહાર અથવા અનુસૂચિત જાતિના ટ્રસ્‍ટને પ્રથમ તક આપવામાં આવે, જેમાં અમે બજાર કિંમત ચુકવવા માટે તૈયાર છીએ.

ઉપરોક્‍ત બાબતે વહેલી તકે યોગ્‍ય કરવામાં આવશે, જેનો અમોને વિશ્વાસ છે. પરંતુ જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે, તો અનુસૂચિત જાતિના લોકો ૧૫ ઓગસ્‍ટ ૨૦૨૬ ના રોજ આヘર્યજનક કાર્યક્રમ આપશે, જેની જાહેરાત ૧૪ ઓગસ્‍ટ ૨૦૨૬ ના રોજ થશે. જેમાં અમો ભારતના કાનૂન મુજબ અમારું આંદોલન ચલાવશું અને અમારા દરેક કાર્યક્રમનું આપના દ્વારા વિડિયો શૂટિંગ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

(3:27 PM IST)