News of Monday, 23rd November 2026
૪૦ વર્ષ જુના ૧ કરોડ ૩૧ લાખ નહિ ચુકવાતા કોર્ટના આદેશ બાદ આરટીઓ કચેરી ખાતે જપ્તી વોરન્ટ સાથે પહોંચ્યા અરજદાર
વર્ષ ૧૯૮૨-૮૩ દરમિયાન ગુજરાત સરકારની ચેકપોસ્ટ પર ઓટોમેટિક વેઇંગ મશીન સપ્લાય કરવામાં આવ્યા હતા, જેનું પેમેન્ટ ત્યારથી બાકી છેઃ ફર્મ રીગલ સ્કેલ કંપનીએ જે તે વખતે રોડ પરથી નીકળતાં ટ્રકના ઓટોમેટીક વજન થઇ જાય તેવા મશીન આપ્યા હતાં

રાજકોટ તા. ૨૩: આરટીઓ પાસેથી લેવાના થતાં રૂપિયા ચાલીસ વર્ષથી ચુકવવામાં આવતાં ન હોઇ અંતે અરજદાર આજે કોર્ટના અધિકારીઓ સાથે આરટીઓ કચેરી ખાતે નાણાની જપ્ત માટે પહોંચ્યા હતાં.
વર્ષ ૧૯૮૨-૮૩માં સરકારી ચેકપોસ્ટ પર સપ્લાય કરવામાં આવેલા ઓટોમેટિક વેઇંગ મશીનના બાકી નાણાં મામલે લાંબી કાનૂની લડત બાદ કોર્ટે જપ્તી વોરંટ જારી કર્યું હતું. આ મામલે રાજકોટના અરજદાર વિજયભાઈ વડાલિયા (મો.૯૬૨૪૭ ૦૧૨૬૮)આજે કોર્ટના અધિકારીઓ સાથે આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા હોવાની વિગતો સામે આવી છે.
આ બારામાં અરજદાર વિજયભાઈએ જણાવ્યું હતું કે વર્ષ ૧૯૮૨-૮૩ દરમિયાન ગુજરાત સરકારની ચેકપોસ્ટ પર ઓટોમેટિક વેઇંગ મશીન સપ્લાય કરવામાં આવ્યા હતા, જેનું પેમેન્ટ ત્યારથી બાકી રહ્યું હતું. બાકી રકમ મેળવવા માટે અરજદાર તરફથી ટ્રાયલ કોર્ટમાં કાર્યવાહી ચાલી હતી, ત્યારબાદ હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ અને સેકન્ડ અપીલ તેમજ સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. અરજદારના દાવા મુજબ, આ વિવિધ તબક્કાઓમાં સરકાર સામે ચુકાદા આવ્યા હતા.
: અરજદાર વિજયભાઇએ વધુમાં જણાવ્યા અનુસાર, ૨૦૨૪માં ફાઈનલ ઓર્ડર થયો હતો અને ત્યારબાદ ફરીથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં બે વર્ષ સુધી નાણાં ચૂકવવામાં આવ્યા ન હતા. પરંતુનાણાં ન મળતા કોર્ટમાં એક્ઝિકયુશન (દરખાસ્ત) દાખલ કરવામાં આવી હતી. અરજદારના કહેવા મુજબ, કોર્ટે તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને જપ્તીનું વોરંટ આપ્યું છે, જેથી હવે જપ્તીની કાર્યવાહી માટે પગલાં લેવાઈ રહ્યા છે.
વિજયભાઈએ વધુમાં જણાવ્યું કે તેઓ હાલ આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા છે અને કોર્ટના અધિકારીઓ સાથે આરટીઓ અધિકારીની ચેમ્બરમાં જઈ રહ્યા છે. વાતચીત દરમિયાન તેમણે નાગરિકો સાથે થતી દંડ વસૂલાત અને વાહન ટોઇંગ જેવી કામગીરીનો ઉલ્લેખ કરીને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સામાન્ય નાગરિક પાસેથી નાની રકમનો દંડ કે કાર્યવાહી તુરંત થાય છે, જ્યારે ૪૦ વર્ષ જૂના બાકી લેણા ચૂકવવામાં આરટીઓ તરફથી આનાકાની કરવામાં આવી રહી છે.
અરજદારે આ સ્થિતિને પ્રજા અને સરકારના વ્યવહાર સાથે જોડીને નારાજગી વ્યક્ત કરી હતી.
આરટીઓ ઓફિસર શ્રી ઈન્દ્રજીત ટાંકે અકિલા સાથેની વાતચતમાં જણાવ્યું હતું કે ૧૯૮૨/૮૩ની સાલના જુના કેસ સંદર્ભે ખાનગી પાર્ટી અને આરટીઓ વચ્ચે ચાલી રહેલા કેસ સાંેદર્ભે કોર્ટના હૂકમ મુજબ કાર્યવાહી થઈ રહી છે.
વધુ વિગત પછીથી જાહેર કરીશું.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:22 PM IST)










