તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 26th April 2026
માનવ બેદરકારીથી ગૌમાતા પર સંકટ : રસ્તા પર લોકો પ્લાસ્ટિકની થેલીમાં ખાદ્ય પદાર્થ નાખે જે ગૌમાતા ખાય, પ્લાસ્ટિક પચતું ન હોવાથી જીવલેણ બને છે : ખાદ્ય પદાર્થો પ્લાસ્ટિકની થેલીમાં ન નાખો અને ગૌમાતાનું જીવન બચાવો : રાજકોટમાં પૂ. ગીરીબાપુની ગૌધામ શિવકથામા પ્લાસ્ટિકથી ગૌમાતાને ખતરાની ચેતવણી : કમાણીનો 1% ગૌસેવામાં આપવા અપીલ
શિવજીની આરાધનાથી શાંતિ મળે, દુનિયામાં શિવના ભજન વગર શાંતિ નથી,મન ઉદાસ હોય ત્યારે શિવજીની સાધના કરવી : પૂ.ગીરીબાપુ : મોટી સંખ્યામાં શ્રોતાજનોએ રક્તદાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું અને રક્તદાન મહાદાનનો સંદેશો આપ્યો

રાજકોટ : રાજકોટના મવડી ખાતે અમૃતવાટિકા ગ્રાઉન્ડ, સર્વોદય સ્કૂલ સામે જય સરદાર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આયોજિત ગૌ ધામ શિવ કથાના ત્રીજા દિવસે સુપ્રસિદ્ધ શિવ કથાકાર પૂ. ગીરીબાપુએ ગૌરક્ષા, શિવમહિમા અને રક્તદાનનો સંદેશ આપ્યો. મોટી સંખ્યામાં ભક્તોએ કથાનો લાભ લીધો હતો.
વ્યાસપીઠ પરથી પૂ.ગીરીબાપુએ ચેતવણી આપતા જણાવ્યું કે માનવ બેદરકારીથી ગૌમાતા પર સંકટ આવ્યું છે. રસ્તા પર લોકો પ્લાસ્ટિકની થેલીમાં ખાદ્ય પદાર્થ નાખે છે જે ગૌમાતા ખાય છે. પ્લાસ્ટિક પચતું ન હોવાથી જીવલેણ બને છે. ભાવનગરમાં એક ગૌમાતાના પેટનું ઓપરેશન કરતા 27 કિલો, બીજીમાંથી 60 કિલો અને ત્રીજીમાંથી 80 કિલો પ્લાસ્ટિક નીકળ્યું હતું. એક ગૌમાતાના ગળામાં પ્લાસ્ટિક સાથે ખાધેલી બ્લેડ ખૂંચી જવાથી તે ઘાસચારો ખાઈ શકતી ન હતી. ગીરીબાપુએ અપીલ કરી કે ખાદ્ય પદાર્થો પ્લાસ્ટિકની થેલીમાં ન નાખો અને ગૌમાતાનું જીવન બચાવો.
વ્યાસપીઠ પરથી પૂ.ગીરીબાપુએ કહ્યું કે ગાયને આહાર, પાણી, છાંયો મળે એટલે બસ. ગાય માતા આંખથી આશીર્વાદ આપે છે અને તેની સામે જોવાથી 33 કરોડ દેવતાઓની કૃપા વરસે છે. દરેક વ્યક્તિએ કમાણીનો 1% ગૌસેવા માટે કાઢવો જોઈએ જેથી એક પણ ગાય કતલખાને ન જાય. બાળકોને ગૌશાળામાં લઈ જવા જોઈએ. દ્વારકાધીશ ભગવાન પણ ગૌલોકમાં રહે છે.
શિવકથાના ત્રીજા દિવસે શનિવારે રક્તદાન કેમ્પ યોજાયો હતો. મોટી સંખ્યામાં શ્રોતાજનોએ રક્તદાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું અને રક્તદાન મહાદાનનો સંદેશો આપ્યો.
પૂ.ગીરીબાપુએ જણાવ્યું કે શિવજીની આરાધનાથી શાંતિ મળે છે. દુનિયામાં શિવના ભજન વગર શાંતિ નથી. મન ઉદાસ હોય ત્યારે શિવજીની સાધના કરવી. સમુદ્ર મંથનનું કાળકૂટ વિષ કંઠમાં રાખ્યું તેથી શિવજી નીલકંઠ કહેવાય. ભીમાશંકર જ્યોતિર્લિંગમાં રાત્રે ડાકીની-શાકીની પૂજા કરે છે.
શિવપુરાણનો ઉલ્લેખ કરતા પૂ.ગીરીબાપુએ કહ્યું કે નારદજી બ્રહ્માજીના પુત્ર અને મુનિઓમાં શ્રેષ્ઠ છે. પ્રાતઃકાલ નામ લેવાથી દોષમુક્ત થવાય છે. નારદજીએ હિમાલયમાં તપ કરી કામદેવને હરાવ્યા, પણ જય જય કારથી અહંકાર આવ્યો. શિવજીએ તેમને અહંકાર મુક્ત થવાનું સૂચન કર્યું. બોધ આપ્યો કે આપણી સફળતા બીજાને ન કહેવી, ઘરની વાત ઘરમાં રાખવી. શાંત રહેવું એ જ શિવજીની આરાધના છે.
આ પ્રસંગે સદભાવના ટ્રસ્ટના વિજયભાઈ ડોબરીયાનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું. લોકગાયિકા અલ્પાબેન પટેલ અને હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ દિવ્ય ભક્તિ સંધ્યામાં ભજન રજૂ કરી ભક્તોને રસતરબોળ કર્યા હતા.
(6:13 PM IST)










