<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

કોર્પોરેશન-પંચાયત ચૂંટણીઃ ઉમેદવારોના હિસાબોની દેખરેખ અંગે રાજકોટમાં વેટના સહાયક કમિશનર અમૃત પરમાર મૂકાયા

જામનગરમાં સંકેત બોધરાઃ અમરેલીમાં કિશનલાલ ચાવડાઃ જુનાગઢ માટે રાજકોટના કલ્‍પેન હિરપરાની નિમણુંક

રાજકોટ, તા.૨૦: ગુજરાત રાજ્‍ય ચૂંટણી આયોગે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સામાન્‍ય તેમજ પેટા ચૂંટણીઓને વધુ પારદર્શક અને નિષ્‍પક્ષ બનાવવા માટે મહત્‍વનું પગલું ભર્યું છે. સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર કડક નજર રાખવા માટે ખાસ ખર્ચ નિરીક્ષકોની નિયુક્‍તિ કરવામાં આવી છે. આ નિરીક્ષકો રાજ્‍યવેરા કમિશનર કચેરીના અનુભવી અધિકારીઓ છે, જેઓ નાણાકીય લેણ-દેણ, ખર્ચના રજીસ્‍ટર તથા વાઉચરની વિગતવાર તપાસ કરશે.

રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે અમદાવાદથી સહાયક રાજ્‍યવેરા કમિશનર અમળત પરમારને ખર્ચ નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેવી જ રીતે જામનગર મહાનગરપાલિકા અને સિક્કા નગરપાલિકા માટે જૂનાગઢ કચેરીના સહાયક કમિશનર સંકેત બોઘરાની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ ઉમેદવારોના ખર્ચના રજીસ્‍ટર અને વાઉચરની નિયમોનુસાર તપાસ કરશે. અમરેલી જિલ્લાની તમામ તાલુકા પંચાયતો અને છ નગરપાલિકાઓ માટે ભાવનગરથી સહાયક કમિશનર કિશનલાલ ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. તેમને જ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પાટણ, ઉના અને સુત્રાપાડા જેવી નગરપાલિકાઓ પર દેખરેખ રાખવાની પણ જવાબદારી સોંપાઈ છે.

મોરબીમાં મહાનગરપાલિકા અને અન્‍ય નગરપાલિકાઓ માટે અમદાવાદથી સહાયક રાજ્‍યવેરા કમિશનર મોની ઉપાધ્‍યાયને તૈનાત કરવામાં આવ્‍યા છે. જૂનાગઢ જિલ્લા માટે રાજકોટ કચેરીના અધિકારી કલ્‍પેન હિરપરા તથા દેવભૂમિ દ્વારકા અને પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લાની પેટા ચૂંટણીઓ માટે અમદાવાદથી વેરા કમિશનર ભુપતભાઈ ડાંગરની નિમણૂક થઈ છે. દ્વારકાની સલાયા અને જૂનાગઢની બાંટવા નગરપાલિકામાં પેટા ચૂંટણીઓ યોજાવાની હોવાથી ત્‍યાં વિશેષ તકેદારી રાખવામાં આવશે. આ નિરીક્ષકો ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર ચાંપતી નજર રાખશે.

(3:34 PM IST)