News of Wednesday, 3rd June 2026
મનપામાં એક સાથે તમામ વોર્ડમાં કોર્પોરેટરો કરશે પ્રિ-મોન્સુન કામગીરીનું નિરીક્ષણ
નવનિયુકત મેયરની નવી પહેલ : વોંકળા, સફાઇ, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની કામગીરી પર રહેશે સીધી નજરઃ સ્થળ પર જ અધિકારીઓને અપાશે સૂચનાઓ

રાજકોટ તા.૩: મહાનગરપાલિકા દ્વારા થતી વોંકળા સફાઇ અને પ્રિ-મોન્સુન કામગીરીનું આવતીકાલે તા.૦૪ના દરેક વોર્ડમાં તમામ કોર્પોરેટરશ્રીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વોંકળા, ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓને સુદ્રઢ બનાવવા માટે સઘન સફાઈ અને જાળવણી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે, પાણી ભરાવાની સમસ્યા ઉભી ન થાય તેમજ નાગરિકોને ચોમાસા દરમિયાન કોઈ અગવડતા ન પડે તે હેતુથી વિવિધ વિભાગોની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થતી વોંકળા સફાઇ અને પ્રિ-મોન્સુન કામગીરીનું આવતીકાલ તા.૦૪ના રોજ સવારે ૦૯ વાગ્યે કોર્પોરેટરશ્રીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોન અને વોર્ડમાં આવેલ મુખ્ય તથા આંતરિક વોંકળાઓની સફાઈ, કચરો દૂર કરવાની કામગીરી, વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોની ચકાસણી, ડ્રેનેજ નેટવર્કની સફાઈ, રોડ સાઈડ ગટર અને કેનલની સફાઈ સહિતની કામગીરી સતત કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત ભારે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહને અવરોધરૂપ બનતા કચરા, ગારો અને અન્ય અવરોધોને દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી વધુ અસરકારક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે આવતીકાલે તા.૦૪ જુનના રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ દ્વારા પોતાના વોર્ડ વિસ્તારમાં સ્થળ મુલાકાતો કરવામાં આવશે. કોર્પોરેટરશ્રીઓ પ્રિ-મોન્સુન કામગીરી અને વોંકળા સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી કામગીરીની ગુણવત્તા, પ્રગતિ તથા સ્થાનિક સ્તરે જરૂરી સુધારા-વધારા અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપશે.
(3:41 PM IST)










