તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 25th September 2026
ચડ્ડો પહેરી ઘર સામે બેસી દેકારા કરવાની ના પાડતાં છરી-ધોકાના ઘાઃ દંપતિ-પુત્રીને ઇજા, વાહનમાં તોડફોડ
મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે છરી-ધોકા-પાઇપથી ધબધબાટી : મુકેશભાઇ રાઠોડ, પત્નિ નીતાબેન રાઠોડ સારવારમાં: મુકેશભાઇની ફરિયાદ પરથી પ્રદિપ ઉર્ફે લાલો અવાડીયા, કેશુ મેર, જીત, ચંદુભાઇ, સાવન, અક્ષીત સામે ગુનોઃ સામે પક્ષે પ્રદિપ ઉર્ફે લાલો અવાડીયા અને ભાણેજ અક્ષિતને ઇજાઃ માલવીયાનગર પોલીસે સામ સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૫: મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં રજપૂત પરિવારે પોતાના ઘર સામે દરરોજ રાતે ભેગા થઇ દેકારો કરતાં અને ચડ્ડો પહેરીને બેસતા શખ્સને ટપારતાં આઠેક મહિનાથી આ શખ્સો સમજતાં ન હોઇ ગઇકાલે પણ એક શખ્સ ચડ્ડો પહેરીને બેઠો હોઇ તેને સમજાવતાં આ શખ્સ સહિતના પાંચ જણાએ ટોળકી રચી છરી, ધોકાથી હુમલો કરતાં રજપૂત પરિવારના દંપતિ, પુત્રીને ઇજા થઇ હતી. સામે પક્ષે પણ હુમલો કરનાર અને તેના ભાણેજને ઇજા થતાં સારવાર લીધી હતી.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે સામ-સામે ગુના દાખલ કર્યા છે. જેમાં શ્રીનાથજી સોસાયટી-૪માં રહેતાં મુકેશભાઇ ભાણજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી તેમના પાડોશમાં જ રહેતાં પ્રદિપ ઉર્ફે લાલો અવાડીયા, જીત પ્રદિપ ઉર્ફે લાલો અવાડીયા, ચંદુભાઇ, સાવન ચંદુભાઇ, અક્ષીત ચંદુભાઇ સામે ગુનો નોંધ્યો છે.
મુકેશભાઇ રાઠોડ ઇમલા પાડવાનું કામ કરે છે અને પરિવાર સાથે રહે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પત્નિનું નામ નીતા છે અને સંતાનમાં એક દિકરો રવિ તથા એક દિકરી ભાવીકા છે. અમારા ઘરની સામે પ્રદિપ ઉર્ફે લાલો તેના પરિવાર સાથે રહે છે. ગુરૂવારે ૨૪મીએ રાતે સાડા દસેક વાગ્યે અમે બધા ઘરની અગાસી પર હતાં ત્યારે પ્રદિપ તથા તેની બાજુવાળા કેશુભાઇ મેર તેમના ઘરની સામે બેઠા હતાં. કેશુભાઇએ ચડ્ડો પહેરેલો હોઇ જેથી મારા દિકરા રવિએ અમારા ઘરની અગાસી પરથી કેશુભાઇને કહેલું કે-તમને કેટલીવાર કીધું છે કે મોડી રાત સુધી આ રીતે બેસવું નહિ, ચડ્ડો પહેરવાની પણ તમને ના પાડી છે.
આમ મારા દિકરાએ કહેતાં તેની સાથે તે બોલાચાલી કરવા માંડયા હતાં. આથી હું, રવિ અગાસીએથી નીચે ઉતરી પ્રદીપ ઉર્ફે લાલો અને કેશુભાઇને સમજાવવા જતાં તેણે ઝઘડો ચાલુ કર્યો હતો. પ્રદિપ ઉર્ફે લાલો સળીયો લઇને આવ્યો હતો. પાછળ તેનો દિકરો સાવરણી લઇને આવ્યો હતો. આ દરમિયાન મારા પત્નિ, દિકરી પણ આવી ગયા હતાં અને પ્રદિપને સળીયો મુકાવી દીધો હતો. આ પછી ઉગ્ર બોલાચાલી થતાં પ્રદિપ, જીત, ઝપાઝપી રાડારાડી કરવા માંડયા હતાં. ત્યાં પ્રદિપના બે સગા ભાણેજ સાવન, અક્ષિત આવી ગયા હતાં. તેના હાથમાં છરી ધોકા હતાં. આ બધાએ મળી હુમલો કરી મને ખભા ઉપર છરી મારી દીધી હતી અને ધોકાથી હુમલો કરી મારકુટ કરી હતી.મ ારા પત્નિ નીતા વચ્ચે પડતાં તેને પણ છરી ધોકાથી ઇજા પહોંચાડી હતી.
તેમજ મારા દિકરીને પણ વાંસામાં મુંઢ માર માર્યો હતો. માણસો ભેગા થઇ જતાં લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવતાં હું અને મારા પત્નિ સિવિલ હોસ્પિટલે દાખલ થયા હતાં. મને ગળા પર ટાંકા લીધા હતાં. મારા પત્નિને અંગુઠામાં ફ્રેકચર હોવાનું ડોક્ટરે નિદાન કર્યુ હતું. અમે હોસ્પિટલે આવ્યા પછી પાછળથી અમારા ટુવ્હીલરમાં પણ આ લોકોએ તોડફોડ કરી હતી. પ્રદીપ અને તેનો પાડોશી કેશુ રોજ મોડી રાત સુધી બેસી દેકાર કરતાં હોઇ, માણસો ભેગા કરતાં હોઇ અને કેશુ ચડ્ડા પહરેની બેસતો હોઇ તેને આવુ ન કરવા સમજાવવા છતાં આઠેક મહિનાથી તે માનતા નહોતાં. ગુરૂવારે રાતે ફરીથી સમજાવતાં ઉશ્કેરાઇ જઇ ધોકા, છરીથી હુમલો કર્યો હતો.
સામા પક્ષે પ્રદિપભાઇ ઉર્ફે લાલો મુળુભાઇ અવાડીયા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી રવિ મુકેશભાઇ રાઠોડ અને મુકેશભાઇ રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. પ્રદિપભાઇ આનંદ બંગલા ચોકમાં ધારા ગેસમાં નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે રાતે હું અને પાડોશી કેશુભાઇ મારા ઘર પાસે બેઠા હતાં ત્યારે પાડોશી મુકેશભાઇના દિકરા રવિએ અગાસીએથી રાડો પાડી કહેલું કે મારા ઘરની સામે ચડ્ડા પહેરીને બેસો નહિ. જેથી કેશુભાઇએ ચડ્ડો પહેર્યો હોઇ તેણે રવિને કહેલું કે અમે શાંતિથી બેઠા છીએ, કોઇ ખરાબ કામ નથી કરતાં, શા માટે બેસવાની ના પાડો છો? આ સાંભળી રવિ છરી લઇ ધસી આવ્યો હતો અને ગાળો દઇ અમને ઘરમાં જતાં રહેવાનું કહ્યું હતું. જેથી અમે તેને અમારો શું વાંક છે? કહેતાં તેણે છરીથી હુમલો કરતાં મને જમણી આંખ ઉપર કપાળે ઇજા થઇ હતી. હું પડી ગયો હતો. ત્યાં રવિના પપ્પા મુકેશભાઇએ પાઇપ સાથે આવી મને ઘા મારી દીધો હતો. જેથી લોહી નીકળવા માંડયા હતાં. દેકારો થતાં મારા ભાણેજો આવી ગયા હતાં અને મને સારવાર માટે ખસેડયો હતો.
સારવાર માટે દાખલ થયેલા મુકેશભાઇ રાઠોડ અને નીતાબેન મુકેશભાઇ રાઠોડ
(3:38 PM IST)










