તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
કોર્પોરેશન ચૂંટણીઃ ૧૦૦થી વધૂ ઝોનલ ઓફીસરોના ઓર્ડરો તમામને સેકટર મેજી.ના પાવર અપાશેઃ ૨૫મીએ સ્ટાફ બૂથ પર જશે
રાજકોટ જીલ્લામાં સ્ટાફ બૂથ ઉપર પહોંચાડવા ૪૦ એસટી બસો ભાડે લેવાશેઃ પ્રિસાઇડીંગને ૧૦૯ વસ્તુઓ અપાશે

રાજકોટ, તા.૧૭: રાજકોટ કલેકટર કચેરીના અધીકારીના સુત્રોના કેહવા મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ૧૦૧૪ મતદાન મથક માટે ૧૦૦થી વધુ ઝોનલ ઓફિસરોના નિમણૂક ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ ઓફિસરોને મતદાન મથકોની વ્યવસ્થા, મતદારોની યાદીનું સત્યાપન, નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે.ઝોનલ ઓફિસરો વિવિધ વોર્ડ અને તાલુકાઓમાં કાર્યરત રહીને મતદાન કેન્દ્રોનું નિરીક્ષણ કરશે, તાલીમ આપશે અને કોઈપણ અનિયમિતતા અટકાવશે, અને મતદાનના દિવસે મતદાન આંકડાઓ દર બે કલાકે રીર્પોટ આપશે.
ઉલ્લેખનીય છે કે, આગામી ચૂંટણીને લઇ દરેક મતદાન મથક પર પ્રિસાઈડિંગ અધિકારી, પોલિંગ ઓફિસર સહીત ૫ થી ૬ લોકોનો સ્ટાફ હશે. ૨૬મીએ મતદાન હોય, ચૂંટણી ફરજ પરનો સ્ટાફ ૨૫મીએ બપોરે ૨વાગ્યે પોતાના મતદાન મથક પર પહોંચી જશે અને મતદાન મથક પર બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ તેમજ વિવિપેટ મશીનના સાથે મોક પોલની તૈયારી અને ટેસ્ટિંગ કરશે જેથી મશીનો સરળતાથી કામ કરે ત્યારબાદ ૩ વાગ્યા સુધીમાં ચૂંટણી અધિકારીને રિપોર્ટ સોંપી દેશે.પ્રીસાઇડિંગ ઓફિસર પાસે ફોર્મ્સ, કવર, પેન્સિલ, ઇન્ડેલિબલ ઇંક, વોટર ર્માકિંગ સ્લિપ સહિત ૧૦૯ જેટલી વસ્તુઓ ચૂંટણી કામગીરી માટે સોંપવામાં આવે છે.
મતદાન મથક પરનો તમામ સ્ટાફ ૨૫મીએ જે તે મતદાન મથક પર જ રાત્રીરોકાણ કરી, બીજા દિવસે એટલે કે ૨૬મીએ સવારે ૬ વાગે મોકપોલ ટેસ્ટિંગ કરશે અને સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાનનો ધમધમાટ ચાલશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં વિવિધ મતદાન મથકો પર બેલેટ યુનિટ, કન્ટ્રોલ યુનિટ અને વીવીપેટ મશીન પહોંચાડવા માટે ચૂંટણી વિભાગ દ્વારા ૪૦થી વધુ એસટી બસો મંગાવી હોવાનું જાણવા મળે છે.
(3:52 PM IST)










